લગભગ ₹5,000 કરોડના મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ અને અપરાધીઓ બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ સામે આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું છે કે મહાદેવ એપના પ્રમોટરોએ ભૂપેશ બઘેલને ₹508 કરોડ આપ્યા છે. આ નાણાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં વપરાવાના હતા તેવો આરોપ છે.
આ કૌભાંડમાં સંકળાયેલા કૅશ કુરિયર અસીમ દાસે CM ભૂપેશ બઘેલનું નામ આપ્યું છે. દાસ પાસેથી 5.39 કરોડ મળી આવ્યા હતા. નોંધનીય છે કે ED આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. આ સાથે ₹450 કરોડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 14 આરોપીઓ સામે પ્રોસિક્યુશન કમ્પ્લેટ દાખલ કરવામાં આવી છે. હવે ભૂપેશ બઘેલનું નામ પણ આ કૌભાંડમાં સામે આવ્યું છે.
EDએ કહ્યું, “મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતાઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં ₹15.59 કરોડની બાકી રકમ ફ્રીઝ કરવામાં આવી છે. અસીમ દાસની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ અને તેની પાસેથી મળી આવેલા ફોનની ફોરેન્સિક તપાસમાં શુભમ સોની દ્વારા મોકલવામાં આવેલા ઇમેલમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ભૂતકાળમાં ભૂપેશ બઘેલને નિયમિત ચૂકવણી કરવામાં આવતી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ ₹508 કરોડ મહાદેવ એપ દ્વારા ચૂકવવામાં આવ્યા છે.
રિપબ્લિક ભારતના એક સ્ટિંગ ઓપરેશનમાં મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરનું રાજકારણીઓ સંબંધિત એક નિવેદન સામે આવ્યું છે. સ્ટિંગ ઓપરેશનના વીડિયોમાં સામે આવ્યું છે કે સૌરભ ચંદ્રાકરનો મુખ્ય સહયોગી સૌરભ શુક્લા કહેતો જોવા મળી રહ્યો છે કે ચંદ્રાકર આ આખી સરકારને ખરીદી શકે છે. શુક્લા કહે છે કે, ચંદ્રાકર જ છત્તીસગઢ સરકાર ચલાવી રહ્યો છે. નોંધવું જોઈએ કે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.
પૈસાને લઈને સૌરભ શુક્લાએ કહ્યું હતું કે, “ચૂંટણી માટે નાણાં ખાનગી જેટ અથવા હેલિકોપ્ટર દ્વારા આવશે, કારણ કે હવે પૈસાની લેવડદેવડ માટે હવાલા નેટવર્કનો ઉપયોગ કરી શકાશે નહીં. પૈસાની લેવડ-દેવડ માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડાને કારણે આ બધું થયું છે.”
બીજી તરફ મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના કાકા દિલીપે ખુલાસો કર્યો કે, “ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે પોલીસ અને સાથે રાજકારણીઓની જરૂર હોય છે. દરેક વ્યક્તિ આમાં સામેલ છે. ચૂંટણી અને આગામી ચૂંટણી વખતે પણ દરેકે પૈસાની માંગણી કરી છે. ધરપકડ કરાયેલા તમામને ચૂંટણી સમયે છોડી દેવામાં આવશે.” જોકે, બઘેલે આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
બોલીવુડ હસ્તીઓની પણ પૂછપરછ
ફેબ્રુઆરી 2023 માં UAEના રાસ અલ ખૈમાહ શહેરમાં એક આલીશાન લગ્ન યોજાયાં હતાં. ઘણા મહેમાનોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા લાવવામાં આવ્યા હતા. સની લિયોન, નેહા કક્કર, આતિફ અસલમ, ટાઈગર શ્રોફ જેવી ડઝનબંધ હસ્તીઓને લગ્નમાં હાજરી આપવા માટે બોલાવામાં આવી હતી. લગ્નમાં આશરે ₹200 કરોડનો ખર્ચ થયો હતો અને સમગ્ર ચૂકવણી રોકડ અથવા હવાલા દ્વારા કરવામાં આવી હતી. જેમાં યોગેશ બાપટની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની આર-1 ઈવેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને હાયર કરવામાં આવી હતી.
આ લગ્ન છત્તીસગઢના ભિલાઈના રહેવાસી 28 વર્ષના સૌરભ ચંદ્રાકરનાં હતાં. લગ્નમાં જંગી ખર્ચ અને બૉલીવુડના મોટા સ્ટાર્સની સામેલગીરી બાદ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. એજન્સીઓએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે મહાદેવ બેટિંગ એપ ચલાવે છે.
ત્યારબાદ પોલીસે કપિલ શર્મા, રણબીર કપૂર, સની લિયોન સહિત 14 બોલિવૂડ સ્ટાર્સને સમન્સ મોકલ્યા હતા. બિગ બોસ OTT-2 ની મનીષા રાની સહિત લગભગ 50 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. જે પણ હવે એજન્સીઓના નિશાના પર છે.
કોણ છે સૌરભ ચંદ્રાકર?
સૌરભ ચંદ્રાકર છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. તે ભિલાઈમાં જ ‘જ્યૂસ ફેક્ટરી’ નામની જ્યુસની દુકાન ચલાવતો હતો. તેના પિતાનું નામ રામેશ્વર ચંદ્રાકર છે, જેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોટર પંપ ઓપરેટર છે. સમય જતાં તેની મિત્રતા રવિ ઉપ્પલ નામની વ્યક્તિ સાથે થઈ ગઈ. રવિ એન્જિનિયર હતો. બંનેએ મગજ દોડાવ્યું અને વર્ષ 2017માં ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઈટ શરૂ કરી.
શરૂઆતમાં વેબસાઈટ પર બહુ ઓછા યુઝર્સ હતા. તેથી કમાણીની તકો પણ ખૂબ મર્યાદિત હતી. જ્યુસની કમાણીથી સૌરભ પરિવારનું ગુજરાન ચલાવતો રહ્યો અને રવિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો રહ્યો. વર્ષ 2019માં સૌરભ નોકરી માટે દુબઈ ચાલ્યો ગયો અને પછી ત્યાં રવિને પણ બોલાવી લીધો. ત્યાં પહોંચ્યા પછી બંનેએ આ સટ્ટાબાજીની કંપની પર ફોકસ કરવાનું શરૂ કર્યું અને પૈસા કમાવવા પર સંપૂર્ણ ધ્યાન આપવાનું શરૂ કર્યું.
કઈ રીતે ઊભું કર્યું હજારો-કરોડો રૂપિયાનું સામ્રાજ્ય?
સટ્ટાબાજીની વેબસાઈટ બાદ બંનેએ મહાદેવ બુક ઓનલાઈન નામની બેટિંગ એપ પણ બનાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ એપને પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું. એપને પ્રમોટ કરવા માટે તેણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોનો સંપર્ક ક્રયો. આવક વધી તો બંનેએ બીજી સટ્ટાબાજીની એપ પણ ખરીદી લીધી હતી. બંનેએ પોતાનો સટ્ટાબાજીનો ધંધો વિસ્તારવાનું શરૂ કર્યું હતું.
કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉનને કારણે આ ધંધામાં તેજી આવી હતી. વર્ષ 2020માં કોરોના દરમિયાન મોટી સંખ્યામાં યુઝર્સ આ એપ્લિકેશન સાથે જોડાયા હતા. માત્ર ત્રણ મહિનામાં 12 લાખ લોકો આ એપમાં જોડાયા હતા. આ મહાદેવ બેટિંગ એપ પોતાની વેબસાઈટ પર દાવો કરે છે કે તેના લગભગ એક કરોડ યુઝર્સ છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે તેની જાહેરાત પણ કરી હતી. આ રીતે, આ એપના પ્રમોટરોએ એપ દ્વારા 5,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
ED અનુસાર, મહાદેવ ઓનલાઈન એપ પોકર અને અન્ય કાર્ડ ગેમ, ચાંસ ગેમ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, ‘તીન પત્તી’, પોકર, ‘ડ્રેગન ટાઈગર’, વર્ચ્યુઅલ ક્રિકેટ ગેમ સહિત અન્ય વિવિધ લાઈવ ગેમમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા લાગી હતી. ત્યાં સુધી કે ભારતમાં થનારી વિવિધ ચૂંટણી પર પણ આ એપ દ્વારા સટ્ટાબાજી થવા લાગી હતી.
પોલીસનું કહેવું છે કે મહાદેવ એપનું હેડક્વાર્ટર UAEમાં આવેલું છે, પરંતુ તે દેશના 30 થી વધુ સેન્ટરોથી ઓપરેટ કરવામાં આવી રહી હતી. આ બેટિંગ એપ ફ્રેન્ચાઈઝી દ્વારા ચલાવવામાં આવતી હતી, જેમાં નફાનો ગુણોત્તર 70:30 રાખવામાં આવ્યો હતો.
કઈ રીતે કામ કરતી હતી મહાદેવ એપ?
મહાદેવ એપ દુબઈથી ઓપરેટ થતી હોવા છતાં તેના મોટાભાગના યુઝર્સ છત્તીસગઢના હતા. લોકો જાહેરાતો દ્વારા તેમજ એજન્ટો દ્વારા સટ્ટાબાજીની આ જાળમાં ફસાતા હતા. ત્યારબાદ તેઓ આપેલા નંબરો પર સંપર્ક કરતા હતા. આ એપની ખાસ વાત એ હતી કે યુઝર્સ ફક્ત વોટ્સએપ દ્વારા જ આપેલા નંબર પર સંપર્ક કરી શકતા હતા. સંપર્ક કર્યા પછી તેઓને એક પ્રાઇવેટ ગ્રુપમાં જોડવામાં આવતા હતા, જ્યાં સટ્ટાબાજીની રમત શરૂ થતી હતી.
પ્રાઈવેટ ગ્રુપમાં એડ કર્યા બાદ યુઝરને કંપની સાથે સંબંધિત 5-6 વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવવું પડતું હતું. ત્યારબાદ યુઝરને એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવતો હતો. વપરાશકર્તાઓ આ નંબર દ્વારા તેમના ખાતામાં પૈસા જમા કરાવતા હતા. આનાથી તેને પોઈન્ટ મળતા હતા. આ પોઈન્ટના આધારે એપ પર વિવિધ રમતોમાં સટ્ટાબાજી કરવામાં આવતી હતી.
શરૂઆતમાં યુઝરને ભરપૂર રીતે જીતાડવામાં આવતા હતા. તેનાથી તેનો ઉત્સાહ વધતો હતો અને તે વધુ પૈસા જમા કરીને પોઈન્ટ એકઠા કરી સટ્ટાબાજી કરતા હતા. જોકે, બાદમાં તે તેના તમામ પૈસા હારી જતા હતા. તેનાથી કંપનીને ફાયદો થતો હતો. જે યુઝર શરૂઆતમાં જીત્યા બાદ પોઈન્ટ એનકેશ કરવા માંગતો હતો, તેને અન્ય એક નંબર આપવામાં આવતો હતો. તેનો સંપર્ક કયા બાદ તેને પૈસા મળતા હતા. આ તમામ વ્યવહારો બેનામી ખાતા દ્વારા કરવામાં આવતા હતા.
EDને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સટ્ટાબાજીની કમાણી તેમના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવા હવાલા નેટવર્કનો ઉપયોગ કરતા હતા. કોલકાતાનો રહેવાસી વિકાસ છાપરિયા મહાદેવ એપનું તમામ હવાલા કામ જોતો હતો. જ્યારે EDએ દબાણ કરવાનું ચાલુ કર્યું ત્યારે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના પરિવારના મોટાભાગના સભ્યો દુબઈ શિફ્ટ થઈ ગયા.
આ રીતે તે દુબઈમાં બેસીને ભારતમાંથી પૈસા કમાતા હતા, પરંતુ ભારત સરકારને કોઈપણ પ્રકારનો ટેક્સ આપતા નહોતા. ભારત સરકાર જ નહીં પરંતુ યુઝર્સેને પણ હજારો કરોડ રૂપિયાનો ચૂનો આ એપ દ્વારા લગાવવામાં આવ્યો હતો અને તેનાથી થતી કમાણીની રકમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, હોટલ વ્યાપાર, રિયલ એસ્ટેટ સહિત વિભિન્ન જગ્યાઓ પર ઈન્વેસ્ટ કરવાની સાથે-સાથે હવાલા દ્વારા નોકરશાહી અને વાઈટકોલર્સને પણ ચૂકવણી કરવાના ઉપયોગમાં લેવાતી હતી.
ભારતીય એજન્સીઓની કાર્યવાહી
ફેબ્રુઆરી 2020માં ઇન્કમ ટેક્સ વિભાગે છત્તીસગઢમાં ઘણા અમલદારો અને રાજકારણીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન સામાન્ય લોકોને પણ પહેલીવાર મહાદેવ એપ વિશે જાણકારી મળી હતી. આ પછી દુબઈમાં સૌરભની હાઈપ્રોફાઈલ પાર્ટીઓ અને બોલિવૂડ સેલિબ્રિટી સાથેના તેના સંબંધોએ એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.
ઓગસ્ટ 2023માં EDએ છત્તીસગઢ પોલીસના ASI ચંદ્રભૂષણ વર્મા, સતીશ ચંદ્રાકરની ધરપકડ કરી હતી. આ બંને હવાલા ઓપરેટર છે. આ બંનેને ઉદ્યોગપતિ અનિલ દમ્માની અને સુનિલ દમ્માની દ્વારા હવાલા મારફતે વિદેશથી નાણાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં મહાદેવ બુક સાથે બંને ધંધાર્થીઓનું કનેક્શન બહાર આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે અસીમ દાસની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય 100થી વધુ લોકો EDના રડાર પર છે.
શું ભારતમાં પ્રતિબંધિત છે સટ્ટાબાજી?
હવે સવાલ એ ઊભો થાય છે કે ભારતમાં સટ્ટાબાજી કાયદેસર છે કે ગેરકાયદે. આ સમજવા માટે માર્ચ 2020માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો આધાર લઇ શકાય છે. સુપ્રીમ કોર્ટે ઓનલાઈન સટ્ટાબાજીને બે ભાગમાં વહેંચી દીધી હતી. પહેલા ભાગમાં તે રમતો રાખવામાં આવી હતી જે કૌશલ્યના આધારે રમાય છે. તેને ગેમ ઓફ સ્કિલ કહેવામાં આવતી હતી. આમાં, વ્યક્તિના જ્ઞાન અને બુદ્ધિ અનુસાર પૈસા દાવ પર લગાવવામાં આવે છે.
બીજી ગેમ ઓફ ચાન્સ છે. એટલે કે, જે ઓનલાઈન ગેમ્સ નસીબના આધારે જીતવામાં આવે છે અને તેને કોઈ ખાસ બુદ્ધિ કે જ્ઞાનની જરૂર નથી હોતી તેને આ શ્રેણીમાં રાખવામાં આવી છે. આ સ્કીલ્સ-આધારિત ઑનલાઇન રમતો ભારતમાં કાયદેસર છે, જ્યારે ચાન્સ આધારિત રમતો ગેરકાયદેસર છે. મહાદેવ એપ આ બીજી શ્રેણીમાં આવે છે.