શનિવારે (21 ઓક્ટોબર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના ગ્વાલિયર પહોંચ્યા હતા, અહીં તેમણે સિંધિયા સ્કૂલના 125મા સ્થાપના દિવસે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સંબોધન પણ કર્યું હતું. આ સંબોધનમાં પીએમ મોદીએ દેશમાં થઈ રહેલા વિકાસની વાત કરી અને કહ્યું કે યુવા પેઢી પાસે તકો અને અવસરોની અછત નહીં પડે તે માટે તેમની સરકાર સતત કામ કરી રહી છે. અહીં તેમણે વિદ્યાર્થીઓને એક ‘હૉમવર્ક’ પણ આપ્યું.
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, “હું વિચારી રહ્યો છું કે નવરાત્રિના પાવન અવસર પર આપ સૌને 9 ટાસ્ક પણ આપું. કારણ કે શાળાનો કાર્યક્રમ હોય અને ‘હૉમવર્ક’ ન આપીએ તો એ પૂર્ણ થયો ન ગણાય.” ત્યારબાદ તેમણે વિદ્યાર્થીને આ 9 ટાસ્ક યાદ રાખીને તેને સંકલ્પ બનાવવા માટે આહવાન કર્યું.
9 tasks for our Yuva Shakti during Navratri. pic.twitter.com/vIwLQe0y2U
— Narendra Modi (@narendramodi) October 21, 2023
- -જળ સુરક્ષા માટે લોકોને જાગૃત કરવાનું અભિયાન ચલાવવું
- -ગામોમાં જઈને ડિજિટલ લેવડદેવડ પ્રત્યે જાગૃતિ લાવવી
- -ગ્વાલિયરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવો
- -વૉકલ ફોર લોકલ, સ્થાનિક ઉત્પાદનોને પ્રમોટ કરીને ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારવો
- -ટ્રાવેલ ઇન ઇન્ડિયા ફર્સ્ટ. બની શકે તો પહેલાં પોતાનો જ દેશ ફરીને પછીથી વિદેશો તરફ જવું
- -નેચરલ ફાર્મિંગ પ્રત્યે ખેડૂતોને જાગૃત કરવા
- -મિલેટ્સને જીવનમાં સામેલ કરવું અને તેનો પ્રચાર-પ્રસાર કરવો
- -ફિટનેસ. યોગ, સ્પોર્ટ્સને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો
- -ઓછામાં ઓછા એક ગરીબ પરિવારની મદદ કરવી
પીએમ મોદીએ કહ્યું કે, આજનું ભારત જે કંઈ પણ કરી રહ્યું છે તે મેગાસ્કેલ પર કરી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓ પણ ભવિષ્યને લઈને ઊંચું વિચારે અને સંકલ્પ અને સપનાં ઊંચાં રાખે. વડાપ્રધાને કહ્યું, તમારું સપનું જ મારો સંકલ્પ છે. તેમણે વિદ્યાર્થીઓને નમો એપ મારફતે પોતાના વિચારો અને સૂચનો મોકલવા માટે અપીલ કરી હતી.
ગ્વાલિયરમાં પીએમ મોદીએ સંબોધન કરતાં ઋષિ ગ્વાલિપા, સંગીતકાર તાનસેન, રાજમાતા વિજયારાજે સિંધિયા, અટલ બિહારી વાજપેયી, ઉસ્તાદ અમજદ અલી ખાન વગેરેનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ ધરતી પર હંમેશા એવા લોકોનો જન્મ થયો છે જેઓ બીજા માટે પ્રેરણા બન્યા છે. તેમણે ઉમેર્યું કે, “ગ્વાલિયર આવવાથી હંમેશા સુખદ અનુભવ થાય છે.” આ દરમિયાન તેમણે ભારતની સંસ્કૃતિના સંરક્ષણમાં સિંધિયા પરિવારના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો.
સંબોધનમાં પીએમ મોદી સરકારનાં કામો ગણાવ્યાં અને કહ્યું કે, આ કામો ન થયાં હોત તો આગલી પેઢી માટે બોજ વધી ગયો હોત. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ સપનાં જુએ અને ઉપલબ્ધિઓ હાંસલ કરે. આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આવનારાં 25 વર્ષમાં આ યુવા પેઢી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે. મને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ છે. યુવા રાષ્ટ્ર માટેના સંકલ્પો પૂરા કરશે. તેમણે શાળાના વિદ્યાર્થીઓને કહ્યું કે, દરેકે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ, પછી તે પ્રોફેશનલ દુનિયામાં હોય કે અન્ય સ્થાન પર.