ડીપફેક (DeepFake) ટેકનોલોજી વિશે દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓએ જોર ત્યારે પકડયું હતું જ્યારે અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વિડીયો સામે આવ્યો હતો. જે બાદથી લોકોને ડીપફેક વિશે ખ્યાલ આવ્યો હતો. દેશમાં ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી બધી બાબતોને ધ્યાને રાખીને હવે કેન્દ્રની મોદી સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે 24 નવેમ્બરના રોજ ગૂગલ, ફેસબુક, યુટ્યુબ સહિતના ઓનલાઈન પ્લેટફોર્મ્સને હાજર રહેવા માટે જણાવ્યું છે. સાથે સખત કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
ડીપફેક ટેકનોલોજી દેશ માટે ઘાતક સાબિત ના થાય તે પહેલાં જ મોદી સરકારે તેના પર સખત પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે 24 નવેમ્બરના રોજ ગૂગલ સહિતના તમામ ઓનલાઈન પ્લેટફોર્મ્સને બોલાવ્યા છે. તેમને કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે જો તેમની સાઈટ પરથી ડીપફેક વિડીયો કે કન્ટેન્ટ દૂર નહીં થાય તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે એવું પણ કહ્યું છે કે જો કોઈ પ્લેટફોર્મના વિવાદિત ડીપફેક વિશેના વિડીયો સામે આવશે તો તેમની સામે ગુનો પણ નોંધાઈ શકે છે.
36 કલાકમાં ડીપફેક વિડીયો નહીં હટાવ્યા તો થશે કાર્યવાહી
મીડિયા સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “સરકાર તમામ પ્લેટફોર્મ્સને સમજાવશે કે તે શા માટે ડીપફેક અને ખોટી માહિતીને ગંભીર ખતરો માને છે.” સાથે તેમણે એવું પણ કહ્યું કે સરકાર તમામ પ્લેટફોર્મ્સને ચેતવણી આપશે કે, જો સાઈટ પરથી ડીપફેક વિડીયો નહીં હટે તો ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “કોઈપણ પ્લેટફોર્મ્સ સૂચના મળ્યા બાદ 36 કલાકની અંદર જો ડીપફેક વિડીયો કે ખોટી માહિતી હટાવે તો તેમના પર કાર્યવાહી નહીં થાય, પરંતુ એવું નહીં થાય તો પીડિત વ્યક્તિ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.”
આ ડીપફેક (DeepFake) ટેકનોલોજી શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિષય પર ઑપઇન્ડિયાએ એક સવિસ્તાર લેખ પ્રકાશિત કર્યો છે. જેમાં સરળતાથી સમજી શકાય છે કે ડીપફેક ટેકનોલોજી શું છે. જે અહી ક્લિક કરવાથી વાંચી શકાશે.