Saturday, November 23, 2024
More
    હોમપેજદેશન પંચનામું કર્યું, ન પોસ્ટમોર્ટમ….: બિહાર પોલીસે પુલ પરથી નદીમાં ફેંકી દીધો...

    ન પંચનામું કર્યું, ન પોસ્ટમોર્ટમ….: બિહાર પોલીસે પુલ પરથી નદીમાં ફેંકી દીધો અકસ્માતમાં માર્યા ગયેલા વ્યક્તિનો મૃતદેહ

    અકસ્માત બનતાં તેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી. પોલીસ સ્થળે પહોંચી તો ખરી પરંતુ ન તો તેનું પંચનામું કરવામાં આવ્યું કે ન મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની પ્રક્રિયા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.

    - Advertisement -

    બિહારમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં બિહાર સ્થિત મુજફ્ફરપુરમાં પોલીસે એક માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા વ્યક્તિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવાની જગ્યાએ સીધો નદીમાં ફેંકી દીધો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના મુજફ્ફરપુરના ફકુલી વિસ્તારમાં નેશનલ હાઇવે 22 પર બની હતી. અહીં એક રોડ એક્સિડન્ટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. તેઓ વાહન લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રકે ટક્કર મારી હતી અને ત્યારબાદ તેની નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું હતું. 

    અકસ્માત બનતાં તેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી. બિહાર પોલીસ સ્થળે પહોંચી તો ખરી પરંતુ ન તો તેનું પંચનામું કરવામાં આવ્યું કે ન મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની પ્રક્રિયા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. રિપોર્ટ્સ અનુસાર, પોલીસકર્મીઓ અમાનવીય રીતે પુલ પરથી મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો. 

    - Advertisement -

    પોલીસ કર્મચારીઓ આ બધું કરી રહ્યા હતા ત્યારે ત્યાં આસપાસ ઊભેલા લોકોએ તેનો વીડિયો બનાવી લીધો, જે પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. હાલ પોલીસની ખૂબ ટીકા થઈ રહી છે. 

    વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોહીલુહાણ મૃતદેહને પોલીસ કર્મચારીઓ પુલની રેલિંગ પરથી નીચે ફેંકી દે છે. આ માટે તેઓ દંડાનો ઉપયોગ કરે છે. જોકે, વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ અહેવાલો જણાવે છે કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે રાતોરાત મૃતદેહ કઢાવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. 

    આ મામલે SSP રાકેશ કુમારે મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે. પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, સ્થાનિક પોલીસને દુર્ઘટના વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો, પરંતુ અમુક અવશેષો રસ્તા પર રહી ગયા હતા, જેને નહેરમાં પ્રવાહિત કરવામાં આવ્યા હતા. જોકે, વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પોલીસકર્મીઓ આખા મૃતદેહને જ દંડાના સહારે પુલ પરથી ફેંકી રહ્યા છે. એક પોલીસકર્મી પગ પકડીને ઉઠાવે છે અને બીજો દંડાથી ધકેલીને પુલ નીચે નાખી દે છે. 

    જાણવા મળ્યું છે કે મૃતદેહ ફરીથી બહાર કાઢવામાં આવ્યો તેનો પણ સ્થાનિકોએ વીડિયો બનાવી લીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અનુસાર વાયરલ વીડિયોની તપાસ ચાલી રહી છે અને દોષી પોલીસ કર્મચારીઓ સામે સત્યતા અનુસાર કાયદાકીય રીતે તમામ કાર્યવાહી કરવામા આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં