ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના ભવ્ય પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે તેમના ગામમાં એક સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે ભૂમિ સર્વેક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. શમીના નામે તેમના ગામમાં એક મિની સ્ટેડિયમ બનાવવામાં આવશે.
મોહમ્મદ શમીનું વતન ઉત્તર પ્રદેશનું સહસપુર અલીનગર છે. જે અમરોહા જિલ્લામાં સ્થિત છે. જિલ્લાના DM રાજેશ ત્યાગીએ મીડિયાને જણાવ્યું હતું કે, “મોહમ્મદ શમીના ગામમાં અમે એક મિની સ્ટેડિયમ બનાવવાનો પ્રસ્તાવ મોકલી રહ્યા છીએ. જેમાં સ્ટેડિયમ સાથે એક ઓપન જિમની પણ વ્યવસ્થા હશે. જે માટે પૂરતી જમીન પણ છે. તંત્ર દ્વારા 20 મિની સ્ટેડિયમ બનાવવાની યોજના હતી, જેમાં અમરોહામાં પણ એક બનશે.”
Uttar Pradesh | Following Team India pacer Mohammed Shami's performance in the Nov 12 semi-final match of the ICC World Cup, DM Amroha Rajesh Tyagi says, "A proposal has been made to construct a mini-stadium and open gym in the village (Sahaspur Alinagar) of Mohammed Shami." pic.twitter.com/sh70MMQcuS
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 17, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમરોહા જિલ્લા તંત્રે શમીના ગામમાં સ્ટેડિયમ બનાવવા માટે જમીન ચિહ્નિત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેના પગલે ગ્રામજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ડીએમએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમ માટે 1 હેક્ટર જમીન જોવા માટે મુખ્ય વિકાસ અધિકારી ટીમ સાથે પહોંચ્યા હતા અને તેમણે પ્રસ્તાવ મોકલી આપ્યો છે.
મૂળ ઉત્તર પ્રદેશના મોહમ્મદ શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે IPLમાં તેઓ ગુજરાત ટાઈટન્સમાંથી રમે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ તેમણે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી લીધું હતું. વર્ષ 2013માં કોલકત્તામાં તેમણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું. વર્ષ 2015માં પહેલી વખત વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. ત્યારબાદ જ્યારે-જ્યારે પણ રમવાની તક મળી ત્યારે તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવાના પ્રયાસ કર્યા.
ખાસ કરીને હાલ ચાલતા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. તેઓ કુલ 9 મેચમાં 23 વિકેટ લઇ ચૂક્યા છે. જેની સાથે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પહેલા ક્રમે છે. ખાસ કરીને ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને એકલે હાથે 7 વિકેટ લઈને બાજી પલટાવી નાખી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં એક સમયે જ્યારે સામેની ટીમ લક્ષ્યાંકની નજીક જઈ રહી હતી અને વિકેટની જરૂર હતી ત્યારે શમીએ વિકેટ ખેરવીને ટીમને પરત મેચમાં લાવી હતી. આ મેચમાં તેમણે 7 વિકેટ મેળવી હતી.