વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (4 નવેમ્બર) ચૂંટણી પ્રચાર માટે છત્તીસગઢની યાત્રાએ હતા. અહીં તેમણે દુર્ગ ખાતે એક સભા સંબોધી હતી. છત્તીસગઢમાં પીએમ મોદીએ કોંગ્રેસ સરકારને આડેહાથ લીધી તો બેટિંગ એપના પ્રમોટરો પાસેથી પૈસા લેવા મામલે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ ઘેર્યા.
પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર નિશાન સાધતાં કહ્યું કે તેમણે જણાવવું જોઈએ કે તેમના સટ્ટાબાજો સાથે શું સંબંધ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ પૈસા છત્તીસગઢના ગરીબો અને યુવાનોને લૂંટીને એકઠા કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સરકાર તમામ ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરશે.
સભા સંબોધતાં વડાપ્રધાને કહ્યું, “છત્તીસગઢની કોંગ્રેસ સરકાર તમને લૂંટવાની કોઇ તક છોડી રહી નથી. તેમણે તો મહાદેવના નામને પણ નથી છોડ્યું. બે દિવસ પહેલાં જ રાયપુરમાં મોટી કાર્યવાહી થઈ છે. રૂપિયાનો ઢગલો મળ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ પૈસા સટ્ટાબાજોના અને જુગારના ખેલ ખેલનારાના છે. જે છત્તીસગઢના ગરીબો અને નવયુવાનોને લૂંટીને એકઠા કરવામાં આવ્યા છે. લૂંટના આ જ પૈસાથી કોંગ્રેસ નેતા પોતાનાં ઘર ભરી રહ્યા છે.”
#WATCH | Chhattisgarh elections | In Durg, PM Modi says, "Congress party's Chhattisgarh Govt is leaving no opportunity to loot you. They did not leave even the name of 'Mahadev.' Two days back, a big operation took place in Raipur. Huge cache of currency notes was found. People… pic.twitter.com/eeLhIsjjC5
— ANI (@ANI) November 4, 2023
ભૂપેશ બઘેલનું નામ લીધા વગર પીએમ મોદી કહ્યું કે, તમને ખબર છે કે આ પૈસાના તાર ક્યાં સુધી પહોંચી રહ્યા છે. આગળ ઉમેર્યું કે, અહીંની કોંગ્રેસ પાર્ટી, સરકાર અને મુખ્યમંત્રીએ છત્તીસગઢની જનતાને જણાવવું જોઈએ કે દુબઈમાં બેઠેલા આ કૌભાંડ આરોપીઓ સાથે તેમના શું સંબંધો છે. આખરે કેમ આ પૈસા પકડાયા બાદ અહીંના મુખ્યમંત્રી બૌખલઈ ગયા છે અને મેદાનમાં ઉતરી આવ્યા છે? મેં તો સંભાળ્યું છે કે અહીંના નેતા ધીમા સ્વરે અમારે ત્યાં સંદેશ પહોંચાડી રહ્યા છે કે અમે પણ તમારે ત્યાં પૈસા મૂકીને પોલીસ મોકલી આપીશું.”
આગળ તેમણે કહ્યું, “તેઓ કોને ડરાવી રહ્યા છે? આ જનતા છે અને બધું જ જાણે છે. મોદીને તો કોંગ્રેસ રોજ ગાળો દે છે પણ અહીંના મુખ્યમંત્રી તપાસ એજન્સીઓ અને સુરક્ષાબળોને પણ ગાળો દેવા માંડયા છે.” તેમણે કહ્યું કે, “આ મોદી ગાળોથી ડરશે નહીં અને કામ ચાલુ રાખશે. ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરવા માટે જ તમે મને દિલ્હી મોકલ્યો છે.”
ઉલ્લેખનીય છે કે શુક્રવારે (3 નવેમ્બર) ઇડીએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ ₹508 કરોડ મોકલાવ્યા હતા. જેને લઈને સામી ચૂંટણીએ રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલો ઉઠાવ્યા હતા તો હવે પીએમ મોદીએ પણ પ્રહારો કર્યા છે.