અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તાર આવેલી કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાજ શીખવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. મંગળવારે (3 ઓક્ટોબરે) વાલીઓ અને હિંદુ સંગઠોનેએ સ્કૂલમાં જઈને આ મામલે વિરોધ કર્યો હતો. જે બાદ શાળાએ પોતાના લેટરપેડ પર લેખિતમાં માફી માંગી હતી અને આવી ઘટના ભવિષ્યમાં નહિ થાય એવી બાંહેધરી આપી હતી. પરંતુ ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું અને ટોળાંએ સ્કૂલના મ્યુઝિક શિક્ષકને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને જિલ્લા શિક્ષણાધિકારીએ પણ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ સમગ્ર ઘટના વચ્ચે હવે કેલોરેક્સ સ્કૂલને તાળાં લાગેલા જોવા મળી છે.
અમદાવાદની Kalorex Future Schoolનો નમાજ અદા કરાવ્યાનો Video Viral થતા વિવાદ, હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ
— Gujarat Tak (@GujaratTak) October 3, 2023
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલ વિવાદોમાં સપડાઈ છે. સ્કૂલ દ્વારા ઈદના તહેવાર પર બાળકો પાસેથી નમાજ પઢાવતા વિવાદ થયો છે અને હિન્દુ સંગઠનો દ્વારા… pic.twitter.com/6lPlmZ8BLV
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારની આ શાળા વિદ્યાર્થીઓને નમાજ શીખવવાને લઈને વિવાદમાં પડ્યા બાદ વાલીઓ અને હિંદુ સંગઠન રોષે ભરાયા હતા. આ બાબતે વાલીઓ અને હિંદુ સંગઠનોએ સ્કૂલની ઓફિસમાં જઈને આચાર્ય સાથે વાત કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જે બાદ સ્કૂલે માફીપત્ર પણ લખ્યો હતો. આ ઘટના બાદ તારીખ 4 ઓકટોબર 2023ના રોજ શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેલોરેક્સ સ્કૂલને એક દિવસ માટે તાળાં મારવામાં આવ્યા છે. સ્કૂલના સંચાલકોએ વાલીઓને મેસેજ કરીને જાણ પણ કરી દીધી છે, જેમાં અગમ્ય કારણોસર બંને પાળીમાં શાળા બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
મ્યુઝિક શિક્ષકને ઘેરીને ટોળાએ માર માર્યો
રોષે ભરાયેલા વાલીઓ અને લોકોએ કલ્ચરલ એક્ટિવિટીના નામે આવા કાર્યક્રમ કરાવતા મ્યુઝિક શિક્ષકને પણ માર માર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળતું હતું કે એક વ્યક્તિએ અચાનક દોડી આવીને શિક્ષકને થપ્પડ મારી દીધી હતી, બાદમાં આસપાસમાં ઉભેલા લોકોએ શિક્ષકને પકડીને લાફાવાળી કરી હતી.
ઘાટલોડિયાની Kalorex Future School માં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા હિંદુ સંગઠનો અને વાલીઓએ કર્યો હોબાળો
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 4, 2023
કલ્ચરલ એક્ટિવિટીના નામે હિંદુ વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા હતા નમાજ
વિવાદ મોટો થતો જોઈને કેલોરેક્સ શાળાએ માંગી માફી. કહ્યું, ‘ગંભીર ભૂલ થઈ ગઈ'#Ahmedabad #namaz… pic.twitter.com/7wKTwhhAoK
શિક્ષક બચવા માટે દોડતા જોવા મળતા હતા પણ ટોળુ તેને ફરી ઘેરીને માર મારતું હતું. આવા સમયે પોલીસ બચાવવા માટે દોડે છે અને શિક્ષકને ક્લાસરૂમમાં મોકલી બચાવવામાં આવે છે.
જે કાર્યવાહી કરવાની થાય તે કરો: શિક્ષણમંત્રી, DEOએ સ્કૂલને નોટિસ પણ ફટકારી
તમામ ઘટનાંને લઈને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું કે, ધાર્મિક શિક્ષણ નહીં પણ હકીકતમાં જે શિક્ષણ આપવાનું છે તેના પર ધ્યાન આપો. તેમણે ઉમેર્યું હતું કે DEO સાથે વાત થઈ છે અને જે કાર્યવાહી કરવાની થાય તે કરવા નિર્દેશ આપ્યો છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં જણાવ્યું છે કે આપની શાળાના વાયરલ થયેલા વિડીયોમાં જે ધાર્મિક લાગણીને લાગણીને ઠેસ પહોંચાડી શકે છે, બાળકના માનસ પર વિપરીત અસર થઈ શકે છે, જે બદલ આપ શું કહેવા માંગો છો?
સ્કૂલે લેખિતમાં માફી માંગી
હિંદુ સંગઠનો અને વાલીઓના રોષને જોઈ શાળાએ બાળકોને નમાજ શીખવવા બદલ લેખિતમાં માફી માંગી છે. શાળાએ લખેલા માફીપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ગત 29 સપ્ટેમ્બર, 2023ના શુક્રવારના રોજ અમારી સ્કૂલ દ્વારા નમાજનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને નમાજની પદ્ધતિ શીખવવામાં આવી હતી.
વિદ્યાના મંદિરમાં નમાજ
— Jay Acharya ( VTV NEWS ) (@AcharyaJay22_17) October 3, 2023
અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવાતો વીડિયો થયો વાયરલ
વીડિયોને લઈ હિંદુ સંગઠનોએ સ્કૂલે હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવ્યો
અમે માફી પત્ર આપ્યું છે – આચાર્ય , કેલોરેક્ષ સ્કૂલ#Ahmedabad #Namaj #ViralVideo pic.twitter.com/T0B1mDInrf
ત્યારબાદ વાલીઓ અને હિંદુ સંગઠનો દ્વારા ઘટનાની નોંધ લઇ સ્કૂલના વ્યવસ્થાપક સાથે વાત કરતાં અમને ઘટનાની ગંભીરતા અને ભૂલ સમજાઈ હતી. અમે આ પત્ર દ્વારા વાલીઓ અને હિંદુ સંગઠનોની માફી માંગીએ છીએ અને ફરી આવી ભૂલ ન થાય તેની કાળજી રાખવાની બાહેંધરી આપીએ છીએ.”
હિંદુ બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે આ ઘટના ઈદના દિવસે બની હતી. ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હિંદુ બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. શાળા દ્વારા આ આખા કાર્યક્રમને ‘કલ્ચરલ એક્ટિવિટી’નું નામ આપવામાં આવ્યું હતું. વિડીયો શાળામાં ભણતા હિંદુ વિદ્યાર્થીઓના વાલીઓના ધ્યાને આવતાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી તરફ, હિંદુ સંગઠનોના ધ્યાને પણ ચડતાં મામલો વધુ ગરમાયો હતો.