7 ઓક્ટોબર, 2023ના દિવસે હમાસના આતંકવાદીઓએ જ્યારે ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે ગાઝા-ઇઝરાયેલ સરહદ પર આયોજિત એક મ્યુઝિક ફેસ્ટિવલને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેવા આવેલી એક જર્મન મહિલાનું આતંકવાદીઓ અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ ગાઝા લઇ જઇને નગ્ન હાલતમાં તેની પરેડ કાઢી હતી અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા. હવે આ મહિલા મૃત્યુ પામી હોવાની પુષ્ટિ થઈ છે.
ઇઝરાયેલી વિદેશ મંત્રાલયે સોમવારે (30 ઓક્ટોબર) જર્મન મહિલા શાની લૌક મૃત્યુ પામી હોવાની પુષ્ટિ કરી. મંત્રાલયે લખ્યું કે, “અમને જણાવતાં અત્યંત દુઃખ થાય છે કે 23 વર્ષીય જર્મન-ઇઝરાયેલી શાની લૌકના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે.” મંત્રાલયે ઘટનાના દિવસે વિશે જણાવ્યું કે, શાનીનું મ્યુઝિક ફેસ્ટિવલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટોર્ચર કરીને હમાસના આતંકવાદીઓએ ગાઝામાં પરેડ કાઢી હતી.
We are devastated to share that the death of 23 year old German-Israeli Shani Luk was confirmed.
— Israel Foreign Ministry (@IsraelMFA) October 30, 2023
Shani who was kidnapped from a music festival and tortured and paraded around Gaza by Hamas terrorists, experienced unfathomable horrors.
Our hearts are broken 💔.
May her memory… pic.twitter.com/svSArX3XSx
મહિલાની માતા રિકાર્ડા લૌકે પણ તેમની પુત્રીના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, કમસેકમ તેણે વધુ ભોગવવું ન પડ્યું. ન્યૂઝ એજન્સી રૉયટર્સે પરિવારના એક સભ્યને ટાંકીને લખ્યું છે કે, મહિલાના શરીરનો એક ભાગ મળી આવ્યો હતો, જેની સાથે શાનીનું DNA મેચ કરતાં તેના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. BBCના રિપોર્ટ અનુસાર, તેની ખોપડીનો ભાગ મળી આવ્યો હતો, જેનો પછીથી ટેસ્ટ કરવામાં આવ્યો. જોકે, તે ક્યાંથી મળી આવ્યો તે જાણી શકાયું નથી તો રિપોર્ટનું માનીએ તો હજુ સુધી મૃતદેહ પણ મળ્યો નથી.
ઘટના બન્યા બાદ પરિવારને શરૂઆતમાં હતું કે તેને ઈજા પહોંચી છે પરંતુ તે હજુ જીવિત છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે તેની હત્યા તે જ દિવસે કરી નાખવામાં આવી હતી અને સંભવતઃ માથામાં મારવામાં આવ્યું હતું. આ જાણકારી જર્મન મીડિયા મારફતે મળી રહી છે. આ સિવાય મૃત્યુ વિશે કોઇ જાણકારી મળી નથી.
અહીં એ પણ નોંધવું જોઈએ કે જે સમયે શાનીને આતંકવાદીઓ દ્વારા પરેડ કરાવવાનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે એ સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે તે જીવિત છે કે મૃત. તે સમયે સોશિયલ મીડિયા પર અમુક ઇસ્લામી કટ્ટરપંથીઓએ આતંકવાદીઓનો બચાવ કરવાના પ્રયાસ કર્યા હતા. કોઈએ તેના શરીરને પુરુષનું ગણાવ્યું હતું તો કોઈ કહ્યું હતું કે તેણે પહેલેથી એટલાં જ કપડાં પહેર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરી દીધો હતો અને હજારો ઇઝરાયેલી નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ખાસ કરીને સરહદી ગામડાંઓમાં ઘૂસીને આતંકવાદીઓએ ઉત્પાત મચાવ્યો હતો. આ દરમિયાન તેઓ મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ ઘૂસી ગયા હતા અને અનેકને મારી નાખ્યા તો કેટલાક લોકોને બંધક બનાવી લીધા હતા. ઘણા ઇઝરાયેલી નાગરિકો હજુ પણ હમાસ પાસે બંધક છે.