Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'મારો દીકરો ગુનેગાર નથી, આ કાર્યવાહી ખોટી': મંજુસરમાં તોફાન બાદ પાસામાં ધકેલી...

    ‘મારો દીકરો ગુનેગાર નથી, આ કાર્યવાહી ખોટી’: મંજુસરમાં તોફાન બાદ પાસામાં ધકેલી દેવાયેલ RSS કાર્યકર્તા નિલેશ પરમારના પરિવારને સાંભળો

    ઑપઇન્ડિયાએ નિલેશના માતા મધુબેન સાથે વાત કરતા તેઓએ વાતની શરૂઆતમાં જ કહ્યું કે તેમનો 26 વર્ષનો પુત્ર કોઈ પણ પ્રકારે ગુનેગાર નથી. તે RSSનો એક સ્વયંસેવક છે અને દેશ, ધર્મ અને સમાજ માટે હંમેશા અવાજ ઉઠાવતો રહે છે અને આગળ પડતો રહે છે.

    - Advertisement -

    તાજેતરમાં વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જન દરમિયાન ફરી એકવાર મુસ્લિમ ટોળાંએ હિંદુઓ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને સાથે જ ભગવાન ગણેશની મૂર્તિ પણ ખંડિત થઈ હતી. બંને પક્ષોએ પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોતાની કાર્યવાહી દરમિયાન સાવલીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યકર્તાની અટકાયત કરી હતી અને બાદમાં તેમને પાસા હેઠળ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જે બાબતે હિંદુ સંગઠનો અને સ્થાનિકોએ આ કાર્યવાહીને અયોગ્ય ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. તેવામાં ઑપઇન્ડિયાએ નિલેશ પરમારના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમનો પક્ષ જાણવા પ્રયત્ન કર્યો હતો.

    RSSના સ્વયંસેવક નિલેશ પરમાર સાવલી તાલુકાના ગોઠડા ગામના વતની છે. આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવે છે અને ગામના સરપંચ પણ મુસ્લિમ છે. ઑપઇન્ડિયા દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા અમારી વાત તેમના માતા મધુબેન ઠાકોરભાઈ પરમાર સાથે થઈ હતી. મધુબેનના અવાજમાં ઢીલાસ હતી અને તેઓ પોતાના પુત્ર સાથે થયેલ પાસાની કાર્યવાહીથી ડઘાયેલા હતા. તેઓએ પૂરી વાતચીત દરમિયાન એક વાતનું સતત રટણ કર્યું હતું કે તેમનો પુત્ર તદ્દન નિર્દોષ છે અને જે દિવસે આ ધમાલ થઈ એ દિવસે તે ઘટનસ્થળે હાજર જ નહોતો, એક સામાજિક પ્રસંગે બહાર ગયો હતો.

    ઘટનાસ્થળે નિલેશ હાજર જ નહોતો: નિલેશના માતા

    ઑપઇન્ડિયાએ નિલેશના માતા મધુબેન સાથે વાત કરતા તેઓએ વાતની શરૂઆતમાં જ કહ્યું કે તેમનો 26 વર્ષનો પુત્ર કોઈ પણ પ્રકારે ગુનેગાર નથી. તે RSSનો એક સ્વયંસેવક છે અને દેશ, ધર્મ અને સમાજ માટે હંમેશા અવાજ ઉઠાવતો રહે છે અને આગળ પડતો રહે છે. મધુબેને કહ્યું, “અમારું ગામ મુસ્લિમ બહુમતીવાળું છે અને સરપંચ પણ મુસ્લિમ છે. ગામ અને તાલુકામાં અવારનવાર હિંદુ-મુસ્લિમ વચ્ચે નાનામોટા ઘર્ષણ થતાં આવે છે. તેવામાં નિલેશ નાની ઉંમરમાં હિંદુઓ વચ્ચે પોતાના સેવાકાર્યોને કારણે જાણીતો ચહેરો બની ગયો છે. આ જોઈને સ્થાનિક રાજકીય આગેવાનોને તે કાંટાની જેમ ખૂંચવા લાગ્યો હતો. તેથી જ તેને અવારનવાર આ રીતે નિશાનો બનાવવામાં આવી રહ્યો છે.”

    - Advertisement -
    મંજુસરમાં RSS પાસા
    નિલેશ પરમારનો પરિવાર

    નિલેશની માતાએ આગળ જણાવ્યું કે, “આ પહેલીવાર નથી કે કોઇ ગુનામાં મારા દીકરાનું નામ કારણ વગર જોડી દેવાયું હોય. આ પહેલા પણ ઘણીવાર જુદી જુદી ફરિયાદોમાં નિલેશનું નામ ખોટી રીતે જોડી દેવામાં આવ્યું છે. પ્રાથમિક ફરિયાદમાં તેનું નામ નથી હોતું, પછી બાદમાં આરોપીઓના નિવેદનોમાં રાજકીય દબાણના કારણે તેનું નામ ઉમેરવામાં આવે છે.”

    અમે જ્યારે મંજુસરમાં થયેલ તોફાન વિશે વાત કરી તો તેઓએ જણાવ્યું કે, “જે દિવસે મંજુસરમાં તોફાન થયું હતું, તે જ દિવસે અને તે જ સમયે અમારા ફળિયામાં અમારા જ કુટુંબના સંગીતાબેન સંજયભાઈ પરમારનું મૃત્યુ થયું હતું. જેથી નિલેશ સહિત અમારો આખો પરિવાર અહીં લૌકિક ક્રિયામાં રોકાયેલું હતું. જ્યાં તોફાન થયું એ ઘટનાસ્થળે તો નિલેશ હાજર જ નહોતો. રાજકીય દબાણને વશ થઈને પોલીસ દ્વારા ખોટી રીતે તેનું નામ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે.”

    દીકરો RSSમાં હતો, છે અને રહેશે: માતા

    આગળ વાત કરતા કરતા પોતાના દિકરાને યાદ કરીને મધુબેન ભાવુક થઈ ગયા હતા. તેઓએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે તેમના દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેઓએ પોતાના દીકરા માટે ન્યાયની માંગ કરી હતી. છેલ્લે જ્યારે અમે તેમને RSS સાથે તેમના દીકરાના સંબંધની વાત કરી તો તેઓએ જણાવ્યું કે, “મારો દીકરો બાળપણથી RSSમાં જોડાયેલો હતો, હાલ પણ છે અને આગળ પણ રહેશે. RSSમાં રહીને તે સ્થાનિક લોકો માટે અનેક સેવાના કાર્યો કરતો આવ્યો છે જેના પર એમને ગર્વ છે.”

    મુસ્લિમબહુલ ગામમાં મુસ્લિમ સરપંચ દ્વારા અવારનવાર હેરાનગતિ

    ઑપઈન્ડિયાએ નિલેશના સગા મોટા ભાઈ કેવલ પરમાર સાથે પણ વાત કરી હતી. તેમણે પણ એ જ જણાવ્યું કે તેમના ભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. કેવલે જણાવ્યું કે, “આ પહેલા 2021માં એકવાર નિલેશ દ્વારા ગોઠડા ગામમાં RSSના પથસંચલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે પણ સ્થાનિક મુસ્લિમો અને મુસ્લિમ સરપંચ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે અમારા ગામમાં RSSની યાત્રા ના નીકળવી જોઈએ. તે વખતે પણ નિલેશને ખુબ પરેશાન કરવામાં આવ્યો હતો.”

    કેવલે આગળ જણાવ્યું કે, “સ્થાનિક હિંદુ સમાજ  અને હિંદુ યુવાનોમાં ધીમે ધીમે નિલેશ પોતાના સેવાકાર્યોને લઈને લોકપ્રિય થઈ રહ્યો હતો. સાવલી જેવા મુસ્લિમબહુલ વિસ્તારમાં તે RSSના કાર્યનો વ્યાપ વધારી રર્યો હતો. જેના કારણે ઘણા લોકોને આંખમાં તે કાંટાની જેમ ખૂંચી રહ્યો હતો. જેથી તેને અવારનવાર ખોટા ખોટા કેસમાં ફસાવવાના અનેક પ્રયાસ થયા હતા.”

    છેલ્લે તેઓએ જણાવ્યું કે ભલે ગમે તે થાય પરંતુ તેઓ હાર નહીં માને અને પોતાના ભાઈને ન્યાય અપાવવા દરેક ન્યાયિક રસ્તે લડાઇ ચાલુ રાખશે. 

    ‘મંજુસરની ઘટનામાં નિલેશ સંમેલિત હતો કે નહીં તેની તપાસ ચાલુ છે’- PSI, સાવલી

    આ પહેલા ઑપઇન્ડિયાએ આ ઘટનાને લઈને સ્થાનિક સાવલી પોલીસ સ્ટેશનમાં પણ વાત કરી હતી. સ્થાનિક પોલીસે નિલેશ પરમારની ધરપકડ અને પાસાની પુષ્ટિ કરી હતી. સાથે જ PSI અનિરુદ્ધ કામળિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “મંજુસરની ઘટનામાં નિલેશ સંમેલિત છે કે નહીં તેની હાલ તપાસ ચાલુ છે. પરંતુ બંને પક્ષોની સામસામેની ફરિયાદમાં તેનું નામ આવતાં અને એક જ પ્રકારના 3થી વધુ ગુનામાં નામ આવવાને કારણે તેને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે.”

    ગણેશ વિસર્જન યાત્રા પર મુસ્લિમોએ કર્યો હતો પથ્થરમારો

    ગુરૂવારે (28 સપ્ટેમ્બર, 2023) વડોદરાના સાવલી તાલુકાના મંજુસરમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં અમુક હિંદુઓને ઈજા પહોંચી તો ગણેશજીની પ્રતિમા પણ ખંડિત થઈ હતી. આ મામલે પોલીસે 18 ઇસમો સામે નામજોગ અને બાકીના 30 લોકોનાં ટોળાં સામે FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, પથ્થરમારો કરનારા 5 આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા હોવાનું અહેવાલો મારફતે જાણવા મળ્યું છે. 

    ઘટના સાવલીના મંજુસર ગામમાં બની હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે ઘરોનાં ધાબાં પરથી મોઢે માસ્ક પહેરેલા તોફાનીઓ પથ્થરો ફેંકે છે. જે મકાન પરથી પથ્થરો ફેંકવામાં આવ્યા ત્યાં ઇસ્લામિક પોસ્ટરો પણ લગાવવામાં આવેલાં જોવા મળે છે. જાણવા મળ્યા અનુસાર, આ પથ્થરબાજો હાલ ફરાર છે, જેને શોધવાના પ્રયાસો ચાલુ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં