Saturday, November 23, 2024
More
    હોમપેજદેશબાયજુસથી લઈને અનએકેડમી, ભ્રામક જાહેરાતો બદલ 20 કોચિંગ સેન્ટરોને નોટિસ, 4ને દંડ...

    બાયજુસથી લઈને અનએકેડમી, ભ્રામક જાહેરાતો બદલ 20 કોચિંગ સેન્ટરોને નોટિસ, 4ને દંડ પણ ફટકારાયો: વિકાસ દિવ્યકિર્તિનું ‘દ્રષ્ટિ IAS’ પણ લિસ્ટમાં સામેલ

    આ કોચિંગ સેન્ટરો દ્વારા કરવામાં આવેલા અતિશયોક્તિભર્યા દાવાઓનું પ્રમાણ એટલું મોટું છે કે તેઓ યુપીએસસીને ખોટા સાબિત કરે તેવું નજરે પડે છે. વાસ્તવમાં યુપીએસસી 2022માં 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. 10 કોચિંગ સંસ્થાઓની જાહેરાતોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના "ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ" માંથી 3,500 થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

    - Advertisement -

    ભારતમાં હવે એવા IAS કોચિંગ સેન્ટરો ચલાવવાવાળાની ખેર નથી જેઓ ખોટી રીતે સફળતાના દાવા કરીને લોકોને લલચાવીને પોતાના ત્યાં બોલાવતા હોય છે. કેન્દ્રીય ઉપભોગતા સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) હવે આવા લોકો વિરુદ્ધ એકશનમાં આવ્યું છે. CCPAએ આ પ્રકારની ખોટી લોભામણી જાહેરાત કરતા 20 કોચિંગ સેન્ટરોને નોટીસ ફટકારી છે, સાથે જ 4 કોચિંગ સેન્ટરોને 1 -1 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

    CCPAના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે (23 ઓક્ટોબર, 2023) જણાવ્યું હતું કે દેશભરની 20 IAS કોચિંગ સેન્ટરોનેને ભ્રામક જાહેરાતો કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. CCPAના ધ્યાને આવ્યું હતું કે મોટાભાગની IAS કોચિંગ સંસ્થાઓ પોતાની જાહેરાતોમાં તેવા વિદ્યાર્થીઓને દર્શાવીને યુપીએસસીની પરીક્ષામાં પોતાના ‘સફળતા દર’ નો દાવો કરે છે, જેમણે તેમના કેન્દ્રો પર આખો અભ્યાસક્રમ નહોતો ભણ્યો અને ફક્ત મોક ઇન્ટરવ્યુ જ આપ્યા હતા.

    સેન્ટરોના દાવા UPSCને ખોટું ચીતરે તે હદ સુધીના ભ્રામક

    આ કોચિંગ સેન્ટરો દ્વારા કરવામાં આવેલા અતિશયોક્તિભર્યા દાવાઓનું પ્રમાણ એટલું મોટું છે કે તેઓ યુપીએસસીને ખોટા સાબિત કરે તેવું નજરે પડે છે. વાસ્તવમાં યુપીએસસી 2022માં 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. 10 કોચિંગ સંસ્થાઓની જાહેરાતોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી 3,500 થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

    - Advertisement -

    CCPA અયોગ્ય વ્યવસાયિક વ્યવહાર સામે દિલ્હીમાં 20 કોચિંગ સેન્ટરોની પણ તપાસ કરી રહી છે. એજન્સીએ રાઉઝ આઈએએસ સ્ટડી સર્કલ, ચહલ એકેડમી, IQRA IAS અને IAS બાબા એમ ચાર સંસ્થાને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

    જો કે, બે સંસ્થાઓએ સીસીપીએની આ કાર્યવાહીને પડકારી છે. રાઉઝ આઈએએસ સ્ટડી સર્કલે દંડના આદેશ સામે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં અપીલ કરી છે, જ્યારે ‘આઈએએસ બાબા’એ તેની સામે સ્ટે લીધો છે.

    સેન્ટરોએ જાણીજોઈને વિદ્યાર્થીઓની માહિતી છુપાવી

    સીસીપીએએ કહ્યું છે કે ભ્રામક જાહેરાતો આઈએએસ બનવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોના નિર્ણય પર અસર કરે છે. તેણે કોચિંગ સેન્ટરોને તેમના દાવાઓ સાબિત કરવા અને સફળ વિદ્યાર્થીઓએ તેમની પાસેથી જે અભ્યાસક્રમો અથવા વિષયો માટે કોચિંગ લીધું છે તે વિશે ‘પ્રામાણિક ખુલાસા’ કરવા જણાવ્યું છે.

    સીસીપીએના ચીફ કમિશનર નિધિ ખરેના જણાવ્યા અનુસાર, “છેલ્લા દોઢ વર્ષમાં કોચિંગ સેન્ટરોને તેમના સફળ વિદ્યાર્થીઓ વિશે જાણી જોઈને મહત્વપૂર્ણ માહિતી છુપાવવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. અમે તેમની જાહેરાતોની વિરુદ્ધ નથી, પરંતુ તેમણે બધી માહિતી પ્રમાણિકતાથી આપવી જોઈએ. જો સાચા ખુલાસા થશે તો છેતરપિંડી ઓછી થશે.”

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીસીપીએએ આવી જાહેરાતોની પોતે જ નોંધ લીધી હતી અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ની કલમ 2(28) ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ આ સેન્ટરોને નોટિસ ફટકારી હતી.

    કોને કોને ફટકારાઈ નોટીસ

    સીસીપીએના જણાવ્યા અનુસાર વાજીરાવ એન્ડ રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ, ચહલ એકેડમી, ખાન સ્ટડી ગ્રૂપ IAS, એપીટીઆઈ પ્લસ, એનાલોગ IAS, શંકર IAS, શ્રીરામ IAS, બાયજૂ IAS, અનએકેડમી, નેક્સ્ટ IAS, દ્રષ્ટિ IAS, આઇક્યુઆરએ આઇએસ, વિઝન IAS, IAS બાબા, યોજના IAS, પ્લુટસ IAS, એએલએસ IAS તેમજ રાઉઝ IAS સ્ટડી સર્કલને નોટિસ ફટકારવામાં આવી હતી.

    આ મામલે ખરેએ આગળ જણાવ્યું કે, “મોટાભાગના લોકોએ સીસીપીએના કોચિંગ સેન્ટરોને તેમના દાવાઓની વિગતો માંગતી સ્વતઃ સજ્ઞાન નોટિસના જવાબમાં પ્રતિઉત્તર આપ્યો છે. આમાં તેમણે કબૂલ્યું છે કે, યુપીએસસીના સફળ ઉમેદવારોએ પોતાની જાહેરખબરોમાં દેખાડેલા મોક ઈન્ટરવ્યુ અને ઈન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામમાં જ હાજરી આપી હતી. સીસીપીએના ધ્યાને તે પણ આવ્યું હતું કે કોચિંગ સેન્ટરો આ બધું મફતમાં કરે છે કારણ કે તે તેમના (સેન્ટરોના) ફાયદામાં છે.”

    સીસીપીએના ચીફ કમિશનર ખરેએ વધુમાં જણાવ્યું હતું કે, આ છેતરપીંડીનું એક ઉદાહરણ જોઈએ તો એક કેન્દ્રએ દાવો કર્યો હતો કે 2022 ની યુપીએસસી પરીક્ષામાં પસંદ કરાયેલા 933 માંથી, 682 તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. જો કે સીસીપીએની નોટિસના જવાબમાં સેન્ટરે જણાવ્યું હતું કે 673 વિદ્યાર્થીઓએ માત્ર મોક ઇન્ટરવ્યુ આપ્યા હતા અને બાકીના નવ વિદ્યાર્થીઓએ ટેસ્ટ શ્રેણી અને સામાન્ય અધ્યયન જેવા અભ્યાસક્રમો લીધા હતા.

    કોચિંગ સેન્ટરોમાં નહીં જોડાય તો IAS નહીં બની શકે

    ખરેએ આગળ જણાવ્યું કે, “કોઈ પણ જાહેરાતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે સફળ ઉમેદવારોએ ફક્ત મોક ઇન્ટરવ્યુ આપ્યા હતા. જેના કારણે એવી છાપ ઊભી થાય છે કે પરીક્ષામાં પાસ થયેલા તમામ લોકોએ આ કેન્દ્રોમાં આખો કોર્સ કર્યો છે, જે ભ્રામક છે. તેમણે કહ્યું હતું કે ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી ઉમેદવારો એવું વિચારી શકે છે કે જ્યાં સુધી તેમને જાહેરાત આપનાર સેન્ટરમાં સ્થાન નહીં મળે ત્યાં સુધી તેઓ આઇએએસ, જેઇઇ અથવા નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ નહીં કરી શકે.”

    આ મામલે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આઈએએસ કોચિંગ સેન્ટર્સ પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પછી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને મફત મોક ઇન્ટરવ્યુ સત્રો માટે આમંત્રિત કરે છે, જેથી જો તેઓ સફળ થાય તો તેઓ તેમના કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનો દાવો કરી શકે.

    આવા ઘણા કિસ્સાઓમાં, આ મોક ઇન્ટરવ્યુ માંડ થોડા કલાકો માટે હોય છે. તેથી, સેન્ટરો કેટલાક એવા ઉમેદવારોને પસંદ કરવામાં સફળ થાય છે જેમણે તેમના મફત મોક ઇન્ટરવ્યુ સત્રોનો લાભ લીધો હતો. સીસીપીએના જણાવ્યા અનુસાર દેશમાં કોચિંગ બિઝનેસની હાલની આવક અંદાજે ₹58,088 કરોડ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં