કેરળની એક કોર્ટે અશફાક આલમ નામના વ્યક્તિને પાંચ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં ફાંસીની સજા ફટકારી છે. 28 વર્ષીય અશફાકે 28 જુલાઈ, 2023 ના રોજ એર્નાકુલમના અલુવાથી એક બાળકીનું અપહરણ કર્યું હતું અને તેની સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી. કેરળમાં બાળકીનો બળાત્કાર અને હત્યા કરવાનો આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.
અશફાકે ટી-શર્ટથી બાળકીનું ગળું દબાવીને હત્યા કરી તેની લાશને ફેંકી દીધી હતી. બાળકીના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. હવે આ કેસમાં કોર્ટે અશફાકને દોષી ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે અને 7.7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
અશફાક સામે હત્યા, અપહરણ સહિત પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટનો આ નિર્ણય પોક્સોના અમલના 11 વર્ષ પૂરા થવાની તારીખ પર આવ્યો છે. આ કેસને પ્રાથમિકતા પર રાખતાં કેરળ પોલીસે જલ્દી જ ટ્રાયલ શરૂ કરી દીધી હતી અને આજે તેનો નિર્ણય પણ સામે આવી ગયો છે.
બાળકી પર બળાત્કાર અને હત્યાના દોષિત અશફાક આલમ મૂળ બિહારનો રહેવાસી છે. તેણે જે બાળકીની હત્યા કરી, તેના માતા-પિતા પણ બિહારથી કેરળ કામ કરવા આવ્યા હતા. બાળકીના પિતા અહીં જીપ્સમ બોર્ડ લગાવવાનું કામ કરે છે.
28 જુલાઇની સાંજે અશફાક આલમ બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. ત્યાર બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેની હત્યા કરી નાંખી હતી. અશફાક આલમે બાળકીના મૃતદેહ પર પથ્થર મૂકી તેને નાળામાં ફેંકી દેધો હતો. પોલીસે જ્યારે અશફાકને પકડ્યો તો તે તેમને ગેરમાર્ગે દોરવા લાગ્યો હતો. જો કે પોલીસે આ કેસમાં બને તેટલી ઝડપથી પુરાવા એકત્ર કરી અશફાકને સજા અપાવી છે.
આ નિર્ણય ગુનાના 110 દિવસની અંદર આવ્યો છે. જો કે અશફાકના ગુના 100માં દિવસે જ સાબિત થઇ ગયા હતા. જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે અશફાક આલમના પિતા અને માતા ઘટના સ્થળે હાજર હતા. તેમણે કહ્યું કે દીકરાના કૃત્ય માટે ફાંસીથી ઓછું કંઈ ન હોવું જોઈએ.
કેરળના એડીજીપી એમ અજીતકુમારે જણાવ્યું હતું કે, આ કેસને સૌથી ગંભીરતાથી લેવાનો પોલીસનો નિર્ણય અશફાકને ફાંસી અપાવવામાં મદદરૂપ થયો છે. તેમણે આ કેસની તપાસ 30 દિવસમાં પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓની પણ પ્રશંસા કરી હતી.
અજિત કુમારે એમ પણ કહ્યું કે અશફાકનો આ પ્રકારનો આ પહેલો ગુનો નથી, પરંતુ તે દિલ્હી અને બિહારમાં પણ આવા ગુના આચરી ચુક્યો છે. તે અહીં બચીને રહી રહ્યો હતો, પરંતુ કેરળમાં તેની ધરપકડ કરીને તેને સજા આપવામાં આવી છે. અલુવા માર્કેટમાં કામ કરતા એક અને આ કેસના સાક્ષી સાક્ષી એક વ્યક્તિએ અશફાકને ફાંસી આપવામાં આવી ત્યારે મીઠાઈ વહેંચી હતી.
તો બીજી તરફ કેરળમાં બાળકીનો બળાત્કાર અને હત્યા મામલે મુખ્યમંત્રી પિનરાય વિજયને કહ્યું કે આવા કેસોમાં મૃત્યુદંડ આવા ગુનાઓ કરનારાઓ માટે ચેતવણીનું કામ કરશે. વિજયને કહ્યું કે બાળકીના માતા-પિતાનું દુખ દૂર થઈ શક્યું નથી પરંતુ રાજ્ય સરકાર તેમને તમામ મદદ કરશે.