ICC ક્રિકેટ વર્લ્ડ કપની લીગ મેચમાં પાકિસ્તાન સામે ભારતે જીત મેળવ્યા બાદ બિહારમાં કેટલાક યુવાનોએ ફટાકડા ફોડ્યા હતા. જેનો અમુક લોકોએ વિરોધ કરતાં વિવાદ સર્જાયો હતો, જે વધતો-વધતો હિંસક થઈ ગયો અને ફટાકડા ફોડવાનો વિરોધ કરનારા પક્ષે ફટાકડા ફોડી રહેલા યુવાનો પર તલવારો અને પથ્થરો વડે હુમલો કરી દીધો.
મળતી માહિતી અનુસાર, બિહારમાં આવેલા મુઝફ્ફરપુરના જૂની ગુદરી વિસ્તારમાં કેટલાક યુવાનો ભારત-પાકિસ્તાનની મેચ જોઈ રહ્યા હતા. આ મેચમાં જ્યારે ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત થઈ તો યુવાનો ઉત્સાહિત થઈ ગયા અને ફટાકડા ફોડવા લાગ્યા. જેને લઈને સામા પક્ષે હુમલો કરી દીધો હતો. યુવકોએ ફટાકડા ફોડી ઉજવણી કરતાં સામે પક્ષે રહેલા લોકો ગુસ્સે થઈ ગયા અને આ બધુ બંધ કરવાનું કહેવા લાગ્યા, જેના કારણે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો. આ દરમિયાન ફટાકડા ફોડવાનો વિરોધ કરતાં પક્ષે યુવાનો પર તલવારો અને પથ્થરો વડે હુમલો કરી દીધો.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે, ફટાકડા ફોડવાનો વિરોધ કરનારા પક્ષના લોકો દલીલ કરી રહ્યા હતા કે આ વિસ્તારમાં હ્રદયરોગના દર્દીઓ અને બાળકો રહે છે, તેથી અહીં ફટાકડા ન ફોડવા જોઈએ. આ વાતને લઈને વિવાદ વધુ વકર્યો હતો.
ફટાકડા ફોડવાનો વિરોધ કરી રહેલા લોકોએ ભારતની જીતની ઉજવણી કરતાં યુવાનો પર પથ્થરમારો પણ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં શુભમ નામના એક યુવકની આંગળી પણ કપાઈ ગઈ છે. આ સમગ્ર વિવાદની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે આ વિસ્તારમાં શાંતિ સમિતિને બેઠક કરી અને વિસ્તારમાં કેટલાક જવાનોને તૈનાત કર્યા છે. મુઝફ્ફરપુર પોલીસે X (અગાઉનું ટ્વિટર) પર આ મામલે નિવેદન જારી કર્યું છે. મુઝફ્ફરપુર પોલીસે કહ્યું છે કે, “ભારત-પાકિસ્તાન મેચ બાદ મિઠનપુરા પોલીસ સ્ટેશન હેઠળના ગુદરીમાં આનંદમાં ફટાકડા ફોડતી વખતે બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષો વચ્ચેનો વિવાદ શાંત કર્યો હતો.” પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે.
भारत-पाकिस्तान के मैच के उपरान्त मिठनपुरा थाना अंतर्गत गुदरी में हर्ष में पटाखा फोड़ने के क्रम में दो पक्षों के बीच विवाद हुआ।
— Muzaffarpur Police (@MuzaffarpurPol3) October 14, 2023
थाना की टीम द्वारा तत्काल मौके पर पहुंच कर दोनों पक्षों के विवाद को शांत कराया गया।
જે મેચને લઈને વિવાદ થયો હતો, તેમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને પહેલાં રમીને ભારતને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે 19.3 ઓવર બાકી રહેતા માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાન પર ભારતનો આ સતત આઠમો વિજય છે