શિવસેનાનું નામ-નિશાન ધ્વજ સંકટમાં આવી ગયા છે, આજે શિવસેનામાં થયેલા બળવાને કારણે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર મુશ્કેલીમાં છે. આ વખતે બળવો કોઈ અંદરનાએ નહીં પણ બહારના લોકોએ કર્યો છે. બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના પગ નીચેથી જમીન સરકાવી દીધી છે. આવી સ્થિતિમાં શિવસેનામાં બળવાખોરી વચ્ચે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ શુક્રવારે આ વિવાદમાં એન્ટ્રી મારતા શિવસેનાનું નામ-નિશાન ધ્વજ સંકટમાં આવતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.
મહારાષ્ટ્રમાં જ્યાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના પતનની આરે પહોંચી ગઈ છે. તે જ સમયે, રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ પોસ્ટર વોર કરતા શિવસેનાને ટોણો માર્યો હતો. મનસેએ પોસ્ટરમાં પૂછ્યું છે કે, હવે તમે કેવું અનુભવો છો? શિવસેના પર ટોણો મારતા આ હોર્ડિંગ મુંબઈના સાકીનાકા વિસ્તારમાં લગાવવામાં આવ્યું છે.
મરાઠીમાં પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “તે સમયે અમારા નગરસેવકોને ફોડવામાં આવ્યા હતા. હવે કેવું લાગે છે?” મહેન્દ્ર ભાનુશાળીનું નામ પણ પોસ્ટરમાં છે. નોંધનીય છે કે ભૂતકાળમાં રાજ્યમાં લાઉડસ્પીકર પર અઝાન આપવાના મુદ્દે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સામસામે આવી ગયા હતા. એવું માનવામાં આવે છે કે હિન્દુત્વની વિચારધારાને કચડી નાખ્યા પછી શિવસેનાની રાજકીય પરિસ્થિતિને કારણે દાજ્યા પર ડામ દેવાનું કામ મનસે દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અઝાન વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ ગયા મહિને 4 મેના રોજ જાહેરાત કરી હતી કે રાજ્યમાં જ્યાં પણ લાઉડસ્પીકર પર અઝાન થશે, ત્યાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સાયલન્સ ઝોન દ્વારા સ્કૂલ કે હોસ્પિટલના નામે હિંદુ તહેવારો પર પ્રતિબંધ છે, પરંતુ મસ્જિદોને આવા પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જો કે હાલનો વિવાદ એ છે કે એકનાથ શિંદે જે એક સમયે શિવસેનાના ખાસ હતા તેઓ પાર્ટીથી નારાજ થઈને તેમની સાથે ધારાસભ્યોના જુથ સાથે ગુવાહાટી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સહિત કુલ 50 ધારાસભ્યો પણ અત્યાર સુધી તેમના સમર્થનમાં આવી ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરે સામે પક્ષનું નામ, ચિન્હ, ઝંડાનો રંગ અને તેના ચિન્હોની પણ ચર્ચા થઈ છે.