હિંદુ પૂજારીઓ અને ધાર્મિક સ્થળોનું સંચાલન કરનારાઓને બળાત્કારી કહેવા બદલ આસામના કોંગ્રેસી ધારાસભ્ય આફતાબુદ્દીન મોલ્લાહની ધરપકડ કરવામાં આવી છે. આસામની જલેશ્વર વિધાનસભા સીટના ધારાસભ્ય ધારાસભ્ય મોલ્લાહે ગત 4 નવેમ્બર, 2023ના રોજ હિંદુ સમુદાય અને ધાર્મિક સ્થળોના પૂજારીઓ વિશે આપત્તિજનક ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાદ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને કેસ દાખલ કરીને આસામ પોલીસે તેમની ધરપકડ કરી છે.
અહેવાલો અનુસાર આફતાબુદ્દીન મોલ્લાહે ગત 4 નવેમ્બરના રોજ આસામના ગોળપારા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન હિંદુ સમાજ અને હિંદુ મંદિરોના સંતો-પૂજારીઓ તેમજ નામઘરના (વૈષ્ણવ પંથનું પ્રાર્થનાઘર) સંચાલકો વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હતી. જે બાદ તેમના વિરુદ્ધ દીસપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં આસામ પોલીસે આ કોંગ્રેસી નેતા વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ગુવાહાટી પોલીસ કમિશનર દિગંતા બોરાએ કોંગ્રેસી ધારાસભ્ય આફતાબુદ્દીન મોલ્લાહની પૂછપરછ પણ કરી હતી.
‘જ્યાં હિંદુઓ ત્યાં ક્રાઈમ, પુજારીઓ અને નામઘરના સંચાલકો બળાત્કારી’: આફતાબુદ્દીન મોલ્લાહ
તેમણે ગોલપારામાં આયોજિત એક સભાને સંબોધતાં કહ્યું હતું કે, “ક્યાંય પણ બળાત્કાર થાય તો તેમાં સાધુ કે નામઘરિયા (વૈષ્ણવ મઠની સારસંભાળ રાખનારા) સામેલ હોય છે. તેઓ હિંદુ પૂજારીઓના ગુના છુપાવવા માટે મુસ્લિમો પર આરોપ લગાવી દે છે.” તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કથિત રીતે સભામાં સામેલ અમુક લોકોએ તાળી વગાડીને કૉંગ્રેસ MLAના આ નિવેદનનું સમર્થન પણ કર્યું હતું. મંચ પર મુસ્લિમ સમાજ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકો સામેલ હતા.
Assam Police has arrested Congress MLA Aftabuddin Mollah for allegedly making derogatory remarks about the priests, namgharias and saints. A case has been registered at Dispur police station under sections 295(a)/ 153A(1)(b)/505(2) IPC), confirms DGP GP Singh
— ANI (@ANI) November 8, 2023
More details…
કોંગ્રેસી ધારાસભ્યના આ નિવેદન બાદ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હત કે, “કોંગ્રેસી ધારાસભ્ય આફતાબુદ્દીન મોલ્લાહે જાણીજોઈને હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવું નિવેદન આપ્યું છે. આ પ્રકારનું નિવેદન આપીને તેમણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમના દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સૌહાર્દ માટે હાનિકારક છે.”
હિંદુ પુજારીઓને બળાત્કારી કહેવા બદલ આસામના કોંગ્રેસી ધારાસભ્ય આફતાબુદ્દીન મોલ્લાહની ધરપકડ બાદ ડીજીપી જીપી સિંહનું પણ એક નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ MLA વિરુદ્ધ દીસપુર પોલીસ સ્ટેશનમાં IPCની કલમો 295 (A), 153 (A)(1)(B) અને 505 (2) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ ડીજીપીએ પુષ્ટિ કરી છે કે પૂજારીઓ, નામઘરીયા અને હિંદુ સમાજ તેમજ સંતો વિશે અભદ્ર અને આપત્તિજનક ટીપ્પણી કરવા બદલ કોંગ્રેસી ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નામઘર એ આસામમાં વસતા વૈષ્ણવપંથીઓ માટે એક પ્રકારનું પ્રાર્થના કરવાનું પવિત્ર સ્થળ છે. આ જગ્યા પર વર્ષોથી હિંદુ સમુદાય એકઠો થઈને ભજન-કીર્તન તેમજ ભગવાનના નામની ઉપાસના કરતો આવ્યો છે.