પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે કોઇપણ રાજકીય પક્ષ સાથે ન જોડાવાનું વચન પાટીદારોને આપ્યું હતું. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉજ તે સમયના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલે કોંગ્રેસનું સભ્યપદ હાંસલ કર્યું હતું. પરંતુ હવે હાર્દિક પટેલને કોંગ્રેસમાં મૂળ કોંગ્રેસીઓ દ્વારા પોતાનું સ્થાન બતાવી દેવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે.
લોકસભાની 2019ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ તમામ 26 બેઠકો હારી ગયું હતું અને ત્યારબાદ લાંબા સમય બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તે સમયના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જે પદ જગદીશ ઠાકોરના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. જો કે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ હાર્દિક પટેલનો ભાવ કોંગ્રેસમાં કોઈ પૂછતું ન હોવાનું પણ હાર્દિક પટેલ અનેકવાર કહી ચુક્યા છે.
હાલમાં જ સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણી લડવા પર મુકાયેલા પ્રતિબંધ પર મળેલા સ્ટે બાદ હાર્દિક પટેલને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં તેમની અવગણના થઇ રહી છે. હાલમાં જ ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી. હાર્દિક પટેલે આ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કોંગ્રેસમાં તેમની હાલત એક નવા પરણેલા વ્યક્તિ જેવી છે જેની નસબંધી કરી નાખવામાં આવી છે. હાર્દિક પટેલનું આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાં તેમને કોઈ પૂછતું પણ નથી.
હાર્દિક પટેલે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કોઇપણ નિર્ણય લેવામાં આવે તો કાર્યકારી પ્રમુખ હોવાને નાતે તેમની સલાહ કે મંતવ્યો લેવામાં આવતાં નથી. આનું ઉદાહરણ આપતાં હાર્દિક કહે છે, “હાલમાં જ તેમણે (ગુજરાત પ્રદેશ કોંગ્રેસે) 75 નવા જનરલ સેક્રેટરીઓ અને 25 નવા ઉપપ્રમુખોની નિમણુંક કરી છે, પરંતુ તેમણે મારી સલાહ નથી લીધી અને એમ પણ નથી પૂછ્યું કે હાર્દિકભાઈ, આ યાદીમાં કોઈ મજબુત નેતા રહી તો નથી ગયો ને?”
ખોડલધામના નરેશ પટેલને પાર્ટીમાં સમાવવામાં થઇ રહેલા વિલંબની પણ હાર્દિક પટેલે ટીકા કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે જ્યારે બે મહિનાથી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ કોંગ્રેસમાં કોઈના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. જ્યારે સામા પક્ષે ભાજપ એકદમ આક્રમક થઈને આ સ્તરના આગેવાનોને પોતાના પક્ષમાં આવકારવા માટે સદાય તૈયાર હોય છે.
જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલના આ આરોપનું ખંડન કર્યું છે જે ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીઓના થોડાજ મહિનાઓ અગાઉ બધું બરોબર ન હોવા પર બહુ મોટો સંકેત કરી જાય છે. હાર્દિક પટેલે આ જ ઇન્ટરવ્યુમાં આપેલા એક અન્ય નિવેદનથી એ પ્રશ્ન પણ ઉભો થાય છે કે શું હાર્દિક પટેલ ખરેખર નરેશ પટેલને કોંગ્રેસમાં ઈચ્છે છે? કે પછી નરેશ પટેલ કક્ષાના પાટીદાર આગેવાન જો કોંગ્રેસમાં જોડાય તો પક્ષમાં હાર્દિકની હાલમાં ચાલી રહેલી અવગણના કઈ હદ સુધી પહોંચી જશે તેની તેમને ચિંતા છે?
હાર્દિક પટેલે કહ્યું હતું કે “હું ટીવી પર જોઈ રહ્યો છું કે કોંગ્રેસ 2022ની ચૂંટણીઓ માટે નરેશ પટેલને પક્ષમાં સમાવવા માંગે છે. મને આશા છે કે તેઓ 2027ની ચૂંટણીઓ માટે કોઈ નવા પટેલની શોધ ન શરુ કરી દે. પાર્ટી પક્ષમાં જ રહેલાઓનો (પાટીદાર નેતાઓ) ઉપયોગ કેમ નથી કરતી?” આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે અંદરખાને હાર્દિક પટેલની ઈચ્છા નથી કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે.
હાર્દિક પટેલ એવું પણ કહી રહ્યા છે કે ઘણાં કોંગ્રેસીઓ એમ કહી રહ્યાં છે કે હાર્દિકનો ઉપયોગ કોંગ્રેસમાં થવો જોઈએ એ રીતનો નથી થઇ રહ્યો. જો કે હાર્દિક પટેલે આ નેતાઓના નામ કહ્યા નથી એ અહીં ઘણું સૂચક છે.
કોંગ્રેસના હાર્દિક પટેલને કોંગ્રેસના જ સંજય ગાંધી દ્વારા કટોકટીના સમય દરમ્યાન જબરદસ્તીથી લાગુ પાડવામાં આવેલી નસબંધી પોતાને પક્ષમાં થઇ રહેલા અન્યાય અને અવગણનાથી યાદ આવી ગઈ છે. 1975માં લાગુ પડેલી કટોકટી દરમ્યાન સંજય ગાંધીએ સરકારી મશીનરીનો દુરુપયોગ કરાવીને દેશભરમાં ફક્ત એક વર્ષમાં 60 લાખ લોકોની નસબંધી કરાવી દીધી હતી. લોકોને લોભ-લાલચ આપીને, ઘરમાં અચાનક ઘુસી જઈને, બસમાંથી ઉતારીને તેમની નસબંધી કરવામાં આવી હતી. કટોકટીકાળના અનેક અત્યાચારોમાં સંજય ગાંધીના નસબંધીનો અત્યાચાર શિરમોર સાબિત થયો હતો, અને આજે તેને તેનાજ પક્ષના આગેવાન પોતાની લાચારી વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લાવી રહ્યા છે.