ગત શુક્રવારે (27 ઓકટોબર, 2023) કેરળના મલ્લપુરમમાં એક ચોંકાવનારી ઘટના ઘટી. અહીં પેલેસ્ટાઇનના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં એક હમાસના આતંકવાદીએ સંબોધન કર્યું. એટલું જ નહીં આ રેલીમાં ‘બુલડોઝ હિંદુત્વ’ અને ‘અનરૂટ ઝિયોનિઝમ’ના નારા પણ લાગ્યા. આ રેલીનું આયોજન જમાત-એ-ઇસ્લામીના યુથ વિંગ ‘સોલિડેરીટી યૂથ મૂવમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હમાસના આતંકવાદી ખાલિદ મશેલ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન આપતા પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
કેરળના મલ્લપુરમમાં હમાસના આતંકવાદીએ સંબોધન કરતાં હિંદુ વિરોધી ટીપ્પણીઓ કરી હતી. સાથે જ તેણે રેલીમાં હાજર લોકોને હમાસને સમર્થન આપવા આહ્વાન કર્યું હતું. આ રેલીના આયોજનમાં એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી અને તે સ્ક્રીન દ્વારા હમાસના આતંકીએ આપેલા નિવેદનને હાજર લોકોએ સમર્થન આપ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકોએ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપવા માટે તૈયારી દર્શાવી હતી.
આતંકી ખાલિદ મશેલનું આ વિડીયો સંબોધન લગભગ 7 મિનીટ લાંબું હતું, આ દરમિયાન રેલીમાં જોડાયેલા લોકોએ ‘બુલડોઝ હિંદુત્વ’ અને ‘અનરૂટ ઝિયોનિઝમ’ (ઝિયોનિયમ એટલે ઇઝરાયેલની સ્થાપના (અને હવે વિકાસ) માટેની ચળવળ) જેવા આપત્તિજનક નારા લગાવ્યા હતા. જોકે હજુ સુધી તે નથી જાણી શકાયું કે ખાલિદે લાઈવ આવીને સંબોધન આપ્યું હતું કે તેનો કોઈ રેકોર્ડેડ વિડીયો પ્લે કરવામાં આવ્યો હતો.
બીજી તરફ આ ઘટનાને લઈને કેરળ ભાજપ અધ્યક્ષ કે. સુરેન્દ્રને આકરી પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર આ ઘટનાની નિંદા કરી હતી અને તેને ‘ખતરનાક’ ગણાવી હતી. તેમણે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને રાજ્ય પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું હતું કે, “પેલેસ્ટાઇન બચાવો”ના ઓઠા હેઠળ આ લોકો એક આતંકવાદી સંગઠન હમાસ અને તેના આતંકી નેતાઓને ‘યોદ્ધા’ના રૂપમાં મહિમંડિત કરી રહ્યા છે જે અસ્વીકાર્ય છે. સુરેન્દ્રને પોતાની આ પોસ્ટમાં ગૃહમંત્રી કાર્યાલયને ટેગ કરીને આખી ઘટનામાં હસ્તક્ષેપ કરીને તપાસની માંગ કરી હતી.
Hamas leader Khaled Mashel's virtual address at the Solidarity event in Malappuram is alarming. Where's @pinarayivijayan's Kerala Police ? Under the guise of 'Save Palestine,' they're glorifying Hamas, a terrorist organization, and its leaders as 'warriors.' This is… pic.twitter.com/51tWi88wTb
— K Surendran (@surendranbjp) October 27, 2023
કોણ છે ખાલિદ મશેલ
ખાલિદ મશાલ પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસનો આતંકી નેતા અને પૂર્વ પ્રમુખ છે. 1987માં હમાસના સંગઠન બાદ તે કુવેતમાં તેની શાખાના પ્રમુખ પદ ઉપર એક્ટિવ હતો. તે 1992માં હમાસના પોલિટબ્યુરોનો નેતા અને સંસ્થાપક સભ્યોમાં સામેલ થયો. નોંધવું જોઈએ કે પોલિટબ્યુરો એ હમાસની ટોચની ડિસીઝન મેકિંગ બોડી છે. 2004માં ઇઝરાયેલ દ્વારા શેખ અહમદ યાસીન અને તેની જગ્યા પર બેઠેલા અબ્દેલ અઝીઝ-ઝલ રંતીસીની હત્યા બાદ ખાલિદને હમાસનું સુકાન સોંપવામાં આવ્યું હતું.
ખાલિદના નેતૃત્વમાં હમાસે 2006માં પેલેસ્ટાઈનની ચૂંટણીમાં મોટાભાગની સીટો જીતીને દુનિયાને ચોંકાવી દીધી હતી. જોકે, તેણે 2017માં પોતાના કાર્યકાળના અંતમાં પોલિટબ્યુરોના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ખાલિદ મશેલના પરિવારને 1967ના ‘6 ડે વૉર’ બાદ વેસ્ટ બેન્ક છોડવાની ફરજ પડી હતી અને ત્યારથી તે વિવિધ આરબ દેશોમાં છુપાતો ફરી રહ્યો છે.