ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ યથાવત છે, આ દરમિયાન હજારો ભારતીયો ઇઝરાયેલમાં ફસાયા છે. યુદ્ધભૂમિમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી ઉગારવા માટે સરકાર દ્વારા ઑપરેશન અજય લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે એ જ ઑપરેશન અજય હેઠળ ભારત અત્યાર સુધી પોતાના 1200 નાગરિકોને સફળતાપૂર્વક પરત લાવવામાં સફળ રહ્યું છે. આ સાથે જ કેટલાક નેપાળી નાગરિકોનું પણ ભારત તારણહાર બન્યું હતું.
અહેવાલો અનુસાર, ઑપરેશન અજય હેઠળ ભારત અત્યાર સુધીમાં 1200 ભારતીય નાગરિકોને તેમજ 18 જેટલા નેપાળી નાગરિકોને પરત લાવવામાં આવ્યા હોવાની માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારત સરકારે ઑપરેશન અજય હેઠળ 5 ઉડાનો ભરીને 1200 ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. બાગચીના જણાવ્યા અનુસાર આ ફ્લાઈટ્સમાં 18 નેપાળી નાગરિકોને પણ સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે.
#Watch | Delhi: On #OperationAjay, MEA spokesperson #ArindamBagchi says, "1200 Indians have come back in five flights under operation Ajay, including 18 Nepali nationals…" pic.twitter.com/YW1xlx80dy
— The Times Of India (@timesofindia) October 19, 2023
બાગચીએ આ વિશે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે ‘ઑપરેશન અજય’ હેઠળ હજુ પણ વધારાની ફ્લાઈટ્સ મોકલવા માટે તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગાઝામાં અંદાજે 4 લોકો ફસાયા હોવાની માહિતી છે પરંતુ અમારી પાસે પરફેક્ટ આંકડા ઉપલબ્ધ નથી, બીજી તરફ વેસ્ટ બેન્કમાં પણ 12-13 લોકો હતા. ગાઝામાં પરિસ્થિતિ ખૂબ જ વિપરીત છે જેના કારણે ત્યાં ફસાયેલા લોકોને પરત લાવવા પડકારજનક છે.
ગાઝામાં પરિસ્થિતિઓ વિપરીત, મોકો મળતા જ લોકોને પરત લાવીશું: બાગચી
ઉલ્લેખનીય છે કે ગુરુવાર (19 ઓકટોબર 2023)ના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “લોકોને સ્થાનાંતરિત કરવા માટે ગાઝાની પરિસ્થિતિઓ કપરી છે. વર્તમાન સમયમાં ત્યાં અંદાજે 4 લોકો ફસાયેલા છે પરંતુ આ આંકડો સ્પષ્ટ નથી. યુદ્ધ વચ્ચે લોકોને બહાર કાઢવા પડકારજનક છે, પરંતુ મોકો મળતાંની સાથે જ અમે ત્યાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી કરીશું.”
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જેવી યુદ્ધની સ્થિતિ વણસી કે તરત સરકારે ઑપરેશન અજય લૉન્ચ કરી દીધું હતું અને ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવા માંડ્યા હતા. આ ઑપરેશન હેઠળ અત્યાર સુધીમાં 1200 ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. બાકીના પણ જલ્દીથી પરત ફરશે. અત્યાર સુધીમાં પાંચ ફ્લાઇટ પરત ફરી ચૂકી છે અને હજુ અન્ય ફલાઈટો પણ રવાના કરવામાં આવશે.