મંગળવારે (24 ઓક્ટોબરે) દેશભરમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો નાશ કરીને ધર્મધ્વજ ફરકાવ્યો હતો. ધર્મનો વિજય થવાથી વિજયાદશમી ઉજવાય છે. RSS દ્વારા પણ દરવર્ષે મુખ્ય કાર્યાલય નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ RSSનો વિજયાદશમી ઉત્સવ નાગપુર ખાતે યોજાયો છે. જેમાં શસ્ત્ર પૂજનનું આયોજન પણ કરાયું હતું. વિજયાદશમીના દિવસે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના થઈ હતી. નાગપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શંકર મહાદેવન ઉયપસ્થિત રહ્યા હતા. તે સિવાય RSS પ્રમુખ મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તથા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6
— ANI (@ANI) October 24, 2023
24 ઓકટોબરના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં RSSનો વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગાયક શંકર મહાદેવન ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સંઘના સ્વયંસેવકોએ ‘પથ સંચલન’નું આયોજન પણ કર્યું હતું. જે બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે શંકર મહાદેવનનું સ્વાગત પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવત અને મુખ્ય અતિથિ શંકર મહાદેવને શસ્ત્ર પૂજન પણ કર્યું હતું.
RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને આપી શ્રદ્ધાંજલિ
મોહન ભાગવતે કાર્યક્રમની પહેલાં RSSના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શંકર મહાદેવને મોહન ભાગવત સાથે RSSના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને દ્વિતીય સરસંઘચાલક ગુરુ ગોલવલકરની સમાધિ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા બાદ તેમણે મુખ્ય અતિથિ શંકર મહાદેવન સાથે મળીને શસ્ત્ર પૂજન કર્યું હતું. જે બાદ સંઘના સ્વયંસેવકોએ ‘પથ સંચલન’નું આયોજન પણ કર્યું હતું. નાગપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ભાગ લીધો હતો.
‘આપણે સૌ એક માતૃભૂમિની સંતાન’: મોહન ભાગવત
આ કાર્યક્રમ અંતર્ગત જ RSSના સરસંઘચાલક મોહન ભાગવત અને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શંકર મહાદેવને વક્તવ્ય પણ આપ્યું હતું. જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, “દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણાં નેતૃત્વને કારણે આજે આપનું સ્થાન વિશ્વમાં અદ્વિતીય છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં G20 સમિટનું આયોજન થયું. તેમાં વિદેશી મહેમાનોના સત્કારને લઈને ભારતની પ્રશંસા થઈ. સમગ્ર વિશ્વએ વિવિધતાથી સજાયેલી આપણી સંસ્કૃતિના ગૌરવનો અનુભવ કર્યો.” તેમણે વધુમાં કહ્યું કે, “ઘણા લોકો નથી ઈચ્છતા કે ભારતમાં શાંતિ રહે. કટ્ટરતાથી ઉન્માદ ફેલાય છે. આ કારણથી જ દુનિયામાં યુદ્ધ થઈ રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે, “સમાજમાં કલેશ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેનાથી લોકો ચિંતિત છે. ઝગડાઓ છોડીને સુલેહ પર ચાલવું જ શ્રેષ્ઠતા છે. આપણે સૌ એકજ પૂર્વજોના વંશજ છીએ. સૌ એક માતૃભૂમિની સંતાન છીએ. આપણે આ આધાર પર ફરી એકઠા થવાનું છે.” આ સિવાય પણ તેમણે 2024ની લોકસભા ચૂંટણી જેવા મુદ્દાઓ પર પણ વક્તવ્ય આપ્યું હતું.
શંકર મહાદેવને આપ્યું વક્તવ્ય
આ ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને પણ વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, “હું વિજયાદશમીના અવસર પર સૌને શુભકામનાઓ આપું છું. હું ખૂબ જ સન્માનિત અને ગૌરવાંતિત અનુભવું છું, કારણ કે આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મારુ સ્વાગત કરવામાં આવ્યું.”
શંકર મહાદેવને વધુમાં કહ્યું હતું કે, “આજનો મારો અનુભવ અદભૂત રહ્યો. આપણી સંસ્કૃતિ અને પરંપરાની રક્ષામાં આપ સૌનું યોગદાન અદ્વિતીય છે. મારુ માનવું છે કે ભાવિ પેઢીમાં સંગીત અને ગીતના માધ્યમથી આપણી સંસ્કૃતિને શિક્ષિત અને પ્રસારિત કરવી મારુ કર્તવ્ય છે. હું તેને યુવાનો અને બાળકો સાથે વાતચીતમાં અને મારા શો, રિયાલિટી શો અને ફિલ્મના ગીતોમાં પણ પ્રસારિત કરવાનો પ્રયાસ કરું છું.”