Monday, April 22, 2024
More
  હોમપેજદુનિયાખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો...

  ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો ભારતીય ‘અધિકારી’ પર: સરકારે કહ્યું- મામલો ગંભીર, તપાસ કરી રહ્યા છીએ

  આ તાજો ઘટનાક્રમ બુધવારનો (29 નવેમ્બર, 2023) છે. અમેરિકાના ન્યાય વિભાગે કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, અધિકારીના નામનો ફોડ પાડવામાં આવ્યો નથી અને તેમના સ્થાને CC-1 લખવામાં આવ્યું છે.

  - Advertisement -

  ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ ફરી ચર્ચામાં છે. ગયા અઠવાડિયે અમેરિકાના એક અખબાર ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ પોતાની ધરતી પર પન્નુની હત્યા કરવાના એક પ્લોટને નિષ્ફળ બનાવ્યો હતો. હવે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે કે ભારત સરકારના એક અધિકારીએ નિખિલ ગુપ્તા નામના એક ભારતીય નાગરિકને પન્નુની સોપારી આપી હતી. આ આરોપોને લઈને ભારત સરકારે પણ જવાબ આપ્યો છે. 

  આ તાજો ઘટનાક્રમ બુધવારનો (29 નવેમ્બર, 2023) છે. અમેરિકાના ન્યાય વિભાગે કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, અધિકારીના નામનો ફોડ પાડવામાં આવ્યો નથી અને તેમના સ્થાને CC-1 લખવામાં આવ્યું છે. USનો દાવો છે કે તેઓ ભારત સરકારની એજન્સીના કર્મચારી છે, જેઓ સિક્યુરિટી મેનેજમેન્ટ અને ઇન્ટેલિજન્સ માટે જવાબદાર છે. 

  નિખિલ ગુપ્તા હાલ હત્યાની સોપારીના આરોપસર ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. આ આરોપો હેઠળ તેને 10 વર્ષની સજા થઈ શકે છે. જૂન મહિનામાં ચેક ઓથોરિટી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પ્રત્યાર્પણ માટે અમેરિકા અને છેક રિપબ્લિક વચ્ચે હાલ વાટાઘાટો ચાલી રહી છે. 

  - Advertisement -

  ચાર્જશીટમાં US જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો કે, આ વર્ષની શરૂઆતમાં એક ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તા સહિત અન્યો સાથે મળીને ન્યૂયોર્કમાં રહેતા ભારતીય મૂળના યુએસ નાગરિક અને ‘રાજકીય કાર્યકર’ની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સાથે વિભાગ દ્વારા એક ફોટોગ્રાફ પણ શૅર કરવામાં આવ્યો છે, જેમાં બે વ્યક્તિઓ વચ્ચે પૈસાની લેવડદેવડ થતી જોવા મળે છે, પરંતુ તેમના ચહેરા દેખાતા નથી.

  દાવો એવો કરવામાં આવ્યો કે, અધિકારીએ ભારતમાંથી આ કાવતરું રચ્યું અને તે માટે નિખિલ ગુપ્તાની મદદ લેવામાં આવી. આરોપ છે કે ગુપ્તા અધિકારીનો સહયોગી છે અને બંનેની આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયારોની હેરફેરમાં પણ સંડોવણી છે. દાવા અનુસાર, મે, 2023માં CC-1એ નિખિલ ગુપ્તાને આ હત્યાની સોપારી આપી હતી. 

  ત્યારબાદ જણાવવામાં આવ્યું કે, CC-1ના નિર્દેશ પર નિખિલ ગુપ્તાએ એક એવા વ્યક્તિનો સંપર્ક કર્યો, જે ક્રિમિનલ એસોશિએટ મનાતો હતો પરંતુ વાસ્તવમાં તે ગુપ્ત રીતે DEA (ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન- અમેરિકાની એજન્સી) સાથે કામ કરતો હતો. તેણે ગુપ્તાની મુલાકાત એક કથિત હિટમેન સાથે કરાવી હતી, જે પણ DEAનો અન્ડરકવર ઓફિસર હતો. આરોપ છે કે હિટમેનને ખાલિસ્તાની આતંકવાદીની હત્યા કરવા માટે 1 લાખ યુએસ ડોલર (આજની કિંમત પ્રમાણે 83 લાખ ભારતીય રૂપિયા) આપવામાં આવ્યા હતા. 

  અહીં ઉલ્લેખનીય છે કે આ માત્ર આરોપો છે. જ્યાં સુધી જે-તે વ્યક્તિ દોષિત ન સાબિત થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ જ માનવામાં આવશે. 

  અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડવાના આરોપ ભારતીય પર લગાવ્યા બાદ ભારત સરકારે પણ આ મામલે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, “જ્યાં સુધી વાત USની કોર્ટમાં દાખલ થયેલા એક વ્યક્તિ સામેના કેસની છે, જેમની ઉપર ભારતીય અધિકારી સાથે સંબંધ ધરાવવાનો આરોપ છે, આ ચિંતાની બાબત છે. અમે કહી ચૂક્યા છીએ કે આ સરકારની પોલિસીની પણ વિરુદ્ધ છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ, ટ્રાફિકિંગ, ગન રનિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કટ્ટરપંથીઓ કાયદાકીય એજન્સીઓ અને સંસ્થાઓ માટે એક ગંભીર સમસ્યા સર્જે છે અને આ કારણે એક ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સી બનાવવામાં આવી છે, જે રિપોર્ટ આપશે.”

  વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરકાર આ બાબતોને ગંભીરતાથી લઇ રહી છે, કારણ કે તે દેશની રાષ્ટ્રીય સુરક્ષાને પણ સીધી રીતે અસર પહોંચાડે છે. સંબંધિત દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ભારત સરકારે ગત 18 નવેમ્બરના રોજ એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી હતી, જે તપાસ કરી રહી છે. તેમણે અંતે ઉમેર્યું હતું કે, સમિતિ જે રિપોર્ટ આપશે તેના આધારે સરકાર યોગ્ય પગલાં લેશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં