ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાથી ટ્રિપલ તલાક આપવાનીની ઘટના સામે આવી છે. પીડિતાએ દાવો કર્યો છે કે તેને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવતી હતી. આટલું જ નહીં, તેને શોહરના નાના ભાઈ અને બનેવી સાથે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પીડિતાનો દાવો છે. સાથે જ તેના સાસરી પક્ષના લોકો તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલવા માંગતા હોવાના આરોપ પણ પીડિતાએ લગાવ્યા છે.
મુરાદાબાદ ખાતે ટ્રિપલ તલાક જેવા દુષણનો ભોગ બનનાર પીડિતાએ જણાવ્યું કે વિરોધ કરવા પર તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી, આટલું જ નહીં, પીડિતાને હત્યાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. હાલ પોલીસે ગુનો નોંધી આખી ઘટનાની તપાસ શરૂ કરી છે. કેટલાક અહેવાલો અનુસાર આ ઘટના મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. કરુલા વિસ્તારમાં રહેતી મુસ્લિમ પીડિતાએ પોતાના શોહર અને સાસરી પક્ષના અન્ય સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
‘અહીં રહેવું હોય તો બધાને ખુશ કરવા પડશે’- પીડિતાની સાસુએ આપી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે પીડિતાએ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના નિકાહ ફેબ્રુઆરી 2022માં સંભલ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. નિકાહના થોડાક જ સમયમાં સાસરી પક્ષે તેમનો અસલ રંગ બતાવી દીધો. તેનો શોહર, સાસુ અને નણંદ તેને દહેજ માટે પ્રતાડિત કરવા લાગ્યા હતા. આટલું જ નહીં, પીડિતાનો દિયર અને તેની નણંદનો શોહર (નણદોઈ) પણ તેના પર નજર બગાડી રહ્યા હતા. પીડિતાના જણાવ્યા અનુસાર જયારે તેણે તેની સાસુને આ વિશે વાત કરી તો તેની સાસુએ પણ તેને ચુપ રહેવા ધમકી આપી, અને કહ્યું કે “અહીં રહેવું હોય તો બધાને ખુશ કરવા પડશે.”
આ બધા વચ્ચે પીડિતાના શોહરે તેના આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. જે બાદ આ ફોટા અને વીડિયોના આધારે તે પીડિતાને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. પીડિતાનો આરોપ છે કે પ્રતાડનાના કારણે તેને અધૂરા માસે એક બાળક જન્મીને મૃત્યુ પામ્યું હતું. ગત 30 ઓગસ્ટ 2023ના રોજ તેના સાસરીવાળાએ તેને ખરાબ રીતે માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી હતી.
ઈચ્છા પૂરી કરી લો એટલે હલાલા પણ થઇ જાય…
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે ઘરથી કાઢી મુકાયા બાદ તે પોતાના પિયર આવીને રહેવા લાગી હતી. તેવામાં ગત 10 સપ્ટેમ્બર 2023ના રોજ તેનો શોહર અને સાસરી પક્ષના અન્ય કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા. તેઓ તેને જબરદસ્તી પોતાની સાથે લઇ જવા માંગતા હતા. જયારે પીડિતાએ તેનો વિરોધ કર્યો ત્યારે તેના શોહરે દુપટ્ટાથી થી તેનું ગળું રુંધી તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો અને તેને ટ્રિપલ તલાક આપી દીધા હતા.
પીડિતાનો આરોપ છે કે તે ઘટના સમયે તેનો દિયર અને નણદોઈ પણ ત્યાં જ હાજર હતા. તેના શોહરે તે બંનેને કહ્યું હતું કે, “તમે બંને પોતાની ઈચ્છા પૂરી કરી લો, એટલે હલાલા પણ થઇ જશે.” કથિત રીતે આ બાદ પીડિતાના દિયર અને નણદોઈએ પીડિતાના કપડા ફાડવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈ રીતે પીડિતાએ પોતાનો જીવ બચાવ્યો હતો. મહિલાની ફરિયાદ પર પોલીસે રવિવાર (22 ઓકટોબર 2023)ના રોજ પીડિત મહિલાના સાસરી પક્ષ વિરુદ્ધ FIR દાખલ કરી હતી.