કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનાં ભાષણોમાં અટપટી અને વિચિત્ર વાતો કહે તે હવે ઝાઝું આશ્ચર્યજનક રહ્યું નથી. અનેક વખત તેઓ આમ કરી ચૂક્યા છે. આવો કિસ્સો રવિવારે (29 ઓક્ટોબર) ફરી બન્યો, જ્યારે તેઓ છત્તીસગઢમાં એક સભા સંબોધી રહ્યા હતા. અહીં તેમણે પોતાની જ પાર્ટીના મુખ્યમંત્રીને અદાણી માટે કામ કરતા ગણાવ્યા!
રાહુલ ગાંધી કાયમ પીએમ મોદીને ટાર્ગેટ કરવા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર પ્રહારો કરતા રહે છે. તેઓ વડાપ્રધાન પર ઉદ્યોગપતિઓને લાભો પહોંચાડવાનો અને તેમના માટે જ કામ કરવાના આરોપો લગાવતા રહે છે. આવું તેઓ છત્તીસગઢમાં આયોજિત એક રેલીમાં પણ કરવા ગયા પરંતુ દર વખતની જેમ અવળું બોલાઈ ગયું અને મુખ્યમંત્રીને પણ લપેટામાં લઇ લીધા.
"CM of this state works for Adani – Rahul Gandhi"
— Mr Sinha (@MrSinha_) October 29, 2023
He was addressing a rally in Chhattisgarh & Congressi Bhupesh Baghel is the CM of the state…🤣 pic.twitter.com/8VIyfeuBtI
રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું, “તમે (મોદી સરકાર માટે) 24 કલાક અદાણીજીની મદદ કરતા રહો છો. અને અહીં તમારા જે મુખ્યમંત્રી છે તેઓ પણ અદાણી માટે જ કામ કરે છે. અમે ખેડૂતો માટે, મજૂરો માટે, નાના વેપારીઓ માટે કામ કરીએ છીએ.” અહીં ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે અને મુખ્યમંત્રી છે ભૂપેશ બઘેલ, તેઓ પણ સ્વાભાવિક રીતે કોંગ્રેસના જ નેતા છે.
વાસ્તવમાં રાહુલ ગાંધી પીએમ મોદીને ઘેરવાના પ્રયાસ કરી રહ્યા હતા. ભાષણમાં તેમણે કહ્યું કે, “મોદીજી ખેડૂતોને કહે છે કે હું તમારો ફાયદો કરાવવા માંગું છું. હું ખેડૂતોનું બિલ લાવ્યો છું. તેઓ એવું વિચારે છે કે ખેડૂતોને કોઇ સમજ નથી.” ત્યારબાદ આગળ કહે છે, “તમે (મોદી) ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા છીનવી લેવા માટે કાયદા લાવ્યા હતા. તમે અદાણીજીને પૈસા આપવા માટે કાયદા લાવ્યા હતા.” ત્યારબાદ તેઓ કહે છે, “તમે 24 કલાક અદાણીજીની મદદ કરતા રહો છો અને અહીં તમારા જે ચીફ મિનિસ્ટર છે તેઓ પણ અદાણી જેવા લોકો માટે જ કામ કરે છે. અમે ખેડૂતો માટે, મજૂરો માટે, નાના વેપારીઓ માટે, યુવાઓ માટે કામ કરીએ છીએ. આ ફરક છે.”
આ બધામાં રાહુલ ગાંધીએ એ ભૂલી ગયા કે તેઓ છત્તીસગઢમાં ઉભા રહીને આ વાત કહી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ પાર્ટીનું શાસન છે અને મુખ્યમંત્રી પણ કોંગ્રેસના જ છે. કોંગ્રેસની અધિકારિક યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં 34:57 મિનીટ પછી આ વાતો સાંભળી શકાશે.
જોકે, આ બધાની વચ્ચે એ પણ નોંધવું જોઈએ કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ આમ મોદી સરકાર પર ઉદ્યોગપતિને લાભો પહોંચાડવાના આરોપ લગાવતા રહે છે પરંતુ જ્યાં-જ્યાં તેમની સરકારો છે ત્યાં પણ અદાણી જૂથને અનેક પ્રોજેક્ટ્સ મળ્યા જ છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, જ્યાં આ જૂથ વિવિધ પ્રોજેક્ટ્સમાં 65 હજાર કરોડનું રોકાણ કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં જ્યારે મહાવિકાસ આઘાડી સરકાર હતી ત્યારે પણ અદાણી જૂથને કામો મળ્યાં હતાં. એટલું જ નહીં, UPA સરકાર વખતે પણ ત્યાંની કેન્દ્ર સરકારે અદાણી જૂથને 21,000 કરોડના પ્રોજેક્ટનું કામ આપ્યું હતું.