અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રલિયાની ટીમે જીત મેળવી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતે 240 રન કર્યા હતા. જે લક્ષ્યાંક ઑસ્ટ્રેલિયાએ 43 ઓવર અને 4 વિકેટના નુકસાને પાર કરી લીધું હતું. જેની સાથે ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆત સારી કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ મજબૂત શરૂઆત અપાવીને 31 બોલમાં 47 રન કર્યા હતા, પરંતુ પછીથી કેચ આઉટ થઈ જતાં સ્કોરબોર્ડ ધીમું પડ્યું હતું. બીજી તરફ, ઓપનર શુભમન ગિલ વધુ રન બનાવી ન શક્યા અને માત્ર 4 રન પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
વિરાટ કોહલી-કેએલ રાહુલની અર્ધી સદીની મદદથી ભારતે બનાવ્યા હતા 240 રન
ત્યારબાદ શ્રેયસ ઐયર પણ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ દબાણ હેઠળ આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે બાજી સંભાળી લીધી હતી અને એક ગતિ પકડાવી હતી. પરંતુ 29મી ઓવરમાં વિરાટ કોહલી આઉટ થતાં ફરી ઝાટકો લાગ્યો હતો. ત્યારબાદ ધીમી ઝડપે સ્કોરબોર્ડ આગળ વધતું રહ્યું અને સ્કોર 240 સુધી પહોંચી શક્યો હતો.
ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન કેએલ રાહુલે (66) બનાવ્યા. વિરાટ કોહલીએ 63 બોલમાં 54 જ્યારે રોહિત શર્માએ 31 બોલમાં 47 રન કર્યા. બાકીના ખેલાડીઓએ ખાસ કમાલ ન કરી શક્યા. શુભમન ગિલ અને શ્રેયસ ઐયર 4-4 રન જ્યારે સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે 18 અને 9 રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાની શરૂઆત સામાન્ય રહી, પણ પછીથી બાજી સંભાળી લીધી
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત સામાન્ય રહી અને માત્ર 16 રન પર ઓપનર ડેવિડ વૉર્નર પેવેલિયન પરત ફરતાં ટીમ પર દબાણ આવ્યું હતું. પરંતુ પછીથી બાકીના ખેલાડીઓએ બાજી સંભાળી લીધી હતી. જોકે, 41 અને 47 રન પર વિકેટો પડી હતી પરંતુ પછી વિકેટ ન પડી શકી અને ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને જ મેચ પૂર્ણ કરી દીધી હતી.
ઑસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 જ્યારે લાબુશેને 110 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ સિવાય ડેવિડ વોર્નરે 7, સ્ટીવ સ્મિથે 4 અને મિચેલ માર્શે 15 રન બનાવ્યા હતા.