દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. એક તરફ પૂર્વ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને સાંસદ સંજય સિંઘ જેવા નેતાઓ જેલભેગા થઈ ચૂક્યા છે તો બીજી તરફ હવે એજન્સીઓ આમ આદમી પાર્ટીને જ આ કેસમાં આરોપી બનાવવા માટે વિચારી રહી છે. આ બાબતની જાણકારી સોમવારે (16 ઓક્ટોબર) સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવી.
સુપ્રીમ કોર્ટમાં AAP નેતા મનિષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ઇડી અને સીબીઆઇ આ કેસમાં હવે આખી આમ આદમી પાર્ટીને જ આરોપી બનાવવાનું વિચારી રહી છે.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે મનિષ સિસોદિયા સામે આરોપો નક્કી કરવા માટે દલીલો હજુ સુધી કેમ શરૂ કરવામાં આવી રહી નથી અને વિલંબ શા માટે થઈ રહ્યો છે? કોર્ટે કહ્યું કે, આરોપીને અનિશ્ચિતકાળ માટે કસ્ટડીમાં રાખી શકાય નહીં. જેના જવાબમાં ASGએ કહ્યું હતું કે, એજન્સીઓ હવે પાર્ટીને પણ આ કેસમાં આરોપી બનાવવા માટે વિચાર કરી રહી છે.
કોર્ટે આ મામલે એજન્સીઓ પાસેથી વધુ સ્પષ્ટતા માંગી છે અને પૂછ્યું છે કે તે અલગ ગુનો હશે કે આ જ કેસમાં આરોપી બનાવવામાં આવશે. જેને લઈને ASGએ જણાવ્યું હતું કે, પાર્ટી સામે આરોપો અલગ હશે પણ ગુનો આ જ રહેશે. પરંતુ કોર્ટે આ મામલે વધુ સ્પષ્ટતા માંગી છે અને મંગળવારે (17 ઓક્ટોબર) વિગતવાર જવાબ આપવા માટે કહ્યું છે.
અગાઉ કોર્ટે ઈડીને પૂછ્યું હતું- પાર્ટીને લાભો પહોંચ્યા હોય તો આરોપી કેમ નથી?
બીજી તરફ, મનિષ સિસોદિયા તરફથી કોર્ટમાં રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી કે કોર્ટમાં આ બધું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી મીડિયામાં તેની ચર્ચા ચાલે અને હેડલાઈન બને. તેમણે કહ્યું કે, ASGનાં છેલ્લાં વાક્યોની હવે આવતીકાલનાં છાપાંમાં હેડલાઈન બનશે અને તે જ તેમનો મકસદ છે.
અહીં ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયાં પહેલાં મનિષ સિસોદિયાની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે ઈડીને પૂછ્યું હતું કે જો આમ આદમી પાર્ટીને લાભો મળ્યા હોય તો તે આરોપી કેમ નથી? જોકે, કોર્ટે પાર્ટીનું નામ લીધું ન હતું. કોર્ટે ટિપ્પણી કરીને કહ્યું હતું, ‘જ્યાં સુધી PMLAની (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) વાત છે તો તમારો આખો કેસ એ વાત પર આધારિત છે કે પૈસા એક રાજકીય પાર્ટીને પહોંચ્યા હતા. એ પાર્ટીને હજુ સુધી આરોપી બનાવવામાં આવી નથી. કઈ રીતે? તેમને (મનિષ સિસોદિયા) લાભ નથી પહોંચ્યો, રાજકીય પાર્ટીને પહોંચ્યો છે.” તે સમયે ASGએ જવાબ માગ્યો હતો પરંતુ હવે AAPને પણ આરોપી બનાવવા માટેની તૈયારી દર્શાવી છે.