ગાઝામાં રહીને ઇઝરાયેલ પર છાશવારે આતંકવાદી હુમલાઓ કરતા રહેતા ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસના કાયમી નિકાલ માટે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ ઓપરેશન આરંભી દીધું છે. બીજી તરફ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે (28 ઓક્ટોબર) રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં જણાવ્યું કે આ યુદ્ધનો દ્વિતીય તબક્કો છે, જેમાં ઇઝરાયેલી સેના ગાઝામાં ઘૂસીને હમાસની રાજકીય-લશ્કરી ક્ષમતાઓ ખતમ કરશે અને પોતાના બંધક બનાવાયેલા નાગરિકોને પરત લાવશે.
નેતન્યાહુએ કહ્યું, “ગત રાત્રિએ ગાઝામાં વધારાની સેના પ્રવેશી છે અને જેની સાથે જ યુદ્ધનો દ્વિતીય તબક્કો શરૂ થઈ ગયો છે. જેનો ઉદ્દેશ્ય હમાસની લશ્કરી અને રાજકીય ક્ષમતાઓ નષ્ટ કરીને આપણા બંધક બનાવવામાં આવેલા નાગરિકોને પરત લાવવાનો છે.” તેમણે ઉમેર્યું કે, “આ હજુ શરૂઆત છે, યુદ્ધ લાંબું ચાલશે પણ આપણે તૈયાર છીએ.”
Prime Minister Benjamin Netanyahu's remarks this evening, at the joint statements with Defense Minister Yoav Gallant and Minister Benny Gantz >>https://t.co/TFmQJC17K0
— Prime Minister of Israel (@IsraeliPM) October 28, 2023
આ સાથે ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશનની અધિકારિક જાહેરાત પણ કરી દેવામાં આવી છે. નેતન્યાહુએ કહ્યું કે, આ નિર્ણય વૉર કેબિનેટ અને સિક્યુરિટી કેબિનેટ દ્વારા એકમતે લેવામાં આવ્યો છે. સિક્યુરિટી કેબિનેટ ઈઝરાયેલમાં સુરક્ષાને લગતા તમામ નિર્ણયો લે છે જ્યારે વૉર કેબિનેટની રચના યુનિટી ગવર્નમેન્ટના ભાગરૂપે કામચલાઉ ધોરણે કરવામાં આવી છે, જેમાં વિપક્ષના નેતાઓ પણ સામેલ છે.
બેન્જામિન નેતન્યાહુએ આ યુદ્ધને ‘સ્વતંત્રતાનું બીજું યુદ્ધ’ ગણાવ્યું હતું અને ઉમેર્યું કે, આ આપણું મિશન છે, આપણા જીવનનો ધ્યેય છે અને સૌ સાથે મળીને તેને પાર પાડીશું અને જીતીશું. એમ પણ કહ્યું કે, માત્ર ઇઝરાયેલના નાગરિકો અને સરકાર જ નહીં પણ આખો વૈશ્વિક સમુદાય ઇઝરાયેલના જવાનોની પડખે ઉભો છે. PMએ કહ્યું, “આપણા સહયોગીઓ સમજે છે કે જો ઇઝરાયેલ નહીં જીત્યું તો આગલો વારો તેમનો છે. દુનિયા સારી રીતે સમજે છે કે ઇઝરાયેલ માત્ર તેનું યુદ્ધ નથી લડી રહ્યું પરંતુ આખી માનવજાત માટે લડી રહ્યું છે. આ યુદ્ધ બર્બરતા વિરૂદ્ધ માનવતાનું છે.
ઑપરેશનની કોઇ સમયમર્યાદા નહીં: રક્ષામંત્રી ગેલેન્ટ
બીજી તરફ, ઈઝરાયેલના રક્ષામંત્રી ગેલેન્ટે એ સ્પષ્ટ કર્યું છે કે આ ઑપરેશનની કોઇ સમયમર્યાદા નથી અને હમાસ ખતમ ન થાય ત્યાં સુધી તેઓ ઑપરેશન ચાલુ રાખશે. સાથે કહ્યું કે, બંધક બનાવાયેલા ઇઝરાયેલીઓને પરત લાવવા એ તેમના માટે પ્રાથમિકતા છે અને ગમે તે સંજોગોમાં તેમને પરત લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરીને હજારો નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા. આ હુમલા બાદ ઇઝરાયેલે યુદ્ધ જાહેર કરી દીધું અને હમાસને તેની જ ભાષામાં જવાબ આપવાના શરૂ કર્યા હતા. ઈઝરાયેલ ગાઝા (જ્યાં હમાસનું શાસન છે) સ્થિત અનેક આતંકવાદી ઠેકાણાં ધ્વસ્ત કરી ચૂક્યું છે અને અનેક આતંકવાદીઓને ઉપર પહોંચાડી ચૂક્યું છે. હવે સેના ગાઝામાં ઘૂસીને આતંકવાદીઓને મારી રહી છે.
બે દિવસ પહેલાં ઈઝરાયેલની સેના ગાઝામાં ઘૂસી હતી, ત્યારથી ગ્રાઉન્ડ ઑપરેશન સતત તેજ કરવામાં આવી રહ્યું છે અને હવે ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ ઑપરેશન તરફ સેના આગળ વધી રહી છે.