દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક આદેશ આપ્યા બાદ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમનું દિલ્હી સ્થિત સરકારી નિવાસસ્થાન ખાલી કરવું પડશે. કોર્ટે કહ્યું કે રાજ્યસભા તરફથી ફાળવણી રદ થઈ ગયા બાદ અને તેમને અપાયેલો વિશેષાધિકાર પરત લેવામાં આવ્યા બાદ પણ રાઘવ ચઢ્ઢાને તેને કબજામાં રાખવાનો કોઈ નિહિત અધિકાર નથી.
આ આદેશ આપતાંની સાથે જ દિલ્હીની કોર્ટે પોતાનો અગાઉનો વચગાળાનો આદેશ પરત લઇ લીધો હતો, જેમાં રાજ્યસભા પર આ મામલે નિયમિત પ્રક્રિયા વગર કોઇ કાર્યવાહી કરવા પર રોક લગાવવામાં આવી હતી. જેથી હવે રાજ્યસભા પોતાની રીતે રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ આ મામલે કાર્યવાહી કરી શકશે અને તેમને નિવાસસ્થાન ખાલી કરવા માટે કહી શકશે.
AAP MP #RaghavChadha Has No Vested Right To Occupy Govt Bungalow After Cancellation Of Allotment: Delhi Court | @nupur_0111 @AamAadmiParty @raghav_chadha https://t.co/AOUuCOUSB0
— Live Law (@LiveLawIndia) October 6, 2023
કોર્ટે કહ્યું કે, “અરજદાર (રાઘવ ચઢ્ઢા) એવો દાવો ન કરી શકે કે રાજ્યસભાના પોતાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન નિવાસસ્થાન પરનો કબજો પોતાની પાસે રાખવાનો તેમને પૂરેપૂરો અધિકાર છે. સરકારી નિવાસસ્થાનની ફાળવણી માત્ર અરજદારને આપવામાં આવેલ એક વિશેષાધિકાર હતો અને તેની ફાળવણી રદ થઈ ગયા પછી પણ કબજો પોતાની પાસે રાખવાનો તેમને કોઇ નિહિત અધિકાર મળતો નથી.”
આ સાથે કોર્ટે રાઘવ ચઢ્ઢાના વકીલની એ દલીલ પણ ફગાવી દીધી જેમાં કહેવામાં આવ્યું હતું કે એક વખત સંસદ સભ્યને નિવાસસ્થાનની ફાળવણી કરવામાં આવે પછી કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી તેને રદ ન કરી શકાય.
શું છે મામલો?
વાસ્તવમાં સપ્ટેમ્બર, 2022માં રાઘવ ચઢ્ઢાને દિલ્હીમાં ટાઈપ-7 બંગલો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે માર્ચમાં તેમને કહેવામાં આવ્યું કે ટાઇપ-7 તેમના હોદ્દા કરતાં વધુ છે અને જેથી આ ફાળવણી રદ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સામે રાઘવ ચઢ્ઢા કોર્ટ પહોંચ્યા હતા. મામલાની સુનાવણી કરતાં કોર્ટે 18 એપ્રિલના રોજ વચગાળાનો આદેશ આપીને રાજ્યસભા સચિવાલય પર રાઘવ ચઢ્ઢાના નિવાસસ્થાન બાબતે કાર્યવાહી કરવા પર રોક લગાવી હતી.
રાજ્યસભા સચિવાલયે આ આદેશ સામે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી અને દલીલ કરી કે ચઢ્ઢાને વચગાળાની રાહત આપતી વખતે સિવિલ પ્રોસીજર કોડની (CPC) કલમ 80(2)નું પાલન કરવામાં આવ્યું ન હતું. જણાવવામાં આવ્યું કે, સરકાર વિરુદ્ધ તત્કાલ રાહતની માંગ કરતો કેસ સરકારને આપવી પડતી જરૂરી 2 મહિનાની નોટિસ આપ્યા વગર પણ CPCની આ કલમ હેઠળ કોર્ટની અનુમતિથી શરૂ કરી શકાય છે પરંતુ સરકાર કે પબ્લિક ઓફિસરને પહેલાં સાંભળવા જરૂરી છે.
જેની ઉપર કોર્ટે નોંધ્યું કે, સચિવાલયને કલમ 80(2) હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ રાઘવ ચઢ્ઢાને વચગાળાની રાહત આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેઓ એ પુરવાર ન કરી શક્યા કે આ કેસમાં કયા પ્રકારની તત્કાલ રાહતની જરૂર છે, જે માટે સીપીસીની કલમ હેઠળ તેમને છૂટ આપી શકાય. કોર્ટે કહ્યું કે, નિશ્ચિત રીતે આ રેકોર્ડ પરની ત્રુટિ છે અને તેને ઠીક કરવી જરૂરી છે. તદનુસાર, તારીખ 18 એપ્રિલ, 2023નો આદેશ પરત લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢાને જે બંગલો ફાળવવામાં આવ્યો તે સામાન્ય રીતે એવા સાંસદો માટે હોય છે જેઓ રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય છે. રાઘવે આમાનું એક પણ પદ ભોગવ્યું નથી, જેથી તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમની ફાળવણી રદ કરવામાં આવી છે. પરંતુ ત્યારબાદ તેઓ કોર્ટ ગયા હતા પણ હવે કોર્ટે પણ તેમને રાહત આપી નથી.