અમેરિકામાં રવિવારે (17 સ્પ્ટેમ્બર, 2023) વિચિત્ર ઘટના બની હતી. અહીં ઓપરેશન પર નીકળેલું એક ફાઇટર જેટ અચાનક ગાયબ થઈ ગયું હતું. જોકે, તેનો પાયલોટ સહી સલામત બચી ગયો છે પણ વિમાન ક્રેશ થયું નથી અને ઓટો પાયલોટ સિસ્ટમની મદદથી ઉડી રહ્યું છે. સરકારે હવે વિમાન શોધવા માટે લોકોની મદદ માંગી છે.
આ ઘટના રવિવારે બની હતી. ચાર્લસ્ટન જોઇન્ટ બેઝ દ્વારા ફેસબુક પર જણાવવામાં આવ્યું કે, આ વિમાન લોકહીડ માર્ટિન F-35 લાઈટનિંગ-2 છે, જે બૌફોર્ટ સ્થિત મરીન કોર્પ્સ એર સ્ટેશનનું છે. રવિવારે ઉડાન ભર્યા બાદ તેમાં કોઇ ખામી આવી હતી, જેના કારણે પાયલોટે પોતાની જાતને વિમાનમાંથી હવામાં ઈજેક્શન કરીને જીવ બચાવ્યો હતો. પરંતુ પાયલોટ બહાર નીકળી ગયા પછી પણ વિમાન ક્રેશ થયું નહતું.
BREAKING: US $80m Jet Missing | Flying With No Pilot
— Mario Nawfal (@MarioNawfal) September 18, 2023
Military officials are searching for a jet after the pilot ejected. The jet has not crashed and has continued to fly on autopilot.
"The public is asked to cooperate with military authorities as the recovery effort continues" pic.twitter.com/jnof2YP9Dd
મોટાભાગનાં ફાઇટર જેટમાં ઈજેક્શનની વ્યવસ્થા હોય છે, જે રૉકેટ પાવર સિસ્ટમ પર આધારિત હોય છે. જેનો ઉપયોગ કરીને પાયલોટ આફત સમયે કે પ્લેન ક્રેશ થવા સમયે પોતાનો જીવ બચાવી શકે છે. પાયલોટની સીટને ‘ઈજેક્ટર સીટ’ કહેવાય છે. જો તેને લાગે કે વિમાન ક્રેશ થવાની સ્થિતિમાં છે કે ટેકનિકલ ખામી સર્જાઇ છે તો તે ઈજેક્શન કરીને જેટની બહાર આવી શકે છે. સિસ્ટમ એક્ટિવેટ થતાં જ સીટ જેટથી અલગ થઈ જાય છે અને રોકેટની જેમ તીવ્ર ગતિએ જેટથી લગભગ ૩૦ મીટરની ઊંચાઈએ ફેંકી દે છે. જ્યાંથી પાયલોટ પેરાશૂટની મદદથી નીચે આવી જાય છે.
અહીં અમેરિકામાં ફાઇટર જેટ ગાયબ થવાના કિસ્સામાં પાયલોટ ઈજેક્શનની મદદથી બહાર આવી ગયો હતો, જેને પછીથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ રિપોર્ટ્સ જણાવે છે કે વિમાને ત્યારપછી પણ ઓટોપાયલોટ મોડ પર ઉડાન ચાલુ રાખી હતી. જોકે, આશંકા છે કે હવે તે ક્યાંક ક્રેશ થઈ ગયું હશે. જે જેટ લાપતા થયું છે તેની કિંમત 150 મિલિયન યુએસ ડોલર હોવાનું કહેવાય છે. જે કિંમત 15 કરોડ ડોલર એટલે કે 12,49,28,85,000 રૂપિયા જેટલી થાય.
પાયલોટે કયા સંજોગોમાં જેટ છોડવું પડ્યું તેની કોઇ વિગતો હજુ સુધી સામે આવી શકી નથી. હાલ અમેરિકન સેના અને સરકાર આ લાપતા જેટને શોધી રહ્યાં છે. સાથોસાથ લોકોની પણ મદદ માંગવામાં આવી છે અને આવું કોઇ ફાઇટર જેટ જોવા મળે તો જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેને લોકેટ કરવા માટે ઇમરજન્સી સેવાઓ પણ સક્રિય કરવામાં આવી છે.