ગુજરાત પોલીસ સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પોતાનું અભિયાન ચલાવી રહી છે. કચ્છ, સુરત, અમદાવાદ, રાજકોટ જેવા ઘણા શહેરોમાંથી ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી છે. તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ પાછળ નથી. સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹34 લાખથી વધુના MD ડ્રગ્સ કેસમાં વધુ એક ધરપકડ કરી છે. અગાઉ આ જ કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ હતી. આ બંને આરોપીઓને ડ્રગ્સ મંગાવી આપનાર અંજુમબાનુ મેમણને પોલીસે મોસ્ટ વોન્ટેડ જાહેર કરી હતી. જ્યારે હવે ક્રાઇમ બ્રાન્ચને આ દિશામાં નવી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં સંડોવાયેલી મોસ્ટ વોન્ટેડ આરોપી અંજુમબાનુ રિઝવાન મેમણ (ઘણા અહેવાલોમાં ‘મેમન’) નામની મુસ્લિમ મહિલાની પણ ધરપકડ કરી છે. અંજુમબાનુ રિઝવાન મેમન અગાઉ ઝડપાયેલા આરોપી ઝાકિર પટેલની સાળી હોવાનું સામે આવ્યું છે.
Surat Drugs Case | સુરતમાં 34 લાખના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ મહિલા આરોપીની ધરપકડ #suratnews #Suratdrugscase #SuratPolice pic.twitter.com/Ww499TYFtx
— ABP Asmita (@abpasmitatv) October 11, 2023
આ પહેલાં આ જ કેસમાં મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકિર પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ સુરતના ભેસ્તાન આવાસમાંથી 341.650 ગ્રામ MD ડ્રગ્સ મળી આવતા કરવામાં આવી હતી. આ બંને આરોપીઓને પકડવા માટે પાડવામાં આવેલા દરોડામાં ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી એક રિવોલ્વર પણ કબજે કરી હતી. દરોડામાં આરોપી પાસેથી મળી આવેલા 300 ગ્રામ જેટલા MD ડ્રગ્સની અંદાજિત કિંમત 34 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. અન્ય એક આરોપી અંજુમબાનુની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલાં પણ પકડાયા હતા ડ્રગ્સ માફિયા
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં આ પહેલાં પણ નશાનો વેપલો કરતા ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાંદેર વિસ્તારનો કુખ્યાત ડ્રગ માફિયા ઈસ્માઈલ ગુર્જર 2022માં પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી 39 લાખના MD ડ્રગ્સ સાથે SOGના હાથે પકડાયો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને સુરતની જ લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેલમાં ગયા બાદ તેની બેગમ હિનાએ ઈસ્માઈલનો ડ્રગ્સનો કારોબાર હાથમાં લીધો હતો. પોલીસે વોચ ગોઠવીને તેની પણ ધરપકડ કરી હતી. આ ઘટના પછી ઈસ્માઈલ અને તેની પત્ની હિના જામીન લઈને ફરાર થઇ ગયા હતા. આરોપીઓ પરત ન ફરતા પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી અને ફરીવાર શોધીને જેલ ભેગા કર્યા હતા.
તે પહેલાં પોલીસે સુરતના પાંડેસરા અને અમરોલીમાં 4 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડયું હતું પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ઇનપુટ્સના આધારે ફૈઝલ મોમિન સહિત ચાર ઈસમોની ધરપકડ કરી લીધી હતી. જેમાં પૂછપરછ દરમિયાન ફૈઝલ મોમિનનો પરિચય આફતાબ પૂનાવાલા સાથે પણ હોવાનું સામે આવ્યું હતું. આફતાબ દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં ગુનેગાર છે. ફૈઝલ આફતાબની નજીકના માણસોમાંનો એક હતો. જેથી તે આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું અનુમાન પણ છે.