ઇઝરાયેલ પર હમાસના વિનાશકારી આતંકી હુમલા બાદ સમગ્ર દેશ એક થઈ ગયો છે. ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાન અને હવે વિપક્ષના અગ્રણી નેતા નફ્તાલી બેનેટે સરકારને ખુલ્લુ સમર્થન આપ્યું છે અને યુદ્ધના મેદાનમાં જઈને આતંકીઓ વિરુદ્ધ લડવા માટે શસ્ત્રો ઉપાડ્યાં છે. તેઓ રિઝર્વ ડ્યુટી તરીકે સેનામાં જોડાયા છે. હાલ ઇઝરાયેલમાં વિપક્ષી નેતાઓ અને સરકાર વચ્ચે એક સંયુક્ત સરકાર બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ભારત સરકારે પણ ઇઝરાયેલને ખુલ્લું સમર્થન આપ્યું છે.
રિઝર્વ સૈનિકોને જોડાવાનો આદેશ
ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટ શનિવારે (7 ઓકટોબર, 2023)ના રોજ રિઝર્વ દળોમાં સામેલ થઈને આતંકીઓ સામે લડવા માટે મોરચા પર પહોંચી ગયા છે. તેમણે શનિવારે ઘોષણા કરી હતી કે આતંકવાદીઓએ દેશના વિસ્તારમાં ઘૂસણખોરી, ઇઝરાયેલી નાગરિકોની હત્યા અને અપહરણ કર્યા પછી હવે હમાસને ‘ખતમ’ કરવાનો સમય આવી ગયો છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF)એ આતંકવાદી હુમલાઓને પગલે રિઝર્વ સૈનિકોને બોલાવાની ઘોષણા કર્યાના થોડા કલાકો બાદ જ બેનેટને આર્મી રિઝર્વમાં સામેલ કરવામાં આવ્યા હતા.
Naftali Bennett, a former prime minister of Israel, arrives for reserve duty.
— Aviva Klompas (@AvivaKlompas) October 7, 2023
He has joined Israel’s soldiers on the frontlines to defend Israel. May he and all the soldiers stay safe.pic.twitter.com/2kuDAuazBy
સંયુક્ત સરકાર બનાવવા માટે ચર્ચા-વિચારણા
આવી કપરી સ્થિતિ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, વિપક્ષી નેતા યાયર લેપીડ અને નેશનલ યુનિટી પાર્ટીના નેતા બેની ગેટ્જે શનિવારે (7 ઓક્ટોબરે) હમાસના આતંકીઓએ વિનાશકારી હુમલો કર્યા બાદ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં વિપક્ષી નેતાઓ અને સરકાર વચ્ચે સંયુક્ત સરકાર બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. PM નેતન્યાહુએ આ વાતની પુષ્ટિ કરી હતી.
જો આ સરકાર રચાય તો એ 1967ના સિક્સ ડે વૉરના ફોર્મેટના આધારે જ રચવામાં આવશે. તે સમયે પણ યુદ્ધના એલાન બાદ સરકાર અને વિપક્ષ એક થઈ ગયા હતા. માત્ર 6 દિવસ ચાલેલા આ યુદ્ધમાં ઇઝરાયેલે એકસાથે ઇજિપ્ત, સીરિયા અને જૉર્ડન પર હુમલો કરીને તેમને ધૂળ ચાટતા કરી દીધા હતા. જોકે, ઈઝરાયેલના વિપક્ષી નેતાઓએ એમ પણ કહ્યું છે કે સંયુક્ત સરકાર ન પણ રચાય તોપણ તેમનું સરકારને પૂરેપૂરું સમર્થન રહેશે.
વિપક્ષી નેતા લેપિડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નેતન્યાહુને મળ્યો. મેં તેમને કહ્યું કે, આવી સ્થિતિમાં હું આપણા મતભેદોને બાજુ પર રાખીને એક ઇમરજન્સી અને પ્રોફેશનલ સરકાર બનાવવા માટે તૈયાર છું, જેથી આપણી સામે રહેલાં પડકારો અને જટિલ સૈન્ય ઑપરેશનો પાર પાડી શકાય.
તેમણે ઉમેર્યું કે, “ઇઝરાયેલ યુદ્ધની કગાર પર ઉભું છે. આ પરિસ્થિતિ સરળ પણ નહીં હોય અને એમ પણ નથી કે ટૂંક સમયમાં તેનો નિવેડો આવી જશે. ઘણાં વર્ષોમાં આવું ક્યારેય બન્યું નથી. આ યુદ્ધ એક કરતાં વધુ મોરચે લડાય તેવી પણ શક્યતા છે. આ સમયે સંયુક્ત સરકાર બનાવવાથી દુશ્મનોને પણ સંદેશ જશે કે આખો દેશ સેનાની પડખે ઉભો છે. સાથોસાથ વૈશ્વિક સમુદાયને પણ સંદેશ પહોંચશે કે ઇઝરાયેલ આવી સ્થિતિમાં એક છે.”
ઇઝરાયેલમાં ફરજિયાત લશ્કરી સેવા
નોંધનીય છે કે ઇઝરાયેલમાં ફરજિયાત સૈન્ય સેવાનો નિયમ છે. આ અંતર્ગત યુવક-યુવતીઓએ ચોક્કસ સમયગાળા માટે સેનામાં ફરજ બજાવવાની હોય છે. એટલું જ નહીં જ્યાં સુધી તેઓ ફિટ હોય ત્યાં સુધી તેઓને સમગ્ર જીવનમાં કોઈપણ સમયે ઈમરજન્સીની સ્થિતિમાં સેવા આપવા માટે બોલાવી શકાય છે. ઇઝરાયેલના તમામ નાગરિક માટે આ બંધનકર્તા નિયમ છે. આવી સ્થિતિમાં નફ્તાની બેનેટ પોતાની બીજી પ્રતિબદ્ધતાઓનું બહાનું કાઢીને બચી શક્યા હોત પરંતુ તેમણે દેશની સુરક્ષા પસંદ કરી અને ઈસ્લામિક આતંકવાદીઓ વિરુદ્ધ યુદ્ધમાં પોતાની સેના તરફથી કૂદી પડ્યા.