Wednesday, July 17, 2024
More
  હોમપેજદુનિયા'મામલો ગંભીર પણ ભારત સરકારની તપાસ આવકાર્ય': આતંકીની હત્યાના કથિત ષડ્યંત્ર મામલે...

  ‘મામલો ગંભીર પણ ભારત સરકારની તપાસ આવકાર્ય’: આતંકીની હત્યાના કથિત ષડ્યંત્ર મામલે અમેરિકી વિદેશ મંત્રી બ્લિન્કન, વ્હાઈટ હાઉસે કહ્યું- બંને દેશોના સંબંધોને કોઇ અસર નહીં થાય

  પન્નુની હત્યા માટેના કથિત ષડ્યંત્રના આરોપોના તાજા ઘટનાક્રમ વિશે નિવેદન આપતાં બ્લિન્કને ભારત દ્વારા લેવાયેલા આ મામલામાં તપાસની જાહેરાત કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, તે એકદમ યોગ્ય અને આવકાર્ય છે.

  - Advertisement -

  અમેરિકાએ તાજેતરમાં ભારતીય મૂળના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંઘ પન્નુની હત્યા માટે રચવામાં આવેલું કાવતરું નિષ્ફળ બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો. આ તથાકથિત ષડ્યંત્રનો આરોપ એક ભારતીય ‘અધિકારી’ અને ભારતીય મૂળના અન્ય એક વ્યક્તિ નિખિલ ગુપ્તા પર લગાવવામાં આવ્યો છે. જે મામલે ભારત સરકારે તપાસના આદેશ આપ્યા છે, તો બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ (ભારતના વિદેશ મંત્રીના સમકક્ષ) એન્ટની બ્લિન્કને આ મામલે નિવેદન આપ્યું છે.

  પન્નુની હત્યા માટેના કથિત ષડ્યંત્રના આરોપોના તાજા ઘટનાક્રમ વિશે નિવેદન આપતાં બ્લિન્કને ભારત દ્વારા લેવાયેલા આ મામલામાં તપાસની જાહેરાત કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, તે એકદમ યોગ્ય અને આવકાર્ય છે. તેમણે ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ઉમેર્યું હતું કે, “(ભારત) સરકારે આજે જાહેરાત કરી છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તે બરાબર અને યોગ્ય છે. અમે હવે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.”

  તેમણે આગળ જણાવ્યું કે, “જ્યાં સુધી ભારતની વાત છે, આ એક કાયદાકીય બાબત છે. જેથી તમે પણ સમજી શકો તેમ છો કે હું વિગતવાર ટિપ્પણીઓ નહીં કરું શકું. હું એટલું કહીશ કે આ બાબતને અમે ગંભીરતાથી લઇ રહ્યા છીએ. છેલ્લાં અમુક અઠવાડિયામાં અમેરિકાએ સીધી રીતે ભારત સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. સરકારે આજે જાહેરાત કરી છે કે તેઓ તપાસ કરી રહ્યા છે, જે સ્વાગતયોગ્ય છે અને હવે અમે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.”

  - Advertisement -

  દરમ્યાન, વ્હાઈટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “ભારત અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર રહેશે અને તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની દિશામાં કામ ચાલુ રાખશે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યા છે. આગળ કહ્યું કે, “ભારતે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે તે જાણીને આનંદ થયો છે. અમે એ બાબતે સ્પષ્ટ છીએ કે આ કથિત ગુનામાં જે કોઇ પણ જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.”

  થોડા સમય પહેલાં જ અમેરિકાના એક અખબારના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે USએ પોતાની ધરતી પર ગુરપતવંત સિંઘ પન્નુની હત્યા કરવાના એક પ્લોટને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો કે ભારત સરકારના એક અધિકારીએ નિખિલ ગુપ્તા નામના એક ભારતીય નાગરિકને પન્નુની સોપારી આપી હતી.

  ઉલ્લેખનીય છે કે બુધવારે (29 નવેમ્બર, 2023) અમેરિકાના ન્યાય વિભાગે કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં તેની પર ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નુ પર હત્યાના ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટે એક ભારતીય અધિકારી પર પણ આરોપ લગાવ્યો હતો કે એને આતંકી પન્નુની કથિત સોપારી આપી હતી. જોકે, અધિકારીના નામનો ફોડ પાડવામાં આવ્યો નથી અને તેમના સ્થાને CC-1 લખવામાં આવ્યું છે. USનો દાવો છે કે તેઓ ભારત સરકારની એજન્સીના કર્મચારી છે, જેઓ સિક્યુરિટી મેનેજમેન્ટ અને ઇન્ટેલિજન્સ માટે જવાબદાર છે.

  ભારત સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે (30 નવેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “જ્યાં સુધી વાત USની કોર્ટમાં દાખલ થયેલા એક વ્યક્તિ સામેના કેસની છે, જેમની ઉપર ભારતીય અધિકારી સાથે સંબંધ ધરાવવાનો આરોપ છે, આ ચિંતાની બાબત છે. અમે કહી ચૂક્યા છીએ કે આ સરકારની પોલિસીની પણ વિરુદ્ધ છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ, ટ્રાફિકિંગ, ગન રનિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કટ્ટરપંથીઓ કાયદાકીય એજન્સીઓ અને સંસ્થાઓ માટે એક ગંભીર સમસ્યા સર્જે છે અને આ કારણે એક ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સી બનાવવામાં આવી છે, જે રિપોર્ટ આપશે.”

  આ પહેલાં કેનેડાએ લગાવ્યા હતા આરોપ

  અહીં નોંધવું જોઈએ કે, આ પહેલાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પણ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા મામલે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેના જવાબમાં ભારતે આકરી પ્રતિક્રિયા આપી કેનેડાના 40 જેટલા રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. જે બાદ કેનેડાએ પણ નરમી દાખવતાં ભારત સરકાર સાથેના સારા સબંધોની વાત કરી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં