વડાપ્રધાન મોદીની લોકચાહના દેશ અને વિદેશમાં પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા બધા કાર્યક્રમ અને સભાઓમાં PM મોદીને અવનવા ઉપહારો અને ભેટ આપવામાં આવે છે. તેમના વિદેશી મહેમાનો અને અન્ય લોકો પણ PM મોદીને ગિફ્ટ આપે છે. હવે આ મળેલી ભેટોની હરાજી કરવામાં આવશે, જેથી લોકો સુધી PM મોદીની નિશાની પહોંચી શકશે અને તેમાંથી થતી આવક દેશના કલ્યાણકારી કાર્યોમાં કામ લાગશે. આ તમામ ઉપહારોને NGMA (નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટસ)માં પ્રદર્શિત કરવામાં આવશે અને તેમાંથી થતી આવક ‘નમામિ ગંગે’ પરિયોજના હેઠળ વાપરવામાં આવશે.
દુનિયાના મુખ્ય નેતાઓમાં સામેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અવારનવાર મિત્ર દેશો તરફથી ભેટ મળે છે. PM મોદીને તેમના વિદેશ પ્રવાસ દરમિયાન અથવા તો કોઈ વિદેશી મહેમાન જ્યારે ભારત આવે ત્યારે ભેટ પ્રાપ્ત થાય છે. PM મોદી પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ આ ભેટ અને ઉપહારોની હરાજી કરે છે અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતની કલ્યાણકારી યોજનાઓમાં કરે છે. હવે PM મોદીએ ભેટોની હરાજીનું પાંચમું સંસ્કરણ શરૂ કર્યું છે. આ વખતે PM મોદીને મળેલી 900થી વધી ભેટોનું ઈ-ઓક્શન થઈ રહ્યું છે.
PM મોદીને મળેલી ભેટો હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટસમાં મૂકવામાં આવી છે. જેમાં PMને મળેલી 900થી વધુ ભેટો સામેલ છે. આ ભેટોમાં ગુજરાતના મોઢેરામાં આવેલા સુર્ય મંદિર અને ચિત્તોડગઢના વિજય સ્તંભની પ્રતિકૃતિઓ અને વારાણસી ઘાટનું ચિત્ર પણ સામેલ છે. હરાજીમાં ₹100 થી ₹64 લાખની કિંમતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ હરાજી સોમવારથી (2 ઓક્ટોબરથી) શરૂ થઈ છે અને 31 ઓકટોબરે સમાપ્ત થશે.
મળેલી આવકનો થશે સદુપયોગ
PM મોદીને મળેલી ભેટો અને સ્મૃતિ ચિહ્નોની હરાજી દ્વારા થતી તમામ આવક ભારત સરકારની ‘નમામિ ગંગે’ પરિયોજનામાં આપવામાં આવશે. PM મોદીએ આ ઈ-ઓક્શન માટે સંદેશ પણ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “હાલના દિવસોમાં મને આપવામાં આવેલા ઉપહારો અને સ્મૃતિ ચિહ્નોની એક વિશાળ શૃંખલા પ્રદર્શિત કરવામાં આવશે. ભારતના અનેક કાર્યક્રમોમાં મને આપવામાં આવેલા ઉપહાર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને કલાત્મક ધરોહરનું પ્રમાણ છે. હંમેશાની જેમ આ વસ્તુઓની હરાજી કરવામાં આવશે અને પ્રાપ્ત આવક નમામિ ગંગે પરિયોજનાનું સમર્થન કરશે. અહિયાં તમારી પાસે તેને પ્રાપ્ત કરવાનો મોકો છે. લોકોએ વધારે જાણવા માટે NGMAની જરૂર મુલાકાત લેવી જોઈએ.” સાથે PM મોદીએ જે લોકો ત્યાં રૂબરૂ જઈ શકે તેમ ના હોય તે લોકો માટે વેબસાઈટ લિંક પણ શેર કરી છે.
Starting today, an exhibition at the @ngma_delhi will display a wide range of gifts and mementoes given to me over the recent past.
— Narendra Modi (@narendramodi) October 2, 2023
Presented to me during various programmes and events across India, they are a testament to the rich culture, tradition and artistic heritage of… pic.twitter.com/61Vp8BBUS6
ચાર વખત થઈ ચૂકી છે હરાજી
ઉલ્લેખનીય છે કે PM મોદીને મળેલી ભેટોની અત્યાર સુધીમાં ચાર વખત હરાજી થઈ ચૂકી છે. નોંધનીય છે કે છેલ્લા ચાર તબક્કામાં 7,000થી વધુ વસ્તુઓ ઈ-ઓક્શન માટે મૂકવામાં આવી હતી. જ્યારે આ વખતની હરાજીમાં 912 ભેટોનો સમાવેશ થાય છે. જેમાં પરંપરાગત અંગવસ્ત્ર, શાલ, તલવાર વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
ગુજરાતના CM તરીકે મળેલી ભેટોની પણ થતી હતી હરાજી
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પરંપરા અને પહેલ નવી નથી, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળેલી તમામ ભેટોની હરાજી કરતાં હતા. તેમણે આ પ્રથા શરૂ કરી હતી અને હરાજીમાં પ્રાપ્ત થતાં નાણાનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવતો હતો. સચિવાલયમાં વર્ગ ચારના કર્મચારીઓની દીકરીઓ માટે તેઓ સહાય કરતા હતા. આ ઉપરાંત જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ તેમણે જે પણ બચત કરી હતી તે તમામ નાણાઓ પણ કન્યા કેળવણી માટે દાનમાં આપી દીધા હતા.
જો કે આ જ પ્રથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાળવી રાખી હતી. તેમને પણ ભેટની હરાજી કરી નાણા દાન કરી દીધા હતા. એ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પરંપરા જાળવી રાખી છે. તેમણે નિર્ણય લીધો હતો કે તેમને જે પણ ભેટ સોગાદો મળે છે તે તમામ ભેટોની હરાજી કરવામાં આવશે અને તે નાણાનો ઉપયોગ સચિવાલયમાં વર્ગ ચારના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ અને કેળવણી માટે વાપરવામાં આવશે.