પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભયાનક બૉમ્બ બ્લાસ્ટ થતાં 50થી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યારે બીજા પચાસથી વધુને નાની-મોટી ઈજા પહોંચી છે. જેમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે, તેને જોતાં મૃતકોનો આંકડો હજુ પણ વધવાની આશંકા છે.
આ ઘટના શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં બની. અહીં એક મસ્જિદ પાસે લોકો પયગંબર મોહમ્મદના જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી ગઈ. આ આત્મઘાતી હુમલો હોવાનું કહેવાય છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઇ પણ સંગઠને તેની જવાબદારી લીધી નથી.
હુમલાને પગલે બલૂચિસ્તાનની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ઘાયલોને સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. આ હુમલામાં મસ્તુંગના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) નવાઝ ગશ્કોરી પણ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, સ્યુસાઈડ બોમ્બરે પોલીસ અધિકારીની કાર નજીક જ બ્લાસ્ટ કર્યો હતો. તે સમયે અધિકારી કારમાં હાજર હતા.
હુમલા બાદના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા રહ્યા છે, જેમાં રસ્તાની આસપાસ વિખેરાયેલા મૃતદેહો અને કપાયેલાં અંગો જોવા મળે છે. ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, બ્લાસ્ટને પગલે કરાંચી સહિતના શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ માટે કરાંચી પોલીસે સૂચનાઓ પણ જારી કરી છે.
BREAKING: At least 52 people were killed and over 50 were injured in a suicide blast near a mosque in 🇵🇰 Pakistan's Balochistan province.#Pakistan #Balochistan #Blast pic.twitter.com/eNW8f5yKNY
— Defence Capsule (@defencecapsule) September 29, 2023
સ્થાનિક હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું કે, હાલ ઇજાગ્રસ્ત લોકોનની સારવાર કરવામા આવી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજા પામ્યા હતા, જેમને ક્વેટાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલના CEOએ કહ્યું કે, મૃતદેહો અને ઇજાગ્રસ્તોને લાવવા-લઇ જવાનો સિલસિલો સતત ચાલુ છે.
બલૂચિસ્તાન પાકિસ્તાનની પશ્ચિમમાં આવેલો દેશનો સૌથી મોટો પ્રાંત છે, જેની અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલી છે. અહીં અવારનવાર હુમલાની ઘટના બનતી રહે છે. જેને તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ISIS જેવાં ઈસ્લામિક આતંકવાદી સંગઠનો અંજામ આપતાં રહ્યાં છે. જોકે, આ હુમલાને લઈને તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું કહેવું છે કે આની પાછળ તેમનો હાથ નથી.
હાલ બલૂચિસ્તાનની પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પાકિસ્તાનમાં તાજા ભૂતકાળમાં જ અનેક બ્લાસ્ટ્સ નોંધાઈ ચૂક્યા છે.