દશેરા પર્વે દિલ્હીના દ્વારકા ખાતે શ્રીરામલીલા કમિટી દ્વારા આયોજિત 11મી ભવ્ય રામલીલા ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી રૂપે ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ રામલીલા પણ નિહાળી તેમજ સંબોધન પણ કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં તેમણે દેશવાસીઓને નવરાત્રિ અને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી. આ દરમિયાન તેમણે રામમંદિરનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ મંદિર એ ભારતીયોના ધૈર્યના વિજયનું પ્રતીક છે.
દિલ્હીમાં દશેરા પર્વે PM મોદીએ પોતાના વક્તવ્યમાં રામમંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આજે આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આપણે ભગવાન રામનું ભવ્યતમ મંદિર બનતું જોઈ રહ્યા છીએ. અયોધ્યાની આગામી રામનવમી પર રામલલ્લાના મંદિરમાં ગુંજેલો દરેક સ્વર આખા વિશ્વને હર્ષિત કરનારો હશે. શતાબ્દીઓથી આપણે ત્યાં કહેવામાં આવે છે કે, “ભયે પ્રકટ કૃપાલા, દિન દયાલા, કૌશલ્યા હિતકારી.” ભગવાન રામની જન્મભૂમિ પર બની રહેલું ભવ્ય અને દિવ્ય મંદિર સદીઓની પ્રતીક્ષા બાદ ભારતીઓના ધૈર્યને મળેલા વિજયનું પ્રતીક છે.”
ભગવાન રામની જન્મભૂમિ પર બની રહેલું ભવ્ય-દિવ્ય મંદિર સદીઓની પ્રતીક્ષા બાદ ભારતીયોના ધૈર્યને મળેલા વિજયનું પ્રતીક- PM મોદી #Dussehra2023 #PMNarendraModi pic.twitter.com/T298tAEkEa
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 24, 2023
રામમંદિરના નિર્માણને લઈને વડાપ્રધાને આગળ ઉમેર્યું કે, “રામ મદિરમાં ભગવાન રામના બિરાજમાન થવામાં બસ થોડાક જ મહિના બચ્યા છે, ભગવાન રામ બસ આવી જ રહ્યા છે.” જનતાને સંબોધતાં કહ્યું કે, “તે હર્ષની પરિકલ્પના કરો જ્યારે શતાબ્દીઓ બાદ મંદિરમાં ભગવાન રામ બિરાજશે. રામના આવવાના ઉત્સવની શરૂઆત તો વિજ્યાદશમીના દિવસથી જ થઇ ગઈ હતી.” તુલસીદાસરચિત રામચરિતમાનસની ચોપાઈ યાદ કરતાં વડાપ્રધાને કહ્યું કે, “તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે કે, “સગુણ હોહી સુંદર સકલ મન પ્રસન્ન સબ કે, પ્રભુ આગમન જનાવ જનું નગર રમ્ય ચહુ ફેર.” એટલે કે જ્યારે ભગવાન રામનું આગમન થવાની તૈયારી હતી ત્યારે આખી અયોધ્યામાં શુકન થઇ રહ્યા હતા. તે સમયે તમામનું મન પ્રસન્ન થવા લાગ્યું અને આખું નગર રમણિક બની ગયું, એવા જ શુકન આજે પણ થઇ રહ્યા છે.”
સ્વતંત્રતાના 75 વર્ષ બાદ ભારતના ભાગ્યનો ઉદય – PM મોદી
ભગવાનના આવવા પર થઇ રહેલા શુકનના સંદર્ભમાં વડાપ્રધાને કહ્યું કે, “આજે ભારત ચંદ્રમા પર વિજયી થયું છે, આપણે વિશ્વની ત્રીજી સહુથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ. આપણે થોડા જ સપ્તાહ પહેલાં જ સંસદના નવા ભવનમાં પ્રવેશ કર્યો. સંસદમાં નારી શક્તિ અધિનિયમ પારિત કરવામાં આવ્યો. ભારત આજે વિશ્વના સહુથી મોટા લોકતંત્ર તરીકે ઉભરી રહ્યું છે અને વિશ્વ જોઈ રહ્યું છે કે આ “Mother of Democracy” છે. આ સુખદ ક્ષણો વચ્ચે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજવા જઈ રહ્યા છે. આ એક રીતે સ્વતંત્રતાનાં 75 વર્ષ બાદ ભારતના ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે.”
સાથે જ વડાપ્રધાને દેશવાસીઓને સતર્ક રહેવાનું જણાવતાં કહ્યું કે, “આ એ જ સમય છે, જ્યારે ભારતે પહેલાંથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. આપણે ધ્યાન રાખવાનું છે કે આજે રાવણનું દહન માત્ર એક પૂતળાનું દહન નથી, પરંતુ આ દહન દરેક એવી વિકૃતિનું છે જેના કારણે સમાજનું આંતરિક સૌહાર્દ બગડે છે. આ દહન એવી શક્તિઓનું છે જે જાતિવાદ અને ક્ષેત્રવાદના નામે મા ભારતીના વિભાજનનો પ્રયાસ કરે છે. આ દહન એવા વિચારોનું છે જેમાં ભારતનો વિકાસ નહીં પણ સ્વાર્થની સિદ્ધિ નિહિત છે. વિજયાદશમીનું પર્વ માત્ર રાવણ પર રામના વિજયનું નહીં, પણ રાષ્ટ્રમાં દરેક ખરાબ બાબત પર રાષ્ટ્રભક્તિના વિજયનું પર્વ બનવું જોઈએ. આપણે સમાજમાં અનિષ્ટતાના, ભેદભાવના અંતનો સંકલ્પ લેવો જોઈએ.” સાથે જ તેમણે ઉમેર્યું કે, “આવનારાં 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખું વિશ્વ આજે ભારત તરફ નજર ટકાવીને આપણા સામર્થ્યને જોઈ રહ્યું છે.”
રામ કાજ કિનેબીનું, મોહી કહાં બીસરામ – PM મોદી
રામમંદિર વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, “હવે આપણે વિશ્રામ નથી કરવાનો. રામચરિતમાનસમાં પણ લખ્યું છે કે, “રામ કાજ કિનેબીનું, મોહી કહાં બીસરામ. આપણે ભગવાન રામના વિચારોનું ભારત બનાવવાનું છે. વિકસિત ભારત જે આત્મનિર્ભર હોય, જે વિશ્વ શાંતિનો સંદેશ આપે, જ્યાં તમામને પોતાનાં સપનાં પૂર્ણ કરવાનો અધિકાર હોય, જ્યાં લોકોને સમૃદ્ધિ અને સંતુષ્ટિનો અનુભવ હોય. રામરાજની પરિકલ્પના આ જ છે. રામ રાજ બૈઠે ત્રેલોકા, હર્ષિત ભયે ગયે સબ શોકા, એટલે જ્યારે રામ પોતાના સિંહાસન પર બિરાજે ત્યારે વિશ્વમાં બધા જ હર્ષિત હોય અને તમામના કષ્ટોનો અંત હોય.”