હિંદુઓનાં સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ પૈકીના એક ગણાતા અમરનાથમાં હવે દર્શન માટે કોઈ હાલાકી ભોગવવાનો વારો નહીં આવે. મહામહેનતે અમરનાથ ગુફા સુધી પહોંચતા યાત્રાળુઓ હવે સીધા ગુફા સુધી વાહનો લઈ જઈ શકશે. BROએ (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન) છેક ગુફા સુધીનો રોડ બનાવ્યો છે. ટૂંક સમયમાં તેને યાત્રાળુઓ માટે ખુલ્લો મુકાશે. આ પહેલાં અમરનાથ ગુફામાં બાબા અમરનાથના દર્શન માટે ઘણી હાલાકી ભોગવવી પડતી હતી. ખૂબ જ જોખમી અને પહાડી રસ્તા સાથે સફર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે ગુફા સુધીનો પહોળો રોડ યાત્રાળુઓ માટે વરદાનરૂપ સાબિત થશે.
#AmarnathYatra
— 𝐁𝐨𝐫𝐝𝐞𝐫 𝐑𝐨𝐚𝐝𝐬 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧 (@BROindia) November 2, 2023
@BROindia Project Beacon is involved in restoration and improvement of Amarnath Yatra tracks.
Border Roads personnel completed the formidable task and created history with first set of vehicles reaching the holy cave.
Jai Hind! Jai BRO!!@narendramodi… pic.twitter.com/gjFBhcgp36
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથની પવિત્ર ગુફા સુધીનો રસ્તો ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ દુમૈલથી અમરનાથ ગુફા સુધીના રસ્તાને પહોળો કરવાનું કાર્ય લગભગ પૂર્ણ કરી દીધું છે. આ માર્ગ બાલતાલ બેઝકેમ્પમાંથી પસાર થાય છે. BROએ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક કાર્ય શક્ય બનાવ્યું છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે અમરનાથ ગુફા તરફ જતાં ટ્રેકની જાળવણી પણ BROને સોંપવામાં આવી છે. અગાઉ આ ટ્રેકની જવાબદારી જમ્મુ-કાશ્મીર સરકારના જાહેર બાંધકામ વિભાગની હતી. હાલ આ રોડનું કાર્ય પૂર્ણ થવા તરફ છે. જ્યાં અત્યાર સુધી લોકોને પહોંચવા માટે પગપાળા યાત્રા કરીને જોખમ ખેડવું પડતું હતું, ત્યાં હવે રોડ બન્યા બાદ લોકો વાહન દ્વારા સીધા પહોંચી શકશે.
BROને સોંપાયું હતું કામ
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં BROને આ સમગ્ર રુટની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી ટ્રેકને અપગ્રેટ કરવાનું કામ નિરંતર શરૂ રહ્યું છે. નોંધવા જેવું છે કે BROને પહાડો પર રસ્તા બનાવવાની મહારત હાંસલ થયેલી છે. કોઈપણ પ્રકારના પહાડી વિસ્તારમાં તે સુરક્ષિત રોડ બનાવી શકે છે. લેહ-લદ્દાખ અને અન્ય પણ ઘણા ખતરનાક સ્થળોએ BROએ પહાડો કાપી રસ્તાનું નિર્માણ કર્યું છે. તેવી જ રીતે BROએ અમરનાથ ગુફા સુધી પણ રસ્તો બનાવ્યો છે. જે ટૂંક સમયમાં યાત્રિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. BRO પાસે આ રસ્તાની જાળવણીની સાથે સમયે-સમયે અપગ્રેટ કરવાનું કામ પણ સામેલ છે.
BROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે, જવાનોની મહેનત રંગ લાવી છે અને વાહનોનો પહેલો કાફલો ગુફાની નજીક પહોંચી ગયો છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે રોડ બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને અપગ્રેટ કરવાનું કામ ચાલી રહ્યું છે. રોડની બંને બાજુ પ્રોટેક્શન વોલ બનાવવાનું અને અકસ્માતગ્રસ્ત વિસ્તારોને સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
BRO શું છે?
BRO એક ભારત સરકાર હેઠળનું સરકારી સંગઠન છે. તે એક રોડ કન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટિવ ફોર્સ હોવા ઉપરાંત, ભારતીય સેનાનું અભિન્ન અંગ પણ છે. તેના દ્વારા ભારત અને મિત્ર પાડોશી દેશોના સરહદી વિસ્તારોમાં રોડ નેટવર્કના વિકાસ અને જાળવણીનું કાર્ય પૂર્ણ થાય છે. BROએ ઈસ્ટર્ન લદ્દાખમાં 19024 ફૂટની ઊંચાઈ પર વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.