દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને હત્યાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેલ દ્વારા આપવામાં આવેલી આ ધમકીમાં મુકેશ અંબાણી પાસે ખંડણીની પણ માંગ કરવામાં આવી છે. આ આખા મામલાને પોલીસે ગંભીરતાથી લઇ ત્વરિત એકશનમાં આવી છે. હાલ પોલીસે ઈ-મેલ મોકલનાર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અંબાણીને જે ઈ-મેલ આઇડી પરથી હત્યાની ધમકી આપવામાં આવી, તે આઇડી શાદાબ ખાન નામના એક વ્યક્તિનું છે. આ ધમકીભર્યા ઈ-મેલમાં મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. ધમકી આપનારે તેમ પણ કહ્યું છે કે જો તેઓ પૈસા નહીં આપે તો તેમણે જીવથી હાથ ધોવો પડશે.
મુકેશ અંબાણીને હત્યાની ધમકી આપતા આ ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ““IF you don’t give us 20 crore rupees, we will kill you, we have the best shooters in india” એટલે કે, “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો, તો અમે તમને મારી નાંખીશું. અમારી પાસે ભારતના સહુથી સારા શૂટર્સ છે.” નોંધનીય છે કે આ મેઈલ મુકેશ અંબાણીની ઑફિસના ઈ-મેલ આઇડી પર આવ્યો હતો.
હત્યાની ધમકી અને 20 કરોડની ખંડણીની માંગ કરતો ઈ-મેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યુરિટી ઇન્ચાર્જે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે ગામદેવી પોલીસે અજ્ઞાત શખ્સ વિરુદ્ધ IPCની કલમ 387 અને 506 (2) અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Reliance Industries Chairman Mukesh Ambani received death threat on email on 27th October, threatening to shoot him if he failed to pay Rs 20 crores. Case registered under sections 387 and 506 (2) IPC in Gamdevi PS of Mumbai: Police
— ANI (@ANI) October 28, 2023
આ પહેલાં પણ મળી ચૂકી છે ધમકીઓ
ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે મુકેશ અંબાણીને ધમકી મળી હોય. આ પહેલાં બિહારના એક યુવકે આખા અંબાણી પરિવારને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તે એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ તેમજ સાઉથ મુંબઈ સ્થિત તેમના ઘર ‘એન્ટેલિયા’ને ઉડાવી દેશે.
ફેબ્રુઆરી, 2021માં મુકેશ અંબાણીના ઘરની બહાર એક સ્કોર્પિયો કારમાંથી વિસ્ફોટકો અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. જે કેસ પછીથી ખૂબ ચર્ચાસ્પદ બન્યો અને અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ પણ થયા. સચિન વાજે નામના એક ASIએ કેસ સોલ્વ કરીને નામ બનાવવા માટે આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક હત્યા પણ થઈ હતી. જે વ્યક્તિની સ્કોર્પિયો કાર હતી તે મનસુખ હિરેનને મારી નાખવામાં આવ્યા હતા. આ જ કેસમાં મુંબઈ શહેરના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘે પછીથી રાજીનામું ધરી દીધું હતું.