હાલ ચાલતા ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ક્વોલિફાય થવાની સંભાવનાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ શનિવારે (11 નવેમ્બર) પોતપોતાની અંતિમ મેચ રમ્યા. જો પાકિસ્તાને ચોથા ક્રમે આવીને ક્વોલિફાય થવું હોય તો ન માત્ર ઇંગ્લેન્ડ સામે જીતવું જરૂરી હતું, પરંતુ ન્યૂઝીલેન્ડની (જે હાલ 4થા ક્રમે છે) રનરેટથી આગળ આવવા મોટા માર્જિનથી જીત મેળવવી પણ જરૂરી હતી. પરંતુ ટોસ થતાંની સાથે જ પાકિસ્તાનીઓની આશા પર પાણી ફેરવાઈ ગયું છે.
હાલ ત્રણ ટીમો વર્લ્ડ કપના ક્વોલિફાયર રાઉન્ડ માટે સિલેક્ટ થઈ ગઈ છે, ચોથા ક્રમ માટે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર હતી. હાલ ન્યૂઝીલેન્ડ ચોથા અને પાકિસ્તાન પાંચમા ક્રમે છે. ન્યુઝીલેન્ડના પોઈન્ટ 10 છે અને પાકિસ્તાનના 8. જો પાકિસ્તાન જીત મેળવે તો તેના પણ 10 પોઈન્ટ થઈ જાય. (એક મેચ જીતવા પર 2 પોઈન્ટ મળે છે) આ સંજોગોમાં દારોમદાર નેટ રનરેટ પર રહે છે. જેમાં ન્યૂઝીલેન્ડ આગળ છે.
જો ન્યુઝીલેન્ડને નેટ રનરેટમાં પછાડવું હોય તો પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે અમુક માર્જિનથી જીત મેળવવી જરૂરી છે. પરંતુ એ બધું જ ત્યારે થઈ શક્યું હોત જ્યારે પાકિસ્તાનની પ્રથમ બેટિંગ આવી હોત. પરંતુ આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે. હવે પાકિસ્તાન પાસે વિકલ્પો તો છે, પરંતુ તે એવા છે કે કોઇ કાળે વ્યાવહારિક રીતે શક્ય બને તેમ નથી.
જેથી, ટોસ થતાંની સાથે જ પાકિસ્તાનીઓ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. હવે જે કાંઈ પણ થશે તે ઔપચારિકતાઓ માત્ર હશે.
જો પાકિસ્તાનની પ્રથમ બેટિંગ આવી હોત તો તેમની પાસે આટલી શક્યતાઓ હતી-
પાકિસ્તાનનું ટોટલ- 300, ઈંગ્લેન્ડને 13 રન પર ઓલ આઉટ કરી દેવું
પાકિસ્તાનનું ટોટલ- 350, ઈંગ્લેન્ડને 63 રન પર ઓલ આઉટ કરી દેવું
પાકિસ્તાનનું ટોટલ- 400, ઈંગ્લેન્ડને 112 રન પર ઓલ આઉટ કરી દેવું
પાકિસ્તાનનું ટોટલ- 450, ઈંગ્લેન્ડને 162 રન પર ઓલ આઉટ કરી દેવું
પાકિસ્તાનનું ટોટલ- 500, ઈંગ્લેન્ડને 211 રન પર ઓલ આઉટ કરી દેવું
અહીં 300 રન કરીને સામેની ટીમને માત્ર 13 પર ઓલઆઉટ કરવી ઘણું કઠિન કામ છે પરંતુ 400 રન કરીને 112 પર ઓલઆઉટ કરવું મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. આ સિવાય 350-63 પણ સાવ અશક્ય બાબત નથી. પરંતુ આ બધું ત્યારે કામનું હતું જ્યારે પાકિસ્તાનની પ્રથમ બેટિંગ આવી હોત.
અહીં ઈંગ્લેન્ડ જો પ્રથમ બેટિંગ કરે તો પાકિસ્તાન પાસે આટલી શક્યતાઓ હતી-
ઈંગ્લેન્ડનું ટોટલ- 20, પાકિસ્તાન 1.3 ઓવરમાં ચેઝ કરી દે
ઈંગ્લેન્ડનું ટોટલ- 50, પાકિસ્તાન 2 ઓવરમાં ચેઝ કરી દે
ઈંગ્લેન્ડનું ટોટલ- 100, પાકિસ્તાન 2.5 ઓવરમાં ચેઝ કરી દે
ઈંગ્લેન્ડનું ટોટલ- 150, પાકિસ્તાન 3.4 ઓવરમાં ચેઝ કરી દે
ઈંગ્લેન્ડનું ટોટલ- 200, પાકિસ્તાન 4.3 ઓવરમાં ચેઝ કરી દે
ઈંગ્લેન્ડનું ટોટલ- 300, પાકિસ્તાન 6.1 ઓવરમાં ચેઝ કરી દે
આમાંથી એક પણ બાબત વ્યવહારિક રીતે શક્ય નથી. ઈંગ્લેન્ડનો કોઈ સ્કોર એવો નથી કે પાકિસ્તાનની (કે બીજી કોઇ પણ ક્રિકેટ રમતી ટીમ) જણાવેલી ઓવરમાં લક્ષ્યાંક પાર કરી લે. આ જ કારણ છે કે પાકિસ્તાનીઓ કદાચ જીતે પણ તોપણ નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડથી આગળ વધી શકશે નહીં અને એટલે ક્વોલિફાય થઈ શકશે નહીં.
હવે રવિવારે (12 નવેમ્બર) વર્લ્ડ કપની અંતિમ લીગ મેચ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. ભારત પોતાનો વિજયરથ અજેય રાખવા માટે ઊતરશે કારણ કે ટીમ અત્યાર સુધી એકેય મેચ હારી નથી. ત્યારબાદ ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થશે. પહેલી ચાર ટીમો વચ્ચે બે સેમી ફાઈનલ રમાયા બાદ વિજેતા ટીમો વચ્ચે 19 નવેમ્બર, રવિવારે ફાઈનલ રમાશે.