વિશ્વ કપ 2023ની ફાઇનલ મેચનો ભવ્ય શુભારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતીય ટીમ પહેલી બેટિંગ કરશે. મેચ જોવા માટે લાખોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા છે. બીજી તરફ, દેશભરમાંથી ખેલાડીઓ પર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે ટીમ અત્યાર સુધી રમતી આવી છે તે જ ટીમ આજે ફાઇનલ રમવા માટે પણ ઊતરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ફેરફારો કરવામાં આવ્યા નથી.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, કેએલ રાહુલ (વિ.કી), શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયન ટીમ: ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિશ (વિ.કી), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે અને સૌ કોઇ તેના સાક્ષી બનવા માટે આતુર છે. આજે વહેલી સવારથી જ સ્ટેડિયમ ખાતે દર્શકો પહોંચવાના શરૂ થઈ ગયા હતા. સ્ટેડિયમની બહાર માનવ મહેરામણ જોવા મળ્યો હતો અને ચારેકોર ‘ભારત માતા કી જય’ અને ‘ઇન્ડિયા જીતેગા’ના નારા ગુંજી ઉઠ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે સ્ટેડિયમ ખાતે પહોંચી ત્યારે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
The pressure on team India is massive today….!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
– Go well, boys! 🇮🇳🏆pic.twitter.com/iyLz6Z7lyB
PM નરેન્દ્ર મોદી પણ ટીમ ઇન્ડિયાને મેચ માટે શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, 140 કરોડ ભારતીયો તમારી જીત માટે ચિયર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવશે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રિચર્ડ માર્લ્સ પણ આવી રહ્યા છે.
All the best Team India!
— Narendra Modi (@narendramodi) November 19, 2023
140 crore Indians are cheering for you.
May you shine bright, play well and uphold the spirit of sportsmanship. https://t.co/NfQDT5ygxk
આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ અજેય રહી છે અને અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પહેલી 2 મેચ હાર્યા બાદ સતત 8 મેચ જીતીને અહીં સુધી પહોંચી છે. સેમી ફાઇનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાઈ હતી, જેમાં વિરાટ કોહલીની સદી અને મોહમ્મદ શમીની 7 વિકેટના જોરે 70 રનથી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાનો સામનો સાઉથ આફ્રિકા સામે થયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટથી જીત મેળવી હતી.
આ વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત ત્રીજી વખત જ્યારે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત જીતવા માટે ઊતરશે. ભારતીય ટીમ 2013 બાદ કોઇ ICC ટ્રોફી જીતી નથી. 140 કરોડ ભારતીયોને આશા છે કે આ મેચ બાદ આ પ્રતિક્ષાનો અંત આવશે.