Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણજૂનમાં પુતિન સામે બળવો, ઓગસ્ટમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ: જાણો કઈ રીતે એક...

    જૂનમાં પુતિન સામે બળવો, ઓગસ્ટમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ: જાણો કઈ રીતે એક કૂક યેવગેની પ્રિગોઝિન બન્યા રશિયન વેગનર આર્મીના વડા

    રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી તાસ (TASS) અનુસાર, દુર્ઘટના સમયે 3 ક્રૂ મેમ્બર સહિત કુલ 10 લોકો વિમાનમાં હતા. ફ્લાઇટમાં લગભગ અડધો કલાક, પ્લેનમાં આગ લાગી અને એક ખેતરમાં તૂટી પડ્યું. મૃતકોમાં દિમિત્રી ઉત્કિનનું નામ પણ સામેલ છે. દિમિત્રી વેગનર આર્મીના સહ-સ્થાપક અને ટોચના કમાન્ડર હતા.

    - Advertisement -

    રશિયામાં વિમાન દુર્ઘટનામાં યેવગેની પ્રિગોઝિનનું (Yevgeny Prigozhin Dead in plane crash) મૃત્યુ થયું છે. તે વેગનર આર્મીના (Wagner Group) ચીફ હતા. રશિયાની આ ખાનગી સેનાએ આ વર્ષના જૂનના અંતમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વિરુદ્ધ બળવો કર્યો હતો. પુતિને તેને ‘પીઠમાં છરો’ ગણાવ્યો હતો.

    અહેવાલો અનુસાર, પ્રિગોઝિન બુધવારે (23 ઓગસ્ટ 2023) મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યા હતા. પરંતુ તેમનું વિમાન મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં કુઝેનકિનો ગામમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં કુલ 10 લોકો સવાર હતા. અકસ્માતમાં દરેકના મોત થયા હતા. અકસ્માતના કારણો હજુ જાણવા મળ્યા નથી. એજન્સીઓ તપાસમાં લાગેલી છે.

    રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી તાસ (TASS) અનુસાર, દુર્ઘટના સમયે 3 ક્રૂ મેમ્બર સહિત કુલ 10 લોકો વિમાનમાં હતા. ફ્લાઇટમાં લગભગ અડધો કલાક, પ્લેનમાં આગ લાગી અને એક ખેતરમાં તૂટી પડ્યું. મૃતકોમાં દિમિત્રી ઉત્કિનનું નામ પણ સામેલ છે. દિમિત્રી વેગનર આર્મીના સહ-સ્થાપક અને ટોચના કમાન્ડર હતા.

    - Advertisement -

    પુતિન સામે પોકાર્યો હતો બળવો

    જૂન 2023 માં, યેવગેની પર પુતિન સામે બળવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના ભાડૂતી સૈનિકોએ રશિયાના કેટલાક શહેરો પર કબજો જમાવ્યો. યેવગેનીએ રશિયાના સંરક્ષણ મંત્રાલય પર સેના દ્વારા સામાન્ય લોકોની હત્યા જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

    રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યેવગેનીના પગલાથી ખૂબ નારાજ હોવાનું જણાયું હતું. તેને સખત સજા આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જૂન 2023 માં જ, બેલારુસ દ્વારા મધ્યસ્થી કરાયેલા કરારમાં, યેવગેની સામે નોંધાયેલ કેસ પાછો ખેંચી લેવાનું કહેવામાં આવ્યું હતું.

    કોણ હતો યેવગેની પ્રિગોઝિન?

    રશિયન સેના સામે મોરચો ખોલ્યા બાદ ચર્ચામાં આવેલા આ યેવગેની વિક્ટોરવિચ પ્રિગોઝિનનું જીવન બહુ સામાન્ય હતું. પરંતુ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની નિકટતાના કારણે તે અહીં સુધી પહોંચ્યો અને આજે તેમની જ સેના સામે મોરચો ખોલીને બેઠો. 

    પ્રિગોઝિનનો જન્મ વર્ષ 1961માં, રશિયાના બીજા સૌથી મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો. નાની ઉંમરે અવળા ધંધાના રવાડે ચડી જવાના કારણે તેને એક ચોરી અને ફ્રોડના કેસમાં 13 વર્ષની સજા થઇ હતી, પણ પછી 9 વર્ષ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ એ સમય હતો જ્યારે સોવિયેત યુનિયનનું વિઘટન થયું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રિગોઝિને તેના શહેરમાં જ હોટડોગ વેચવાનું શરૂ કર્યું હતું. ધંધામાં સારી કમાણી થતી ગઈ તો તેણે એક રેસ્ટોરન્ટ ખોલી દીધી. 

    પુતિનના રસોઈયા તરીકે ઓળખાતો પ્રિગોઝિન 

    ધીમેધીમે યેવગેનીની રેસ્ટોરન્ટની લોકપ્રિયતા આકાશને આંબવા માંડી અને એક સમયે એટલી પ્રખ્યાત થઇ ગઈ કે વ્લાદિમીર પુતિનની પણ તે પ્રિય જગ્યા બની ગઈ. તે સમયે પુતિન સેન્ટ પીટર્સબર્ગના ડેપ્યુટી મેયર હતા. તેઓ અવારનવાર પ્રિગોઝિનની રેસ્ટોરન્ટ પર આવતા-જતા રહેતા હતા. એટલું જ નહીં, 2000માં રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ પુતિને આ શિરસ્તો જાળવી રાખ્યો હતો. બીજી તરફ, પ્રિગોઝિને પણ હોટેલનું કદ વધાર્યું હતું. 

    પુતિન રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રિગોઝિનને તેમના નજીકના માણસ હોવાનો લાભ મળતો રહ્યો અને તેના કારણે તેના ધંધામાં પણ તેજી આવી. તેને સરકારના કોન્ટ્રાક્ટ પણ મળવા માંડ્યા તો અન્ય પણ વિશેષ લાભ મળતા. જેના કારણે તે પુતિનના રસોઈયા તરીકે ઓળખાવા માંડ્યો હતો. 

    2014માં સ્થાપ્યું હતું વૈગનર જૂથ 

    વર્ષ 2014માં રશિયાએ યુક્રેનના પૂર્વ ભાગ પર આક્રમણ કર્યું ત્યારે રશિયાની સેનાને મદદ કરવા માટે પ્રિગોઝિને એક પ્રાઇવેટ આર્મી ગ્રુપની સ્થાપના કરી હતી. એ જ ગ્રુપ એટલે વૈગનર. રશિયન સેનામાં તેનો કોઈ હોદ્દો ન હોવા છતાં વગ વાપરીને તેણે રક્ષા મંત્રાલય પાસેથી જમીન લઇ લીધી હતી, જ્યાં તે તેના લડાયકોને ટ્રેનિંગ આપી શકે. 

    વૈગનર ગ્રુપને પુતિનની શૅડો આર્મી પણ કહેવાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ જૂથે આફ્રિકા અને પૂર્વ મધ્યમાં પણ રશિયન સેનાના ઓપરેશનોમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. 2017 બાદ વૈગનરે સુદાન, મધ્ય આફ્રિકા, લિબિયા વગેરે દેશોમાં પણ પોતાના સૈનિકો તહેનાત કર્યા હતા. દરમ્યાન, યેવગેનીએ પોતાના સમૂહનો વિસ્તાર વધારવાનું ચાલુ રાખ્યું અને શક્તિશાળી બનતો રહ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં