Thursday, April 25, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજનભારતના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ, દેશવિરોધી એજન્ડા ચલાવનારાઓની પોલ...

  ભારતના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ, દેશવિરોધી એજન્ડા ચલાવનારાઓની પોલ ખોલતી ફિલ્મ: કેમ જોવી જોઈએ ‘ધ વેક્સિન વૉર’?- વિસ્તૃત સમીક્ષા

  ફિલ્મ એટલા માટે જોવી જોઈએ જેથી ખબર પડે કે માત્ર રૉકેટ ઉડાવનારાઓ જ વૈજ્ઞાનિક નથી હોતા. આ ફિલ્મ એટલા માટે જુઓ જેથી તમને પણ ખબર પડે કે તમારા ‘સેલિબ્રિટી’ કોણ હોવા જોઈએ. આ ફિલ્મ એટલા માટે જુઓ જેથી ખબર પડે કે પરંપરાગત ભારતીય પરિધાન પહેરનારી મહિલાઓ વિજ્ઞાનના શિખર પર પહોંચી શકે. ફિલ્મ એટલા માટે જોવી જોઈએ જેથી એ જાણી શકાય કે જેને તમે પત્રકાર સમજો છો તેઓ ખરેખર છે નહીં.

  - Advertisement -

  ભારતની સામાન્ય જનતાની ખાસિયત એ છે કે તેઓ બહુ જલ્દી બધું ભૂલી જાય છે. જે કોરોના વાયરસે દેશમાં 5.31 લાખ લોકોના જીવ લીધા તેને આપણે કેટલા જલ્દી ભૂલી ગયા! જોકે, દુઃખોને માણસ જેટલો જલ્દી ભૂલી જાય એટલું સારું છે, નહીંતર વ્યક્તિ એ જ વિચારમાં ડૂબેલો રહેશે અને તેની ઉત્પાદકતા પર પણ અસર પડશે. પરંતુ દુઃખના સમયે કોણે પોતાના ફાયદા માટે તમારું વધુ નુકસાન કર્યુ અને તમારા દુઃખને વધારવા માટે કેવાં કાવતરાં કર્યાં- આ બધું ભૂલવું ન જોઈએ. ‘ધ વેક્સિન વૉર’ ભારતની મહિલા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓને દુનિયાની સામે લાવે છે તો બીજી તરફ એ ચહેરાઓને પણ બેનકાબ કરે છે જેમણે દુઃખના સમયે દેશવિરોધી એજન્ડા ચલાવ્યો હતો. 

  અહીં હું ‘ધ વેક્સિન વૉર’ની વાર્તા વિશે કાંઈ પણ જણાવ્યા વગર જ તેની સમીક્ષા તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તમે સીધા શબ્દોમાં પૂછશો કે ‘ધ વેક્સિન વૉર’ કેમ જોવી જોઈએ? તો જવાબ છે કે આસપાસ ઘટતી એ વાસ્તવિકતા જાણવા માટે ફિલ્મ જરૂર જુઓ, જેની આપણને ખબર પણ નથી હોતી અને તેની સારી-નરસી અસર આપણી ઉપર પડે છે. આ સીધો જવાબ થયો, હવે વિગતવાર જોઈએ. 

  આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ જેથી ખબર પડે કે માત્ર રૉકેટ ઉડાવનારાઓ જ વૈજ્ઞાનિક નથી હોતા. આ ફિલ્મ એટલા માટે જુઓ જેથી તમને પણ ખબર પડે કે તમારા ‘સેલિબ્રિટી’ કોણ હોવા જોઈએ. આ ફિલ્મ એટલા માટે જુઓ જેથી ખબર પડે કે પરંપરાગત ભારતીય પરિધાન પહેરનારી મહિલાઓ વિજ્ઞાનના શિખર પર પહોંચી શકે. ફિલ્મ એટલા માટે જોવી જોઈએ જેથી એ જાણી શકાય કે જેને તમે પત્રકાર સમજો છો તેઓ ખરેખર છે નહીં. ફિલ્મ એટલા માટે જોવી જોઈએ જેથી આપણને પણ ખબર પડે કે આપણા દેશમાં સારાં કામો થતાં રોકવા માટે ગદ્દારો પણ બેઠા છે. 

  - Advertisement -

  ‘ધ વેક્સિન વૉર’ સમીક્ષા: નિર્દેશક, ફિલ્મની વાર્તા અને એક્ટરોનું પરફોર્મન્સ 

  ‘ધ વેક્સિન વૉર’ની વાર્તા વિશે એટલું ચોક્ક્સ કહી શકાય કે તે ક્યાંય પણ કંટાળાજનક લાગતી નથી. ફર્સ્ટ હાફમાં ફિલ્મ ઝડપથી આગળ વધતી જણાય છે અને તમારી ખુરશીની પેટી બાંધી રાખે છે. સેકન્ડ હાફમાં પાત્રો પાસેથી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવામાં આવ્યું છે. 2008ના મુંબઈ હુમલા પર બનેલી રામગોપાલ વર્માની ફિલ્મ ’26/11’ બાદ આ ફિલ્મમાં નાના પાટેકરનું પરફોર્મન્સ સર્વશ્રેષ્ઠ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં તેમનો ‘વિન્ટેજ’ અવતાર જોવા મળે છે. 

  ફિલ્મમાં વધુ નાટકીયતા નથી. ફિલ્મને ‘સત્ય વાર્તા’ કહીને પ્રચારિત કરવામાં આવી હતી અને આ ટેગ સાથે ન્યાય પણ કરે છે. ઘટનાઓ જેવી બની હોય તેવી જ દર્શકો સામે રજૂ કરવાની કળા વિવેક અગ્નિહોત્રી અગાઉ પણ પ્રદર્શિત કરી ચૂક્યા છે અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં પણ તેઓ પોતાની આ કળાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. 

  ફિલ્મના એક દ્રશ્યમાં ધ્યાનથી જોવામાં આવે તો પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામની તસવીર દીવાલ પર લટકેલી જોવા મળે છે. આવી નાની-નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. નાના પાટેકરને જોઈને લાગે છે કે તેમણે પોતાનું જ પાત્ર ભજવ્યું છે. ICMRના ચીફ તરીકે તેમનો અભિનય વાસ્તવિક છે અને સાથેસાથે તેમની જે જૂની સ્ટાઈલ છે તે પણ બરકરાર રહી છે. તેમનો અભિનય પ્રભાવશાળી છે. તેઓ જે કોઇ દ્રશ્યમાં હોય તેમાં તમારી નજર તેમની ઉપર જ રહેશે. ફિલ્મ જોઈને લાગે છે કે બૉલીવુડે નાના પાટેકરની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કર્યો નથી, બાકી તેમની પાસે મનોરંજન જગતને આપવા માટે ઘણું બધું છે. 

  ભારતીય ફિલ્મોમાં હંમેશા બેકગ્રાઉન્ડ મ્યુઝિકને લઈને ફરિયાદ રહે છે પરંતુ વિવેક અગ્નિહોત્રીએ આ ઓછા બજેટની ફિલ્મમાં પણ જે રીતે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કર્યો છે તે પ્રશંસનીય છે. ફિલ્મ બહુ ગંભીર ન બની જાય તે માટે ટુકડા-ટુકડામાં કોમેડી પણ છે. મોટી વિશેષતા હોય તો ફિલ્મના સંવાદો છે. ડાયલૉગ્સ એવા છે કે અલગ-અલગ પાત્રોને તેમનાં રોલ અને પરિસ્થિતિ પ્રમાણે આપવામાં આવ્યા છે. તકનીકી રીતે ફિલ્મ આટલા ઓછા બજેટમાં બની હોવા છતાં સમૃદ્ધ છે. 

  મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન, એજન્ડાધારીઓની પોલખોલ 

  ‘ધ વેક્સિન વૉર’નાં અન્ય પાત્રોની વાત કરીએ તો મુખ્ય છે પલ્લવી જોશીનું પાત્ર. ‘ધ તાશકંત ફાઇલ્સ’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં તેઓ નકારાત્મક રોલ કરે છે પરંતુ આ ફિલ્મમાં તેમણે NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી)નાં ડાયરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમનું પાત્ર ભજવ્યું છે. હિન્દી સ્પષ્ટ ન બોલી શક્તા આ પાત્રને તેમણે જીવંત કરી દીધું છે. જે જોઈને તેમના અનુભવ અને પ્રતિભા વિશે ખ્યાલ આવે છે, સાથોસાથ તેમના અભિનયની વિવિધતા પણ. 

  ફિલ્મમાં એક રોચક પાત્ર છે- રાઈમા સેનનું, જેમણે ‘રોહિણી સિંહ ધુલિયા’ નામક પત્રકારનો રોલ નિભાવ્યો છે. વિદેશથી ફન્ડિંગ લાવનારી પત્રકાર, સ્વદેશી વેક્સિનને બદનામ કરનારી પત્રકાર, ભારત પર ‘વિશ્વગુરૂ’ને લઈને કટાક્ષ કરતી પત્રકાર, ભારત દરેક મોરચે નિષ્ફળ જાય તેવી કામના કરતી પત્રકાર, રમખાણો પર રોટલા શેકતી પત્રકાર, આતંકવાદીઓની હિમાયત કરતી પત્રકાર અને પોતાના એજન્ડા આગળ કોઈનું પણ ન સાંભળતી પત્રકાર. આવા પત્રકારો વિશે તમે પણ જાણો જ છો, ખાસ કરીને જેઓ ટ્વિટર કે યુ-ટ્યૂબનો નિયમિત ઉપયોગ કરતા હોય. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાની વાત કરી ચૂક્યા છે અને તેમની સરકારમાં વિજ્ઞાનનું બજેટ પણ વધારવામાં આવતું રહ્યું છે. ફિલ્મમાં તેમની વૈજ્ઞાનિક વિચારસરણી પણ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે જાણવા મળશે. હવે સરકારી ઑફિસોની, સરકારી બાબુઓની અને સરકારી વિભાગોની કાર્યશૈલી બદલાઈ ગઈ છે, આ બદલાવને પણ ‘ધ વેક્સિન વૉર’ મોટા પડદે બખૂબી રજૂ કરે છે. 

  ફિલ્મમાં ઋગ્વેદના નાસદીય સૂક્તનો હિંદી અનુવાદ ‘સૃષ્ટિ પહેલાં કશું જ ન હતું’નો એકદમ સટીક જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મમાં ભારતીય વૈજ્ઞાનિકોના સામાન્ય જીવન વિશે પણ જાણવા મળશે, કે તેમના પણ પરિવારો હોય છે, વ્યક્તિગત સંઘર્ષો હોય છે. 

  ‘ધ વેક્સિન વૉર’ સમીક્ષા- અંતિમ ટિપ્પણી 

  કોરોના કાળ યાદ કરશો તો યાદ આવશે કે પત્રકારો અને બુદ્ધિજીવીઓની એક મોટી ટોળકીએ વિદેશી વેક્સિનનો પક્ષ લીધો હતો. તેમણે વ્યાપક દુષ્પ્રચાર દ્વારા ભારતીય વેક્સિનને નીચી દેખાડી હતી, જ્યારે ભારતે ન માત્ર પોતાના લોકોને વેક્સિનના 200 કરોડ ડોઝ લગાવવામાં સફળતા મેળવી, પરંતુ 101 દેશોને સ્વદેશી વેક્સિન પૂરી પણ પાડી. બીજી તરફ, દિલ્હી જેવાં રાજ્યો હતાં, જ્યાંની AAP સરકારે આ કઠિન સમયમાં ઓક્સિજન વગેરે બાબતોમાં કેન્દ્ર સરકારને હેરાન કરી હતી. 

  આ એ જ સમય હતો જ્યારે WHO પર પણ સવાલો ઉઠ્યા હતા. ચીન વિરુદ્ધ આ સંસ્થા કાંઈ પણ કહેતાં બચતી રહી, જ્યારે દુનિયાને ડરાવવાના પ્રયાસ કર્યા અને ‘કૉવેક્સિન’ને માન્યતા આપવામાં મોડું કર્યું. કોરોનાને ચીની વાયરસ ગણાવનારા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા. ચીનની વુહાન લેબથી વાયરલ લીક થવાની વાતો કરનારાઓને ગાયબ કરી દેવામાં આવ્યા. ભારતમાં હિંદુઓના અંતિમ સંસ્કારની તસવીરો આંતરરાષ્ટ્રીય મીડિયામાં વેચવામાં આવી અને સ્મશાનમાં બેસીને વીડિયો બનાવાયા. 

  આ વાસ્તવિકતાઓને ‘ધ વેક્સિન વૉર’ ન માત્ર મોટા પડદે દેખાડે છે, પરંતુ અનેક સવાલોના જવાબો પણ આપે છે. ચીનપરાસ્ત વામપંથી ગેંગની પોલ ખોલતી આ ફિલ્મ દર્શાવે છે કે કઈ રીતે વેક્સિન નિર્માણમાં ડગલેને પગલે આપણા જ લોકો દ્વારા પેદા કરવામાં આવતી અડચણોને પાર કરીને આપણા વૈજ્ઞાનિકોએ કશુંક કરી દેખાડ્યું હતું.

  એક તરફ જ્યાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક સમજને ન્યાય અપાવવા માટેનું અભિયાન હતી, ‘ધ વેક્સિન વૉર’ દેશની એક ઉપલબ્ધિ અને તે માટે કામ કરનારાને ઓળખ અપાવવાનો એક પ્રયાસ છે. ત્યાં પીડા હતી, અહીં ગર્વ છે. ત્યાં ઇસ્લામી આતંકવાદ પર ખુલીને પ્રહાર કરવામાં આવ્યો હતો, અહીં પત્રકારોની એક ટોળકીને લઈને લોકોને સજાગ કરવામાં આવ્યા છે. અંતે, દરેક ફિલ્મ સાથે વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનની ધાર કઈ રીતે નીકળી રહી છે, તે બાબતના સાક્ષી બનવા માટે પણ આ ફિલ્મ- ‘ધ વેક્સિન વૉર’ અચૂક જોવી જોઈએ.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં