પોર્ટુગીઝ ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ઈરાનમાં વ્યભિચાર (Adultry) બદલ સજા ફટકારવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા, જે મામલે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. ઈરાનના દૂતાવાસે કહ્યું છે કે રોનાલ્ડોને 99 કોરડા ફટકારવાના સમાચાર ખોટા છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર ઈરાનમાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય એથલીટને સજા નથી આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ફરી વાર ઈરાન જવા પર 99 કોરડા ફટકારવામાં આવી શકે છે, કારણકે તેમનો એક ઈરાની ચિત્રકારને ગળે મળતો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગયો હતો. રોનાલ્ડોનો આ ફોટો 18-19 સપ્ટેમ્બર 2023ની ઈરાન યાત્રા દરમિયાનનો જ છે.
આ યાત્રા દરમિયાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈરાનની દિવ્યાંગ મુસ્લિમ મહિલા ચિત્રકાર ફાતિમા હમામીને પોતાના ઓટોગ્રાફવાળી એક જર્સી આપી હતી. ત્યારબાદ તેને બાથ ભરી હતી અને તેના ગાલ પર એક ચુંબન પણ કર્યું હતું. ફાતિમાએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પગથી બનાવેલી કલાકૃતિઓ આપી હતી.
ઈરાન તરફથી સ્પેન સ્થિત દૂતાવાસે આપી સ્પષ્ટતા
આ પ્રકારના અહેવાલો સામે આવ્યા બાદ ઈરાનના દૂતાવાસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ અહેવાલો ખોટા છે અને મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. X (પહેલાનું ટ્વિટર) પર સ્પેનમાં સ્થિત ઈરાન દૂતાવાસે પોસ્ટ કરી હતી કે, “અમે ઈરાનમાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય એથલીટ વિરુદ્ધ કોઈ પણ અદાલતના નિર્ણય આપવાના આહેવાલોનું ખંડન કરીએ છીએ. આ પ્રકારના મનઘડત અહેવાલો પ્રકાશિત કરવા માનવતા વિરુદ્ધ થતા અપરાધો અને ઉત્પીડિત પેલેસ્ટાઇન રાષ્ટ્ર વિરુદ્ધના યુદ્ધ અપરાધો પર હાવી થઈ શકે છે.”
Desmentimos rotundamente la emisión de cualquier fallo judicial contra cualquier deportista internacional en Irán. Es motivo de preocupación que la publicación de noticias tan infundadas pueda eclipsar los crímenes de lesa humanidad y los crímenes de guerra contra la oprimida… pic.twitter.com/51xw40L7Gp
— Embajada de Irán en España (@IraninSpain) October 13, 2023
સ્પેનથી ઈરાની દૂતાવાસે આગળ લખ્યું કે, “તેના પર ધ્યાન આપવું જોઈએ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક ઓફિશિયલ ફૂટબોલ મેચ રમવા માટે 18 અને 19 સપ્ટેમ્બરના રોજ ઈરાનની યાત્રા કરી હતી. ત્યાં લોકો અને અધિકારીઓએ ખૂબ જ સારી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. ફાતિમા હમામી સાથે તેમની મુલાકાતની લોકો અને દેશના અધિકારીઓએ પ્રશંસા પણ કરી છે.”
ઈરાની મીડિયામાં અહેવાલો આવ્યા હતા કે અનેક ઈરાની વકીલોએ આ આચરણ બદલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિરુદ્ધ વ્યભિચારના આરોપમાં કેસ દાખલ કરાવ્યા છે. ઈરાનમાં ‘વ્યભિચાર’ના સંબંધમાં કડક કાયદા છે અને જે અનુસાર, કોઈ મહિલા સાથે પરપુરૂષ દ્વારા શારીરિક સંપર્કને વ્યભિચારની સમકક્ષ માનવામાં આવે છે.
દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની કોર્ટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ભવિષ્યમાં ઈરાન આવવા પર 99 કોરડા ફટકારવાની સજા આપવામાં આવી શકે છે. જોકે, એવું પણ કહેવામાં આવ્યું છે કે કોર્ટ આ સજા માફ પણ કરી શકે છે, પણ જો રોનાલ્ડોનો ઈરાદો ખરાબ ન હોય અને તે આના માટે માફી માંગે તો જ. જોકે હવે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કોઈ પ્રકારની સજા નથી આપવામાં આવી.