ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સંબંધો વધુ ગૂંચવાઈ રહ્યા છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો બાદ ભારતે કરેલી કાર્યવાહીથી કેનેડા હવે વધુ મુશ્કેલીમાં મૂકાયું છે. ભારત સરકારે ડેડલાઈન આપ્યા બાદ કેનેડાએ પોતાના 41 રાજદ્વારી પરત બોલાવવા પડ્યા છે. સરકાર તરફથી 20 ઑક્ટોબર સુધીની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તેઓ આમ નહીં કરે તો તેમના રાજદ્વારીઓની ‘ડિપ્લોમેટિક ઇમ્યુનિટી’ આંચકી લેવામાં આવશે.
મળતા અહેવાલો અનુસાર ભારતે 20 ઓકટોબર સુધીનો સમય આપ્યા બાદ કેનેડાએ કેનેડાએ પોતાના 41 રાજદ્વારી પરત બોલાવી લીધા છે. સરકારે કેનેડાને ચેતવણી આપી હતી કે જો તેઓ રાજદ્વારીઓને પરત નહીં બોલાવે તો ભારતમાં તેમના તમામ હક સમાપ્ત કરી દેવામાં આવશે. જો ભારતે કેનેડાના રાજદ્વારીઓની ‘ડિપ્લોમેટિક ઇમ્યુનિટી’ આંચકી લીધી હોત તો તેઓ ભારતમાં માત્ર વિદેશી નાગરિક બનીને રહી જાત અને તેમના પર ભારતના તમામ કાયદાઓ લાગુ પડત.
ભારતમાં કુલ 62 રાજદ્વારીઓ પરિવાર સાથે રહેતા હતા
ઉલ્લેખનીય છે કે ભારતમાં કેનેડાના કુલ 62 રાજદ્વારીઓ કાર્યરત હતા. કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લેતાં હવે માત્ર 21 કેનેડિયન ડિપ્લોમેટ બચ્યા છે. આ તમામ લોકો ભારતમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. આ કાર્યવાહી પાછળ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડો પણ જવાબદાર છે. જસ્ટિન ટ્રૂડોએ કેનેડામાં થયેલી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા બાદ ભારત પર આરોપો લગાવ્યા હતા. વર્તમાન કાર્યવાહી બાદ કેનેડા દ્વારા ભારતના રાજદ્વારી કામોમાં માઠી અસર પડી રહી છે. ચંડીગઢ, મુંબઈ અને બેંગલોર સ્થિત વાણિજ્ય દૂતાવાસમાં સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
Amid India-Canada diplomatic tensions, Canadian Foreign Minister Melanie Joly says "As of now, I can confirm that India has formally conveyed its plan to unethically remove diplomatic immunities for all but 21 Canadian diplomats and dependents in Delhi by October 20. This means… pic.twitter.com/tbqwk9Wv8u
— ANI (@ANI) October 20, 2023
ભારતીય રાજદ્વારીઓની સંખ્યાને લઈને વિદેશ મંત્રાલયે ઉઠાવ્યો હતો વાંધો
અહીં તે નોંધવું પણ જરૂરી છે કે ભારતીય વિદેશ મંત્રાલય કેનેડામાં રહેલા રાજદ્વારીઓની સંખ્યાને લઈને કેનેડાની સરકાર સામે અનેક વાર વાંધો ઉઠાવી ચૂક્યું છે. કેનેડામાં રહેલા ભારતીય રાજદ્વારીઓની સંખ્યામાં અને ભારતમાં કાર્યરત કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યામાં જમીન આસમાનનું અંતર હતું. આ મામલે ભારતે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજદ્વારીઓની સંખ્યામાં આ અસામાન્ય અસમાનતા છે. તેવામાં કેનેડિયન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જસ્ટિન ટ્રૂડો દ્વારા કેનેડાની સંસદમાં લગાવવામાં આવેલા આરોપો બાદ ભારતે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, સાથે જ ભારતે કહ્યું હતું કે કેનેડા ભારતમાં વાંછિત અપરાધીઓ અને આતંકવાદીઓને શરણ આપી રહ્યું છે.
કાર્યવાહી પર કેનેડાની વિદેશમંત્રીએ આપી પ્રતિક્રિયા, ભારતનો પણ સ્પષ્ટ જવાબ
ઉલ્લેખનીય છે કે વર્તમાન કાર્યવાહીને લઈને કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ નિવેદન આપતા કહ્યું હતું કે, “ભારતે 20 ઓકટોબર સુધીમાં 21 રાજદ્વારીઓ સિવાયના તમામ લોકોની ‘ડિપ્લોમેટિક ઇમ્યુનિટી’ ખોટી રીતે પૂરી કરી નાખી હતી. આ કારણે 41 રાજદ્વારી અને તેમના 42 પરિજનોની વ્યક્તિગત સુરક્ષા જોખમમાં મૂકાઈ ગઈ હતી, આ કારણોસર અમારે આ તમામને કેનેડા પરત લાવવા પડ્યા હતા. આ કાર્યવાહીથી બંને દેશોના કામકાજ પર માઠી અસર પડશે. હાલ અમારે ચંડીગઢ, મુંબઈ અને બેંગલોર ખાતેના વાણિજ્ય દૂતાવાસની સેવાઓ સ્થગિત કરવી પડી છે.
બીજી તરફ, આ મામલે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ જવાબ આપ્યો છે. અધિકારીક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ખૂબ વધારે હતી અને દેશની આંતરિક બાબતોમાં સતત થતા તેમના હસ્તક્ષેપના કારણે બંને દેશોમાં ડિપ્લોમેટ્સની સંખ્યા બરાબર જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે, જે કોઇ કાર્યવાહી કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ જ થઈ છે અને કોઇ પણ પ્રકારના નિયમોના ઉલ્લંઘનના આરોપો ભારત સરકાર ફગાવી દે છે.