કૅશ ફોર ક્વેરી કૌભાંડમાં TMC સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. હવે એથિક્સ કમિટીએ તેમને સંસદમાંથી નિષ્કાસિત કરવા માટે ભલામણ કરી છે અને રિપોર્ટ સુપરત કરી દીધો છે. ગમે ત્યારે તેની ઉપર નિર્ણય લેવાય શકે તેમ જણાય રહ્યું છે.
મહુઆ મોઈત્રા સામે ચાલતી તપાસને લઈને રિપોર્ટ એડોપ્ટ કરવા માટે ગુરૂવારે (9 નવેમ્બર) લોકસભાની એથિક્સ કમિટીની એક બેઠક મળી હતી. આ બેઠકમાં બહુમતીથી રિપોર્ટને સ્વીકારી લેવામાં આવ્યો હતો. જાણવા મળ્યા અનુસાર, 6 સભ્યો રિપોર્ટના સમર્થનમાં અને 4 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું.
ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, કમિટીના ચેરમેન વિનોદ સોનકરે આ અંગે જણાવ્યું કે, “રિપોર્ટ સ્વીકારી લેવામાં આવ્યો છે, અમુક સભ્યોએ તેમને (મહુઆને) બચાવવાના પ્રયાસ કર્યા, પણ મોટાભાગના સભ્યો રિપોર્ટના સમર્થનમાં હતા. હવે રિપોર્ટ લોકસભા સ્પીકરને મોકલવામાં આવી રહ્યો છે.” 6 સભ્યો સમર્થનમાં અને 4 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હોવાની વાતની પણ તેમણે પુષ્ટિ કરી હતી.
જાણવા મળ્યા અનુસાર, પંજાબનાં સાંસદ અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘનાં પત્ની પરણીત કૌરે રિપોર્ટના સમર્થનમાં મતદાન કર્યું હતું. જેને લઈને કમિટી ચેરમેને કહ્યું કે, જેઓ સત્યના પક્ષે છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ. સંસદની ગરિમા સાચવવા માટે આ એક સારો સંકેત છે. અમે તેમના આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે પરણીત કૌર કોંગ્રેસની ટીકીટ પર લડીને જીત્યાં હતાં, પણ હાલ પાર્ટી તેમને સસ્પેન્ડ કરી ચૂકી છે.
રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?
એથિક્સ કમિટી દ્વારા લોકસભા સ્પીકરને મોકલવામાં આવેલો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં નથી, પરંતુ મીડિયામાં સૂત્રોને ટાંકીને ઘણી વિગતો જણાવવામાં આવી રહી છે. જે અનુસાર, કમિટીએ મહુઆ મોઈત્રાની વર્તણૂંક ‘અનૈતિક’ ગણાવી છે અને કહ્યું કે તેમણે લૉગિન આઇડી અને પાસવર્ડ બિનઅધિકૃત વ્યક્તિ સાથે શૅર કર્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 2019થી 2023 વચ્ચે તેઓ 4 વખત દુબઈ ગયાં હતાં અને આ દરમિયાન કુલ 47 વખત તેમના આઇડી પરથી લૉગિન કરવામાં આવ્યું હતું.
કમિટીએ મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરખાસ્ત કરવા માટે ભલામણ કરી છે અને કહ્યું કે, તેમનું વર્તન અત્યંત આપત્તિજનક, અનૈતિક અને ગુનાહિત રહ્યું છે અને જેથી કમિટી આ બાબતની ગહન, કાયદાકીય અને સંસ્થાગત તપાસ કરવાની ભલામણ કરે છે. કમિટીએ એમ પણ કહ્યું કે, મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા, ભેટો અને અન્ય સુવિધાઓ લઈને ‘અનૈતિક આચરણ’ કર્યું છે અને જે ‘સંસદની અવમાનના’ છે. જેથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
આ સમગ્ર રિપોર્ટ 500 પાનાંનો હોવાનું કહેવાય છે, જે લોકસભા સ્પીકરને મોકલવામાં આવ્યો છે. સ્પીકર હવે તેની ઉપર નિર્ણય કરશે.