છત્તીસગઢમાં ચૂંટણી મતદાનના 2 દિવસ પહેલાં બસ્તરમાં ભાજપ નેતા રતન દુબેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને જ્યારે કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાસેથી આ અંગે જવાબ માંગવામાં આવ્યો તો બઘેલે વાતો-વાતોમાં આ ઘટનાને એક મામૂલી ઘટના ગણાવી હતી.
CM ભૂપેશ બઘેલે મીડિયા સાથે વાત કરતાં સમયે ભાજપ નેતા રતન દુબેના પરિવાર પ્રત્યે પહેલાં સંવેદના વ્યક્ત કરી અને પછી પોતાની વાહવાહી કરતા હોય તેવા અંદાજમાં બોલ્યા કે તેમની ફોર્સના કારણે છત્તીસગઢમાં નક્સલી પ્રભાવ ઓછો થયો છે. લોકો દૂર-દૂરના વિસ્તારોમાં જાય છે. પરંતુ આવી છૂટીછવાઈ ઘટનાઓ પણ બનતી રહે છે તેનો ઇનકાર ન કરી શકાય.
#WATCH | Raipur: On the killing of BJP leader in Narayanpur, Chhattisgarh CM Bhupesh Baghel says, "I express my condolence to the family members. Due to the pressure from our force the Naxals have moved back…Some small incidents have been happening but the situation has… pic.twitter.com/qWjorWaRJ4
— ANI (@ANI) November 5, 2023
સમાચાર એજન્સી ANIએ શેર કરેલા વિડિયોમાં તેમને કહેતા સાંભળી શકાય છે કે, “જિલ્લા સ્તરના પદાધિકારીનું મૃત્યુ થયું. સમગ્ર પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું, પરંતુ સતત અમારી ફોર્સના દબાવને કારણે નક્સલીઓ પાછળ હટી રહ્યા છે. કેટલીક જગ્યાએ છૂટાછવાયા બનાવો બની રહ્યા છે, તેને નકારી નહિ શકાય. પરંતુ જે પહેલાં સ્થિતિ હતી તેમાં અને હાલમાં જમીન-આસમાનનો ફરક છે.”
કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આવું બોલ્યા પછી લોકો તેમનો વીડિયો જોઈને પૂછી રહ્યા છે કે એક વ્યક્તિની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે અને આ તેમને નાની ઘટના લાગે છે. એક યુઝર કહે છે- નાની ઘટના. જ્યારે કોઈ કોંગ્રેસીઓને કઈ થાય છે ત્યારે જ તેમના માટે એ ઘટના મોટી હોય છે.
અન્ય એક યુઝરે કહ્યું કે ભૂપેશ બઘેલ સરકાર છત્તીસગઢને નક્સલી હિંસાથી બચાવવામાં અસમર્થ છે, તેથી જનતાનો તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
રતન દુબેની બસ્તરમાં નક્સલીઓએ કરી હત્યા
નોંધનીય છે કે 4 નવેમ્બરની સાંજે છત્તીસગઢના બસ્તરમાં ચૂંટણી પ્રચાર બાદ ભીડ વચ્ચે રતન દુબેની હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પ્રચાર પૂર્ણ થયા બાદ સ્ટેજની નજીક કોકફાઈટનું (મરઘાંઓની લડાઈનું) આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન, ગ્રામીણોના વેશમાં આવેલા માણસોનું એક જૂથ ચૂપચાપ ભીડથી અલગ થઈ ગયું અને સ્ટેજની નજીક આવવાનું શરૂ કર્યું.
દુબેએ તરત તે જૂથને જોઈને જોખમનો અંદેશો લગાવી લીધો હતો. તેઓ સ્ટેજ પરથી કૂદીને ભાગવા લાગ્યા. તોફાનના કારણે ગ્રામીણોની નજર પણ ત્યાં પડી અને બધાએ જોયું કે બંદૂક, ખંજર અને કુહાડી લઈને લોકોનું એક જુથ દુબેનો પીછો કરી રહ્યું હતું. થોડે દૂર સુધી તેમનો પીછો કર્યા બાદ એક નક્સલીએ દુબેને પાછળથી ગોળી મારી દીધી હતી. જેવા તે નીચે પડ્યા કે પાછળથી ખંજર અને કુહાડીથી નક્સલી ટોળાંએ હુમલો કરી દીધો. આ ઘટના જરઘાટી પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર સાંજે 5:30 વાગ્યે બની હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં નક્સલીઓએ ધમકી આપી હતી કે બસ્તરમાં કોઇ રાજકીય પાર્ટીના કાર્યકર્તા કે ઉમેદવાર વોટ માંગવા ન આવે.
આ પહેલાં પણ 16 જાન્યુઆરીના રોજ ભાજપ કાર્યકર્તા બુધરામ કરતમની હત્યા કરવામાં આવી હતી. તે પછી ભાજપ નેતા નીલકંઠ કક્કમની હત્યા કરવામાં આવી હતી. 10-11 ફેબ્રુઆરીએ નારાયણપુરના જ ઉપાધ્યક્ષ સાગ સાહુ અને દંતેવાડામાં રામધર અલામીની હત્યા થઈ હતી