અરબ સાગરમાં હાલ દબાણ સર્જાયું છે અને આગામી કલાકોમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. પરંતુ ગુજરાતને આ વાવાઝોડા તેજથી કોઇ જોખમ નથી. ભારતીય હવામાન વિભાગે આ સ્પષ્ટ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર વાવાઝોડું હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ફંટાયું છે. જેના કારણે તે ગુજરાત પર ત્રાટકવાના તેના કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા અને ચિંતાની વાત નથી.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાત ‘તેજ’ની ગુજરાત પર કોઈ જ અસર જોવા નહીં મળે. આ મામલે ભારતીય હવામાન ખાતાના એક અધિકારીએ આપેલી માહિતીને ટાંકીને અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે અરબ સાગરના દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં લૉ પ્રેશરના કારણે ઉદ્ભવી રહેલા વાવાઝોડાને તેજ (Cyclone Tej) નામ આપવામાં આવ્યું હતું. હવામાન ખાતા મુજબ આ વાવાઝોડું રવિવાર (22 ઓકટોબર, 2023)ના રોજ ભયંકર ચક્રવાતનું રૂપ ધારણ કરીને ઓમાનના દક્ષિણી તટો તેમજ નજીકના યમન તરફ આગળ વધી શકે છે.
પશ્ચિમે ઓમાન અને યમન તરફ આગળ વધશે
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વાવાઝોડું તેજ હાલ દરિયામાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેની આ દિશાના કારણે પશ્ચિમ દિશામાં આવેલા ગુજરાતને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. અગામી સાતેક દિવસો સુધી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. બીજી તરફ અમદાવાદ સ્થિત હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિદેશક મનોરમા મોહંતી મુજબ પણ 22 ઓકટોબરે આ ચક્રવાત તોફાનમાં બદલાઈને દક્ષિણ ઓમાન અને યમનના તટ પર ત્રાટકે તેવી આશંકા છે. જોકે હવામાન વિભાગે તેમ પણ જણાવ્યું હતું કે કેટલીક વાર આ પ્રકારનાં વાવાઝોડાં પોતાની દિશા બદલતાં પણ હોય છે.
જોકે, ‘તેજ’ના કિસ્સામાં એવું થવાની શક્યતાઓ નહિવત છે. રાજ્યના રિલીફ કમિશનર આલોક કુમાર પાંડેએ પણ જણાવ્યું કે, હાલના તબક્કે ગુજરાત ઉપર કોઇ પણ પ્રકારનું જોખમ નથી કારણ કે વાવાઝોડું રાજ્ય તરફ આવી રહ્યું નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે રાજ્યનાં બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂન મહિનામાં ગુજરાતમાં બિપરજૉય નામનું ભયાનક ચક્રવાત ત્રાટક્યું હતું અને કચ્છમાં લેન્ડફૉલ કર્યું હતું. જોકે, રાજ્ય સરકારે પહેલેથી કરી રાખેલી તૈયારીઓ અને આગોતરા આયોજનના પરિણામે જાનહાનિ થઈ ન હતી. બાકીનું નુકસાન થયું હતું પરંતુ બહુ ઝડપથી કચ્છ સહિત આખું ગુજરાત બેઠું થઈ ગયું હતું.
હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં ગુજરાતથી 1600 કિલોમીટર દૂર છે અને તેણે ઓમાન તરફ પોતાની દિશા ફેરવી લીધી છે. આ કારણે જ હાલ રાજ્ય પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ નહિવત છે. નોંધનીય છે કે હિંદ મહાસાગરના ક્ષેત્રોમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલા ફોર્મુલા મુજબ આ વાવાઝોડાનું નામ ભારત દ્વારા ‘તેજ’ (Cyclone Tej) રાખવામાં આવ્યું છે. આ પહેલાં ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાનું નામ ‘બિપરજોય’ હતું જે બાંગ્લાદેશ દ્વારા રાખવામાં આવ્યું હતું. તે અગાઉ જે ‘તાઉતે’ વાવાઝોડું આવ્યું હતું તેનું નામ મ્યાનમારે પાડ્યું હતું.