વર્લ્ડ કપ 2023ની ફાઈનલ શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. અમદાવાદના સુપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે, જે જોવા માટે 1 લાખ 30 હજાર લોકો આવશે. જેમાં ભારતના વડાપ્રધાનથી લઈને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ તેમજ અન્ય હસ્તીઓ પણ સામેલ છે. આ તમામની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે 6 હજાર જવાનો તહેનાત કરવા માટે તૈયારીઓ આરંભી છે.
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે શનિવારે (18 નવેમ્બર) પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને હોમ ગાર્ડ્સ સહિત કુલ 6 હજાર જવાનો સુરક્ષામાં હાજર રહેશે. જેમાંથી 3 હજાર જવાન સ્ટેડિયમની અંદર, જ્યારે બાકીના બહાર તેમજ મહેમાનો જ્યાં રોકાયા છે તે હોટેલ વગેરે સ્થળોએ હશે. જ્યારે RAFની એક કંપની પણ સ્ટેડિયમમાં રહેશે.
#WATCH | Ahmedabad, Gujarat: Ahead of the #ICCCricketWorldCup final, Gyanendra Singh Malik, Police Commissioner of Ahmedabad, says, "…We have called nearly 2000 police from outside… Overall, we are using more than 6,000 of the police force… Paramilitary (force) is… pic.twitter.com/QQHo78ED6b
— ANI (@ANI) November 18, 2023
સ્ટેડિયમ પોલીસે હંગામી ધોરણે એક કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પણ ઊભું કર્યું છે, જે વાયરલેસ નેટવર્કથી કામ કરશે અને મોબાઇલ કોમ્યુનિકેશન નિષ્ફળ જવાની પરિસ્થિતિમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે.
મેચના દિવસે બંદોબસ્તમાં IG અને DIG રેન્કના 4 સિનિયર IPS અધિકારી, 23 ડેપ્યુટી પોલીસ કમિશ્નર (DCP), 39 આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) અને 92 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ખડેપગે રહેશે. આ સિવાય કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ કે ન્યુક્લિયર ઇમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે NDRFની એક ટીમ પણ તહેનાત કરવામાં આવશે. તેમજ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વાડની 10 ટીમો તેમજ ચેતક કમાંડોની 2 ટીમો પણ તહેનાત રાખવામાં આવશે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે, વડાપ્રધાન, ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમ, ગૃહમંત્રી, આસામના મુખ્યમંત્રી સહિતના તમામ મહાનુભાવોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મેચ નિહાળવા માટે US એમ્બેસેડર, સિંગાપોરના ગૃહમંત્રી, આસામ સીએમ હિમંત બિસ્વ સરમા, મેઘાલય સીએમ સાંગમા વગેરે નેતાઓ પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.
અમદાવાદ સીપીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ વધુમાં વધુ મેટ્રોનો ઉપયોગ કરે. ઉલ્લેખનીય છે કે મેટ્રો સેવા મેચના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. આ સિવાય BRTS અને AMTS સુવિધાઓ માટે વધારાની બસ પણ ફાળવવામાં આવી છે. આગળ ઉમેર્યું હતું કે, 1 લાખથી વધુ દર્શકો મેચ જોવા માટે આવવાના હોવાથી સુરક્ષા, ટ્રાફિક વગેરે પડકારો હશે પરંતુ પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે.