આતંકવાદી સંગઠન હમાસને ખતમ કરવા માટે ઇઝરાયેલી સેના ગાઝામાં પ્રવેશ કરશે તેવા સમાચારો લગભગ એકાદ અઠવાડિયાથી ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી એક્શનના આદેશ આપવામાં આવ્યા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે ઈઝરાયેલે માંડવાળ કરી છે. રક્ષામંત્રી યોવ ગેલન્ટે શુક્રવારે (20 ઓક્ટોબર) કહ્યું કે, બહુ જલ્દીથી ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરવા માટેના આદેશ આપી દેવામાં આવશે.
ઈઝરાયેલના રક્ષામંત્રી ગેલન્ટ ગાઝા બોર્ડર પાસે તહેનાત IDFના (ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ) જવાનોને મળવા માટે ગયા હતા. અહીં તેમણે કહ્યું કે, “તમે હાલ ગાઝાને દૂરથી જોઈ રહ્યા છો, પરંતુ બહુ જલ્દી તમે તેની અંદર હશો.” આગળ ઉમેર્યું કે, આદેશ બહુ જલ્દીથી આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી મિશન પૂરું ન થાય ત્યાં સુધી કાર્યવાહી આ જ તીવ્રતાથી ચાલુ રાખવામાં આવશે.
ટાઈમ્સ ઑફ ઇઝરાયેલના (TOI) રિપોર્ટ અનુસાર, ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરવાની વિચારણા ઘણા દિવસોથી ચાલી રહી છે અને આ માટે સિક્યુરિટી કેબિનેટની મંજૂરી જરૂરી છે. જે માટે ગુરૂવારે ફરી એક વખત બેઠક મળી હતી. જોકે, સરકારે આધિકારિક રીતે હજુ સુધી સિક્યુરિટી કેબિનેટના આવા કોઈ નિર્ણયની ઘોષણા કરી નથી.
IDF પૂરેપૂરી સજ્જ, કહ્યું- અમે ગમે ત્યારે ત્રાટકવા તૈયાર છીએ
સરકાર ઘોષણા કરશે ત્યારે કરશે પરંતુ ઇઝરાયેલી સેના કોઇ પણ ક્ષણે ગાઝામાં ઘૂસવા માટે તૈયાર બેઠી છે. IDFના લોજિસ્ટિક કમાન્ડર મેજર જનરલ મિશેલ યાંકોએ શુક્રવારે કહ્યું કે, ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરવા માટે સેના પૂરેપૂરી રીતે તૈયાર છે. તેમણે કહ્યું, “અમારી પાસે શ્રેષ્ઠ કમાન્ડો છે અને તેમનો જુસ્સો પહેલાં કરતાં અનેકગણો વધુ છે. તેઓ પડકારને પણ સમજે છે અને આ ઑપરેશનની મહત્તાને પણ.” તેમણે એમ પણ કહ્યું કે, સેના એક કરતાં વધુ મોરચે લડવા માટે પણ સક્ષમ છે, જેથી ઉત્તરેથી હિઝબુલ્લા આક્રમણ કરે તો તેને પણ તેઓ પહોંચી વળશે.
ઑપરેશન લાંબું હશે પણ અમે જ જીતીશું: સેના
TOIના રિપોર્ટમાં ઇઝરાયેલના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું કે, ગાઝામાં શરૂ થવા જનાર ગ્રાઉન્ડ ઑપરેશન કપરું, લાંબું અને તીવ્ર હશે પરંતુ એ વાત નિશ્ચિત છે કે વિજય ઇઝરાયેલનો જ થશે. IDFના સાઉથ કમાન્ડર મેજર જનરલ યારોન ફિંકલમેને કહ્યું કે, “આ યુદ્ધ આપણી ઉપર થોપી દેવામાં આવ્યું છે અને ક્રૂર દુશ્મનોએ આપણને નુકસાન પણ બહુ કર્યું છે, પરંતુ આપણે તેમને અટકાવી દીધા છે અને પૂરેપૂરી શક્તિથી પ્રહારો કરવાના શરૂ કર્યા છે.”
તેમણે કહ્યું હતું કે, “હવે અમે તેમની જમીન પર જઈને લડીશું. અમે તેમને તેમની ધરતી પર હરાવીશું. આ યુદ્ધ લાંબું ચાલશે.”
અહીં ઉલ્લેખનીય છે કે ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન માટે ઈઝરાયેલે ઉત્તર ગાઝામાં રહેતા તમામ નાગરિકોને દક્ષિણ તરફ ચાલ્યા જવાની સૂચના આપી હતી અને લાખો લોકો સ્થળાંતર પણ કરી ગયા છે. પરંતુ હમાસના આતંકવાદીઓ તેમને જતા અટકાવી રહ્યા છે અને ક્યાંક રોડબ્લૉક પણ કરવામાં આવી રહ્યા છે.