‘ખેડૂત આંદોલન’ બાદ ચર્ચામાં આવેલા રાકેશ ટિકૈતે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ટિકૈતે રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યા મામલે બોલતા કહ્યું કે, આ બહુ મોટો મામલો નથી અને કહ્યું કે જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં જ આવી ઘટનાઓ વધુ બનશે. તેમણે ભાજપ અને કેન્દ્રમાં બેઠેલા લોકો આ બધું કરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
રિપબ્લિક ટીવી સાથેની વાતચીત દરમિયાન કન્હૈયાલાલની હત્યા મામલે બોલતા રાકેશ ટિકૈતે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ટિકૈતે કહ્યું, “જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં આવી ઘટનાઓ વધુ બનશે. રાજસ્થાન હોય કે પંજાબ, ત્યાં જ આવી ઘટનાઓ ઘટશે.”
#BREAKING | Such incidents will increase where there’s no BJP govt, those at Centre are doing this. Whenever something happens, they say it’s Pakistan’s hand. What will Pakistan do in all this?: Rakesh Tikait on Udaipur beheading
— Republic (@republic) June 30, 2022
Tune in here –https://t.co/NNjybAraEX pic.twitter.com/aFyyD7P8wy
ટિકૈતે આગળ કહ્યું કે, “ભાજપ આ બધું કરાવે છે. કેન્દ્રમાં બેઠેલા લોકો આ બધું કરાવે છે. જરાક કંઈ થાય એટલે પાકિસ્તાનનો હાથ હોવાનું કહેવામાં આવે છે. દેશમાં ધારાઓ, બંધારણ, પોલીસ અને કોર્ટ છે, જો કોઈએ હત્યા કરી હશે તો તેની વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ દાખલ થશે. તેમાં પાકિસ્તાન શું કરશે.”
કથિત ખેડૂત નેતા રાકેશ ટિકૈતની આ આદત રહી છે. દેશમાં ચાલતા ઘણા મુદ્દાઓ અંગે તેઓ હિંદુ-મુસ્લિમ મામલો હોવાનું કહીને વાત ટાળતા રહે છે. આ પહેલાં તેમણે કર્ણાટકમાં ચાલતા હિજાબ વિવાદ મુદ્દે કહ્યું હતું કે આ બિનજરૂરી મુદ્દો છે. ટિકૈતે કહ્યું હતું, “હિજાબ પર નહીં, દેશમાં બેંકોના હિસાબ (ગોટાળા) પર આંદોલન કરો દેશવાસીઓ. આ જ પરિસ્થિતિ રહી તો દેશ વેચવામાં વાર નહીં લાગે અને અમે આવું થવા નહીં દઈએ.”
ઓક્ટોબર 2021 માં યોજાયેલા T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમની હાર થયા બાદ રાકેશ ટિકૈતે નિવેદન આપતા કહ્યું હતું કે, “મોદી સરકારે ભારતને મેચ હરાવી, જેથી દેશમાં હિંદુ-મુસ્લિમ વિવાદ સર્જાય અને આ મત વિભાજન કરવા માટે કરવામાં આવ્યું છે. તેમને લાગ્યું કે મેચ હારવાથી મત વધુ મળશે એટલે મેચ હરાવી દીધી. આવી હાર ક્યારેય નથી જોઈ.” સરકારને હાર માટે જવાબદાર ઠેરવતા ટિકૈતે કહ્યું કે, મોદી સરકારને ભારત સરકારને મત જોઈએ છે તેથી તેમણે આ બધું કરાવ્યું.”
રાકેશ ટિકૈતના આવાં નિવેદનો અને રાજકીય પ્રવૃત્તિઓને કારણે જ ભારતીય કિસાન યુનિયનના અમુક નેતાઓ અલગ થઇ ગયા હતા અને તેમણે રાકેશ ટિકૈતને બહારનો રસ્તો દેખાડી નવું સંગઠન બનાવ્યું હતું. આ નેતાઓએ રાકેશ ટિકૈત પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. આ નવા સંગઠનને ‘ભારતીય કિસાન યુનિયન (બિન-રાજકીય)’ નામ આપવામાં આવ્યું છે.
રાકેશ ટિકૈત થોડા સમય પહેલાં પણ ચર્ચામાં આવ્યા હતા. તેઓ કર્ણાટકના બેંગ્લોરમાં ગયા હતા, જ્યાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની ઉપર માઈક વડે હુમલો થયો હતો અને કાળી શાહી પણ ફેંકવામાં આવી હતી.