શુક્રવારની (3 નવેમ્બર) રાત્રે દેશના કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સામાન્ય આંચકાના લીધે દેશમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ એ જ ભૂકંપના લીધે નેપાળમાં ભયાનક તબાહી મચી ગઈ છે. શુક્રવારે રાત્રે આવેલા આ ભૂકંપે નેપાળમાં ભારે જાનહાનિ સર્જી છે. અનેક લોકો ઘાયલ થયા છે અને અનેક લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે રોડ પરના વાહનો પણ ઢેર બની ગયા છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે પણ આ અંગે દુખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક બચાવ કામગીરી માટેના નિર્દેશો આપ્યા છે.
શુક્રવારે રાત્રે ભારતના કેટલાક રાજ્યો સહિત નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એપીસેન્ટર નેપાળમાં હતું. ભારતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ જ્યારે નેપાળના રકુમ પશ્ચિમ અને જાજરકોટમાં ભારે જાનહાનિ નોંધાઈ છે. ભૂકંપની તીવ્રતા 6.4ની હોવાનું કહેવાય રહ્યું છે. તેના લીધે કેટલીક ઈમારતોને પણ નુકસાન થયું છે. જ્યારે હમણાં સુધી 128 લોકોનાં મોત પણ થયાં છે. નેપાળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હમણાં સુધી 128 લોકો મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
#UPDATE | Death toll in Nepal earthquake rises to 128, Reuters cites Police https://t.co/osONTy4kty
— ANI (@ANI) November 4, 2023
નેપાળમાં ભૂકંપના લીધે વાહનો પણ કાટમાળ નીચે દબાઈ ગયા છે. હોસ્પિટલોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. પરિવારની શોધખોળ માટે લોકો હોસ્પિટલ આવી રહ્યા છે. નેપાળના PM દહલે નાગરિકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશો આપ્યા છે.
નેપાળના વડાપ્રધાને વ્યક્ત કર્યું દુખ
નેપાળમાં ભૂકંપના લીધે થયેલી જાનહાનિને લઈને નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે દુખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નેપાળની PMO આઈડી પરથી કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડે’ શુક્રવારે રાત્રે 11:47 વાગ્યે જાજરકોટના રામીકાંડામાં આવેલા ભૂકંપથી થયેલી ક્ષતિને લઈને દુખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે રાહત અને બચાવવા માટે 3 સુરક્ષા એજન્સીઓ તૈનાત કરી છે.”
શા માટે નેપાળ બનતું રહે છે ભૂકંપનો શિકાર?
#WATCH | Nepal Earthquake | Visuals from Bheri, Jajarkot show the extent of damage to the region as a 6.4 magnitude earthquake hit it last night.
— ANI (@ANI) November 4, 2023
Death toll in the earthquake stands at 128: Reuters
(Video: Reuters) pic.twitter.com/50UUMv8JIj
નેપાળમાં ભૂકંપની તબાહીનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ અનેકવાર નેપાળમાં ભૂકંપ આવતા રહ્યા છે. સૌથી છેલ્લે વર્ષ 2015માં ભયંકર ભૂકંપે નેપાળમાં ભારે જાનહાનિ સર્જી હતી. જેમાં અંદાજિત 8 હજાર લોકોના મોત થયા હતા. ત્યારે એ પ્રશ્ન થાય કે વારંવાર નેપાળમાં ભૂકંપ આવવાનું કારણ શું હોય શકે, તો તેનું કારણ એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ પૃથ્વીનું સ્તર મોટી ટેકટોનિક પ્લેટોથી બનેલું હોય છે, આ પ્લેટોમાં વારંવાર ગતિવિધિ થતી રહે છે અને તે બીજી કોઈ પ્લેટ સાથે અથડાય છે. આવી જ બે પ્લેટોના કિનારે નેપાળનું સ્થાન છે. ઇન્ડો-ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટની વચ્ચે નેપાળનું લોકેશન છે. જ્યારે આ બંને પ્લેટો વચ્ચે અથડામણ થાય છે, ત્યારે નેપાળમાં ભૂકંપ આવે છે. જેને લઈને ભારે જાનહાનિ નોંધાય છે.
ભારતમાં પણ અનુભવાયા આંચકા
ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 331 કિમી ઉત્તર-પશ્ચિમમાં 10 કિમી ભૂગર્ભમાં હતું. આ ભૂકંપની અસર ભારતના કેટલાક રાજ્યોમાં પણ જોવા મળી હતી. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને બિહારની રાજધાની પટણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં આ ભૂકંપને લીધે કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ નથી નોંધાઈ. જ્યારે નેપાળમાં આ ભૂકંપે તબાહી મચાવી છે.