કોંગ્રેસ નેતા અર્ચના ગૌતમ સાથે નવી દિલ્હીના કોંગ્રેસ કાર્યાલય બહાર મારપીટ કરવામાં આવી હોવાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. બિગબોસ-16નો હિસ્સો રહી ચૂકેલી અભિનેત્રી અર્ચનાએ કોંગ્રેસમાં જોડાઈને વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. આ સિવાય કોંગ્રેસે તેમને પ્રિયંકા ગાંધીના અભિયાન ‘લડકી હું, લડ સકતી હું’નો ચહેરો પણ બનાવ્યાં હતાં. તેવામાં હવે પાર્ટીના જ કાર્યાલય બહાર, પાર્ટીના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસનાં આ મહિલા નેતા અને તેમના વૃદ્ધ પિતા સાથે મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની નેતા અર્ચના ગૌતમ સાથે કોંગ્રેસ કાર્યાલય બહાર મારપીટ થયાના આ વિડીયોમાં જોઈ શકાય છે કે ટોળું અર્ચના અને તેમના પિતા સાથે ધક્કામુકી સાથે મારામારી કરી રહ્યું છે. આ દરમિયાન મહિલા નેતાના વૃદ્ધ પિતા જમીન પર ફસડાઈ પડે છે. આ સમયે અર્ચના ગૌતમ પોતાના પિતા માટે પાણી માંગતા આજીજી કરી રહ્યાં છે, પરંતુ એક પણ વ્યક્તિ તેમને પાણી નથી આપી રહ્યું. આ વિડીયોમાં તેમને બૂમબરાડા પાડતાં પણ જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્ચન ગૌતમ સંસદમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ, 2023’ પાસ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યાં હતાં.
Bigg Boss 16 fame Archana Gautam and her father were allegedly beaten by the karyakartas of the Congress party.
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) September 29, 2023
They were stopped from entering the party office and were beaten at the gate itself.
Archana, who is a big supporter of the Congress party, was trying to enter the… pic.twitter.com/GeYV6YHfnl
આ દરમિયાન તેમની સાથે આ મારપીટની ઘટના ઘટી હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ આ કાયદો પાસ કરવામાં આવ્યો છે, જે બાદ હવે લોકસભા તેમજ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33% અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અર્ચના ગૌતમ વિશે વાત કરવામાં આવે તો તેઓ સોશિયલ મીડિયાથી માંડીને ગ્રાઉન્ડ લેવલ સુધી સક્રિય રહીને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કરતા આવ્યાં છે. વર્ષ 2022માં તેઓ ઉત્તરપ્રદેશના મેરઠના હસ્તિનાપુરથી ચૂંટણી લડ્યાં હતાં, જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
નોંધનીય છે કે બિગબોસ સિવાય અર્ચના ગૌતમ ‘ખતરો કે ખિલાડી’ નામના અન્ય એક રિયાલિટી શોમાં પણ જોવા મળ્યાં હતાં. તો બીજી તરફ અર્ચના સાથે થયેલા દુર્વ્યવહાર બાદ ભાજપ પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આ મામલે કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલયની બહાર અર્ચના ગૌતમ અને તેમના પિતા સાથે મારામારી કરી છે, તે એક માત્ર આવી ઘટના નથી. પૂનાવાલાએ કોંગ્રેસી નેતા અલ્પના વર્મા સાથે કોંગ્રેસના જ નેતાઓ દ્વારા દારૂ પીને કરવામાં આવેલા દુર્વ્યવહારનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે યાદ અપાવ્યું કે કેવી રીતે કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં પણ મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી રહી છે.