Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય કિસાન યુનિયને રાકેશ ટિકૈતને બહારનો રસ્તો દેખાડ્યો, રાજકારણ રમવાનો આરોપ; સંગઠન...

    ભારતીય કિસાન યુનિયને રાકેશ ટિકૈતને બહારનો રસ્તો દેખાડ્યો, રાજકારણ રમવાનો આરોપ; સંગઠન બે ભાગમાં વહેંચાયું 

    ટિકૈત બંધુઓની રાજનીતિક પ્રવૃત્તિઓ જોતાં સંગઠનના આ સંતુષ્ટ નેતાઓએ નવું સંગઠન ભારતીય કિસાન યુનિયન (અરાજનીતિક) બનાવવાની ઘોષણા કરી છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં અગ્રેસર રહેલા ‘ખેડૂત’ સંગઠન ભારતીય કિસાન યુનિયનમાં હવે ફાટ પડી છે. ખેડૂત આંદોલન દરમિયાન સતત લાઇમલાઈટમાં રહેલા રાકેશ ટિકૈત વિરુદ્ધ ભારતીય કિસાન યુનિયન દ્વારા રાજકારણ રમવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને સંગઠનમાંથી રાકેશ ટિકૈતની હકાલપટ્ટી કરવામાં આવી છે. ઉપરાંત તેમના ભાઈ નરેશ ટિકૈતને પણ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. 

    નિર્ણય ભારતીય કિસાન યુનિયનના સંસ્થાપક સ્વ. મહેન્દ્રસિંહ ટિકૈતની પૂણ્યતિથિ નિમિત્તે 15 મૅના રોજ લખનૌમાં આયોજિત સંગઠનના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સંગઠનના નેતાઓનો આરોપ છે કે બીકેયુ એક બિન રાજકીય સંગઠન હોવા છતાં રાકેશ ટિકૈતે પોતાના નિવેદનો અને પ્રવૃત્તિઓ દ્વારા તેને રાજનીતિક સ્વરૂપ આપી દીધું હતું. જે બાદ રાકેશ ટિકૈતની હકાલપટ્ટી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

    નેતાઓની નારાજગી બાદ રાકેશ ટિકૈત તેમને મનાવવા માટે પહોંચ્યા હતા. નારાજ ખેડૂત નેતાઓનું નેતૃત્વ કરતા બીકેયુ ઉપાધ્યક્ષ હરિનામ સિંહ વર્માના નિવાસસ્થાને રાકેશ ટિકૈત સંગઠનના અસંતુષ્ટ નેતાઓને સમજાવવાના પ્રયત્નો કરતા રહ્યા પરંતુ નિષ્ફ્ળ રહ્યા હતા. જે બાદ તેઓ ઘરભેગા થઇ ગયા હતા. 

    - Advertisement -

    ટિકૈત બંધુઓની રાજનીતિક પ્રવૃત્તિઓ જોતાં સંગઠનના આ સંતુષ્ટ નેતાઓએ નવું સંગઠન ભારતીય કિસાન યુનિયન (અરાજનીતિક) બનાવવાની ઘોષણા કરી છે. જેમાં રાજેશ સિંહ ચૌહાણને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે, જ્યારે હરિનામ સિંહ વર્માને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ માંગેરામ ત્યાગી અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ધર્મેન્દ્ર મલિકની નિયુક્તિ કરવામાં આવી છે. 

    નવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાજેશ સિંહ ચૌહાણે કહ્યું કે, કાર્યકારીણીએ નિર્ણય લીધો છે કે મૂળ સંગઠન ભારતીય કિસાન યુનિયન હતું, હવે ભારતીય કિસાન યુનિયન (અરાજનીતિક) નું ગઠન કરવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય કિસાન યુનિયન પોતાના મૂળ મુદ્દાઓથી  રાજનીતિ કરવા માંડ્યું છે. જેથી ભારતીય કિસાન યુનિયન (અરાજનીતિક)ની જરૂર ઉભી થઇ. 

    તેમણે કહ્યું, “13 મહિનાના આંદોલન બાદ જ્યારે અમે ઘરે આવ્યા તો અમારા નેતા રાકેશ ટિકૈત રાજકીય રીતે પ્રેરિત જણાઈ રહ્યા હતા. અમારા નેતાઓએ કેટલાક રાજકીય પક્ષોના પ્રભાવમાં આવીને એક પાર્ટી માટે પ્રચાર કરવાનો પણ આદેશ આપી દીધો હતો. મારું કામ રાજકારણ રમવાનું કે કોઈ પાર્ટી માટે કામ કરવાનું નથી. મારું કામ ખેડૂતોની લડાઈ લડવાનું છે. આ નવું સંગઠન છે.”  

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ સબંધિત કાયદાઓના વિરોધમાં કેટલાક ખેડૂત સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મહિનાઓ સુધી દિલ્હીની સરહદો બ્લૉક રહી હતી. આ ‘ખેડૂત આંદોલન’ દરમિયાન રાકેશ ટિકૈત સતત ચર્ચામાં રહ્યા હતા અને તેમણે કેટલાંક વિવાદિત નિવેદનો પણ આપ્યાં હતાં. એ પણ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બરમાં ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, જે બાદ સંસદમાં કાયદાઓ રદ થયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં