વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે (5 ઓક્ટોબર, 2023) રાજસ્થાનના પ્રવાસે હતા. અહીં તેમણે કરોડોનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં તેમજ એક ભારતીય જનતા પાર્ટીની સભા પણ સંબોધી હતી. આ દરમિયાન સંબોધનમાં પીએમ મોદીએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’ ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ કહ્યું, “મેં સાંભળ્યું છે કે એક ફિલ્મ આવી છે- ‘ધ વેક્સિન વૉર’. મેં સાંભળ્યું છે કે ભારતમાં કોવિડ સામે લડાઇ લડવા માટે આપણા દેશના વૈજ્ઞાનિકોએ જે રાત-દિવસ મહેનત કરી, પોતાની લેબમાં એક ઋષિની જેમ સાધના કરી અને તેમાં મહિલા વૈજ્ઞાનિકોએ પણ અદ્ભુત કામ કર્યું…આ તમામ બાબતોને આ જ અઠવાડિયે આવેલી ફિલ્મ ‘વેક્સિન વૉર’માં દર્શાવવામાં આવી છે.’
#WATCH | Jodhpur, Rajasthan: "I have heard that a film 'The Vaccine War' has come. The scientists of our country worked hard day and night to fight COVID-19 in India…All these things have been shown in that film… I congratulate the makers of this film for giving importance to… pic.twitter.com/XQvUc6Ne9O
— ANI (@ANI) October 5, 2023
આગળ તેમણે કહ્યું કે, “ફિલ્મ જોયા બાદ દરેક ભારતીયને ગર્વ થઈ રહ્યો છે કે આપણા વૈજ્ઞાનિકોએ આવું કામ કર્યું હતું. ચંદ્રયાન પહોંચે છે વૈજ્ઞાનિકો પ્રત્યે ગૌરવ વધે છે, વેક્સિન બને છે તો વૈજ્ઞાનિકો માટે ગર્વ થાય છે. દેશની યુવા પેઢી આજે વૈજ્ઞાનિકોનાં કામને સમજવા માંગે છે. તેમણે ઉમેર્યું કે, હું ફિલ્મ બનાવનારાઓને પણ શુભેચ્છાઓ આપું છું. તમે આ ફિલ્મ બનાવીને દેશના વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનને મહત્વ આપ્યું, આવનારી પેઢીને આ બહુ કામ આવશે.”
ઉલ્લેખનીય છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા વિવેક અગ્નિહોત્રીની આ નવી ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’ ગત શુક્રવારે દેશભરનાં થિયેટરોમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મ દર્શાવવામાં આવ્યું છે કે ભારતે કઈ રીતે કોરોના મહામારી સામે લડવા માટે સ્વદેશી રસી બનાવી અને વૈજ્ઞાનિકોના સામર્થ્યએ કઈ રીતે મુશ્કેલ કામ પણ પાર પાડ્યું હતું. આ સાથે ફિલ્મમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતને રોકવા માટે શું-શું કાવતરાં કરવામાં આવ્યાં હતાં.
વડાપ્રધાન રાજસ્થાનના જોધપુરમાં અનેક યોજનાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે બે નવી ટ્રેનોને રવાના કરી તો IIT બ્લોકનું પણ લોકાર્પણ કર્યું. તેમણે રસ્તા, સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબંધિત અનેક પ્રોજેક્ટ્સની આધારશિલા પણ રાખી. કાર્યક્રમ બાદ તેમણે એક વિશાળ જનસભા સંબોધી હતી અને રાજસ્થાન સરકારની ખામીઓ ગણાવીને સીએમ ગેહલોત પર પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, આજે સરકારી કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત નહીં આવ્યા કારણ કે તેમને વિશ્વાસ છે કે મોદી આવશે તો બધું ઠીક કરી દેશે. હું ગેહલોતજીને કહેવા માંગીશ કે તમે વિશ્રામ કરો, અમે સંભાળી લઈશું.